Categories
વાચન સમૃદ્ધિ

આપે તે દેવ અને રાખે તે રાક્ષસ

સંત વિનોબાજીએ માતાને ‘આચાર્ય’ કહ્યાં છે. આચાર્યનો અર્થ એ કે જે કઠણમાં કઠણ પ્રશ્ન શોધીને સરળ બનાવે. પોતે જાતે કઠણ કામ કરી જુએ, એનું આચરણ કરે અને પછી બીજાને એ વિશે કહે. સંત વિનોબાનાં માતા પડોશીની પત્ની બહારગામ ગયાં હોવાથી પોતાની રસોઈ બનાવીને પડોશીને ત્યાં રસોઈ બનાવવા જતાં હતાં. એક દિવસ વિનોબાએ એમનાં માતાને પૂછ્યું, ‘મા, પહેલાં તું આપણા ઘરની રસોઈ બનાવે છે, પછી પડોશીના ઘરની રસોઈ બનાવે છે, એ સ્વાર્થ ન કહેવાય ? પોતાનો સ્વાર્થ પૂરો કર્યા પછી પરમાર્થ થઈ શકે ખરો ?’ માતાએ જવાબ આપ્યો, ‘બેટા, પહેલાં  આપણા ઘરની રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું, જેથી એમને ઠંડું ખાવું ન પડે. ગરમ ભોજન મળે.’ વિનોબાજીના ઘરના વાડામાં ફણસનું ઝાડ હતું. એને રોજ પાણી પાય અને ક્યારે એ મોટું થાય અને પોતાને ફળ ખાવા મળે તેની વિનોબાજી રાહ જોતા હતા. ફણસનું ઝાડ મોટું થયું. ધીરે ધીરે એના પર ફળ બેઠેલાં જોયાં એટલે વિનોબાજીને તોડવાનું મન થયું. એમની માતાએ કહ્યું, ‘હજી આ ફણસ કાચું છે. એ પીળું અને ઢીલું થાય પછી તું તોડજે.’ થોડા દિવસ પસાર થયા. ફણસનું ફળ પીળું અને ઢીલું થયું. માતાની સંમતિ મેળવીને વિનોબાએ ઝાડ પરથી ફણસ  ઉતાર્યું અને સમાર્યું. એના રસાદાર ટુકડા ખાવા માટે વિનોબાજી અને એમના મિત્રો ઉત્સુક હતા ત્યારે એમની માતાએ કહ્યું, ‘પહેલું ફળ તો (ભગવાનને આપીને) વહેંચીને ખવાય. વિનોબાજી અને તેમના મિત્રો તો ફણસના રસાદાર ટુકડા ખાવા માટે  ઉત્સુક હતા. એમનો જીવ ઝાલ્યો રહેતો ન હતો ત્યારે એમનાં માતાએ પ્રશ્ન કર્યો, ‘તમને દેવ ગમે કે રાક્ષસ ?’ વિનોબાજી અને એમના મિત્રોએ એક અવાજે ‘દેવ’ કહ્યું. એટલે એમની માતાએ કહ્યું, ‘જે આપે એ દેવ અને જે રાખે તે રાક્ષસ.’ માતાની વાત સાંભળતાં બધાં બાળકો ફણસના રસાદાર ટુકડા લઈને એને વહેંચવા નીકળી પડ્યાં. એક સમયે માતાની નિશાળમાંથી બાળકને આ બધું શીખવા મળતું હતું. વિનોબાજીનાં માતા કશું ભણ્યાં નહોતાં. લખતાંવાંચતાં પણ આવડતું નહોતું, પરંતુ બાળકોને ઘડવા માટેની ઊંડી સૂઝ હતી. માતાનું આચરણ એ જ બાળકની પાઠશાળા હતી.

આજે સમાજની ભલે પ્રગતિ થઈ હોય, પણ  મૂલ્ય અને માનવતાનો હ્રાસ થયો છે. બીજાને માટે જાત ઘસનારની મજાક કરવામાં આવે છે અને બીજાના પર સત્તા જમાવનાર, શોષણ કરનારને કે બીજાના ધનની ઉચાપત કરીને ઘર ભરનારને રાક્ષસ નહીં, પણ દેવ ગણવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મલ્લિકાર્જુન મનસૂર

જ. ૩૧ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૨

મૃત્યુંજય સ્વરયોગી અને સશ્રદ્ધ ગાનપરંપરામાંના ‘તાર ષડજ’ તરીકે ઓળખાતા હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક. ધારવાડના એક નાના ગામમાં પિતા ભીમરાયપ્પા અને માતા નીલમ્માને ત્યાં જન્મેલ મલ્લિકાર્જુન પોતાના વતન મનસૂરને કારણે ગામના નામથી જ ઓળખાતા હતા. કન્નડ ભાષા-સાહિત્યના જ્ઞાતા હોવા છતાં તેમને હિંદુસ્તાની સંગીત તરફ આકર્ષણ થતાં પ્રસિદ્ધ ગુરુ નીલકંઠબુવા અલૂરમઠ પાસેથી ગ્વાલિયર ઘરાનાની ગાયકીને આત્મસાત્ કરી અને પોતાની ગાયકીથી સંગીતશ્રોતાઓને સંમોહિત પણ કરતા હતા. પછીથી તેમણે હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના પ્રખ્યાત ગાયક ઉસ્તાદ મંજીખા પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યનો આ ઉત્કટ પ્રેમભર્યો સંબંધ જવલ્લે જ જોવા મળે એવો રહ્યો. અત્રૌલી-જયપુર તથા ગ્વાલિયર બંને ઘરાનાની ગાયકીનો સમન્વય મલ્લિકાર્જુનના ગાયનમાં થયો. તેઓ કઠિન રાગોને પણ સહજતાથી રજૂ કરતા અને શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની જાય તેવી તાનો તેઓના કંઠેથી સાંભળવા મળતી. ખયાલ ગાયક હોવા છતાં તેઓ ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, કવન વગેરેના પણ જાણકાર હતા. એમની માતૃભાષા કન્નડની ‘વચન અને રગડે’ પ્રકારની ગદ્ય-પદ્ય સાહિત્યના મિશ્રણવાળી શૈલીને શુદ્ધ સંગીત શૈલીમાં ઢાળીને તેને લોકપ્રિય બનાવવાનું બહુમૂલ્ય કામ પણ તેમણે કર્યું હતું. કેટલોક સમય ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. બિહાગ, તોડી, કાનડા અને મલ્હાર તેમના પ્રિય રાગો હતા. તેમને ‘સંગીતરત્ન’, ‘ગંધર્વરત્ન’, કાલિદાસ સન્માન જેવી માનભરી પદવીઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા સંગીતક્ષેત્રે કરેલી ઉપકારક સેવાના ફલસ્વરૂપે ૧૯૭૦માં ‘પદ્મશ્રી’, ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ જેવા માનખિતાબોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખયાલ ગાયકીના એક ઉત્કૃષ્ટ ગાયક તરીકે સંગીતપ્રેમીઓમાં તેઓ હંમેશાં યાદ રહેશે.

પ્રીતિ ચોકસી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીનગર

જમ્મુ-કાશ્મીર રાજ્યનું ઉનાળુ પાટનગર તથા શ્રીનગર જિલ્લાનું વહીવટી મથક.

તે ૩૪° ૦૫´ ઉ. અ. અને ૭૪° ૪૯´ પૂ. રે. પર કાશ્મીર ખીણમાં, ૧૬૦૦ મીટરની ઊંચાઈએ  નિર્મળ સરોવરો અને ઊંચા પર્વતોની વચ્ચે જેલમ નદીને બંને કાંઠે વસેલું છે. સ્ટાઇને લખેલા પુસ્તકમાં મળતી નોંધ અનુસાર, સાતમી સદીથી શ્રીનગર કાશ્મીરના પાટનગર તરીકે રહ્યું છે. આશરે ૬૩૧માં હ્યુ-એન-શ્વાંગે શ્રીનગરની મુલાકાત લીધેલી. તે વખતે જેલમનું નામ ‘વિતસ્તા’ હતું. ત્યારે પણ આ શહેર આજના સ્થળે જ હતું. તે એમ પણ જણાવે છે કે સમ્રાટ અશોકે ઈ. સ. પૂ. ૨૦૦ના ગાળામાં કાશ્મીરની ખીણ સુધી તેનું સામ્રાજ્ય વિસ્તારેલું. તેણે પર્વતની તળેટીમાં દક્ષિણ ધાર પર શ્રીનગર વસાવેલું. હ્યુ-એન-શ્વાંગના મત પ્રમાણે પ્રાંદ્રેથન જૂનું પાટનગર હતું, જ્યારે શ્રીનગર નવા શહેર તરીકે આકાર પામેલું. શહેરનું નામ ‘શ્રી’ એટલે લક્ષ્મી પરથી રાખવામાં આવેલું. બીજા મત પ્રમાણે છઠ્ઠી સદીના મધ્યકાળમાં રાજા પ્રવરસેન બીજાએ આ નગર વસાવેલું અને ત્યારે તે ‘પ્રવરસેનપુર’ તરીકે ઓળખાતું. કલ્હણે તેનો ‘પ્રવરપુર’ નામથી ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ તે ‘શ્રીનગરી’ અથવા ‘શ્રીનગર’ તરીકે જાણીતું થયું.

દાલ સરોવર

આજના શ્રીનગર શહેરની મધ્યમાં થઈને જેલમ નદી પસાર થાય છે. તે નદી પર લાકડાના સાત પુલો આવેલા છે. સ્થાનિક લોકોની અવરજવર માટે તથા પ્રવાસીઓના મનોરંજન માટે જેલમ નદીમાં શિકારાઓની હેરફેર રહે છે. પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારિત છે. શહેર નજીક આવેલા દાલ સરોવરમાં તેમ જ જેલમ નદીમાં પ્રવાસીઓ માટે નૌકાગૃહો(house boats)ની સગવડ છે, તેનો લાભ અનેક પ્રવાસીઓ લે છે. પ્રવાસની મોસમ દરમિયાન પ્રવાસીઓ માટે શણગારેલા શિકારા દ્વારા નૌકાવિહારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. શહેરના મધ્યભાગમાં સરકારી કાર્યાલયો આવેલાં છે. નદીકાંઠાના વિવિધ ભાગોમાં હોટલો, દુકાનો, ધાર્મિક સ્થળો, લઘુ ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે. શ્રીનગર શહેર તેની આજુબાજુની ખેતપેદાશોનું જથ્થાબંધ અને છૂટક બજાર ધરાવે છે. અહીંના ગાલીચા, રેશમ અને રેશમી વસ્ત્રો, ધાતુકામની તેમ જ કાષ્ઠકલા-કોતરણીવાળી ચીજવસ્તુઓ વખણાય છે. આ વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવે છે. શ્રીનગર દિલ્હી અને અમૃતસર સાથે નિયમિત હવાઈ સેવાથી સંકળાયેલું છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં રેલમાર્ગો વિકસી શક્યા નથી. સડકમાર્ગોનો સારો વિકાસ થયેલો છે. શહેરના આંતરિક ભાગોમાં નાની નહેરો પસાર કરેલી છે. શ્રીનગર શહેર ખેલકૂદનું મુખ્ય કેન્દ્ર પણ છે. શહેરમાં કાશ્મીર યુનિવર્સિટી (૧૯૪૮) આવેલી છે. શહેરમાં આવેલાં જોવાલાયક સ્થળો પૈકી દાલ સરોવર, ચિનાર બાગ, શાલીમાર-નિશાત-ચશ્મેશાહી જેવા ભવ્ય અને રમણીય મુઘલ બગીચા, જામિયા મસ્જિદ, હઝરતબાલ મસ્જિદ અને કેન્ચિન્ગ્ટન સંગ્રહસ્થાન જાણીતાં છે. તખ્ત ટેકરી પરથી આખાય શહેરને નિહાળી શકાય છે. શંકરાચાર્ય ટેકરી પર આવેલા મંદિરની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીંથી જઈ શકાય એવાં અન્ય જોવાલાયક સ્થળોમાં અનંતનાગ, ગુલમર્ગ, સોનમર્ગ, ખિલનમર્ગ, વુલર સરોવર, નંગા પર્વતશિખર, પહેલગામ, અમરનાથ વગેરેનો સમાવેશ થાય છે. ચલચિત્ર-ઉદ્યોગ માટે પણ શ્રીનગર પ્રિય સ્થળ રહ્યું છે. કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા અપાયેલી છે. ભારત તેમ જ દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી સંખ્યાબંધ પ્રવાસીઓની શ્રીનગર ખાતે અવરજવર રહે છે. પરંતુ આતંકીઓની ત્રાસવાદી પ્રવૃત્તિથી પ્રવાસન ઉપર માઠી અસર પડી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ