Categories
વાચન સમૃદ્ધિ

ટ્રક

ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. આદિમાનવ જાતે ચીજવસ્તુ પાસે પહોંચી જતો. આશરે ૯,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં તથા આનાતોલિયામાં માણસે ગોવંશને પાળવાની શરૂઆત કરી. બેએક હજાર વર્ષ પછી માણસ ઘોડો પાળતો થયો. પશુની સહાયથી સામાનની હેરફેર કરવાનું સરળ બન્યું. આ પરિસ્થિતિમાં હજારો વર્ષો સુધી ફરક પડ્યો નહિ. ૧૭૬૫માં વરાળયંત્રની શોધ સાથે શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. કારખાનાં માટે કાચા માલ તથા તૈયાર માલની હેરફેર માટે નાનાં અને ઝડપી વાહનો આવશ્યક બન્યાં. પ્રારંભે વરાળયંત્ર ઉપયોગી જણાયું; પણ ટૂંક સમયમાં જ ધીરો વેગ, વધારે પડતો ભાર, પાટાની જરૂર, ઇંધન રાખવાની અગવડ, ખૂણેખાંચરે પહોંચી જવામાં અક્ષમતા વગેરે મર્યાદાઓ સામે આવી. ૧૮૮૫માં જર્મનીના કાર્લ બેન્ઝે અંતરદહન–પેટ્રોલ–એંજિનની શોધ કરી. ૧૮૯૬માં એ જ દેશના ઇજનેર ગોટલીબ ડેમલરે પ્રથમ ટ્રક બનાવી અને નવો યુગ બેઠો. પ્રારંભિક ટ્રકો પ્રમાણમાં અણઘડ યંત્રકામવાળી તથા બહુ ભારે હતી. નગરની પાકી સડકોની બહાર તે નકામી હતી. ૧૯૦૩માં અમેરિકામાં યોજાયેલી ટ્રકસ્પર્ધાએ સુધારેલાં વાહનોના નિર્માણને ઉત્તેજન પૂરું પાડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતસમયે (૧૯૧૮) એકલા અમેરિકામાં જ ૧૦ લાખથી વધારે ટ્રકો લગભગ તમામ ભાગોમાં દોડતી હતી.

આ સમયે ટ્રકોને છાપરું કે બારણાં નહોતાં. આગળ રક્ષણ નહોતું. એંજિન છેક આગળ હતું. પૈડાં પર રબરનો પાટો હતો. કલાકના વધારેમાં વધારે ૩૦ કિમી.ના વેગે આ ટ્રકો માર્ગ પર જમણી બાજુ દોડતી. સમય જતાં વધુ સુધારા થયા. ૧૯૩૦માં વર્તમાન પ્રકારની ટ્રક આવી. હવે વિવિધ પ્રકારનાં ટ્રેલરોનો ઉપયોગ પણ વ્યાપક બન્યો. ત્રીસીના દસકામાં ટ્રક એંજિન માટે ઇંધન તરીકે ડીઝલ તેલનો ઉપયોગ શરૂ થયો. આધુનિક ટ્રક યંત્ર-ઇજનેરીની કુશળતાનો એક અદભુત નમૂનો છે. પોતાનો તથા સામાનનો મળીને એકત્ર ભાર વહન કરવાની ક્ષમતા અનુસાર બે ધરીવાળી ટ્રકોના ત્રણ વર્ગો પાડવામાં આવે છે : (૧) હળવા વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજન(gross vehicle weight)ની મર્યાદા ૬૦૦૦ કિગ્રા. સુધીની હોય છે. (૨) મધ્યમ વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૬,૦૦૦ કિગ્રા.થી ઉપર અને ૧૨,૦૦૦ કિગ્રા.થી વધુ નહિ તે મુજબની હોય છે. (૩) ભારે વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૧૨,૦૦૦ કિગ્રા.થી વધારે હોય છે. સામાન્ય રીતે આ વજનની મર્યાદા ૧૬,૦૦૦ કિગ્રા. આસપાસની હોય છે. આ ઉપરાંત વધુ વજન વહન કરવા માટે બેથી વધુ ધરી(ઍક્સલ)નો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માલસામાનના પરિવહન માટે ૯,૦૦૦થી ૧૦,૦૦૦ કિગ્રા. વજન લઈ જવાની ક્ષમતા(pay load)ની ટ્રકનો ઉપયોગ થાય છે, જ્યારે નાના રસ્તાઓ તથા ગીચ ટ્રાફિક માટે હળવાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રકની રચનાની વિગતો નીચે મુજબ છે : (૧) વ્હીલ બેજ : આગળની ધરીથી પાછળની ધરી વચ્ચેના અંતરને વ્હીલ બેજ કહેવામાં આવે છે. (૨) રિયર ઓવર હગ : પાછળની ધરીથી પાછળ તરફ ચેસીસનો જેટલો ભાગ લંબાયેલ હોય તેને રિયર ઓવરહગ કહે છે અને મોટર વિહિકલ ઍક્ટ ઍન્ડ રૂલ્સની જોગવાઈને ધ્યાનમાં લઈ ટ્રકનું પાછળનું બૉડી બાંધવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રક, પૃ. ૩૭૫)

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમ ઉપાધ્યાય

જ. ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪

ગુજરાતના ગાયક, સંગીતનિર્દેશક પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ધૂલિયા ગામે થયો હતો. ગૌરીશંકર તથા વિદ્યાગૌરી ઉપાધ્યાયના પુત્ર પુરુષોત્તમ બાળપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા હતા. ગુજરાતી રંગભૂમિમાં નાનાં નાનાં પાત્રો દ્વારા અભિનય તેમજ ગાયનની પ્રસ્તુતિ દરમિયાન અભિનેતા અશરફખાનના ધ્યાનમાં આવ્યા અને અશરફખાને કિશોર પુરુષોત્તમ ઉપાધ્યાયને મુંબઈ મોકલ્યા, તેમની ભલામણ સાથે આકાશવાણી મુંબઈમાં ગાયન પ્રસ્તુતિ માટે કરાર કરી આપ્યો. કવિ, સંગીતનિર્દેશક શ્રી અવિનાશ વ્યાસે પુરુષોત્તમ ઉપાધ્યાયની ક્ષમતાથી અભિભૂત થઈને તેને પોતાના માનસપુત્ર બનાવ્યા. ગાયન અને સંગીતનિર્દેશનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાની સર્જનાત્મકતા તેમજ પ્રયોગશીલતા દ્વારા ખૂબ નાની વયે સંગીતના ભાવકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. સાથે નવરંગ નાગપુરકર પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. ગુજરાતી સુગમ સંગીતમાં પોતાની આગવી શૈલીથી શાસ્ત્રીય સંગીતને વણી લીધું. ગુજરાતી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતી કવિઓની ઉત્તમ રચનાઓ સ્વરબદ્ધ કરી. ગીત, ગઝલ, ઉપશાસ્ત્રીય ગાયન, ગરબા એમ વિવિધ પ્રકારોને એમણે પોતાના સંગીત અને કંઠ દ્વારા જનહૈયે અને કંઠે રમતા કર્યા. બેગમ અખ્તર, મહોમ્મદ રફી, સુમન કલ્યાણપુર, લતા મંગેશકર, સરોજ ગુંદાણી, હંસા દેવે જેવાં અનેક પ્રખ્યાત ગાયકોએ પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોને પોતાનો કંઠ આપ્યો છે. ‘દિવસો જુદાઈના’, ‘રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ’, ‘તારો છેડલો’ જેવાં અનેક ગીતો ગુજરાતી સંગીતની ઓળખ સમા બની ગયાં. તેમણે વીસથી વધુ ગુજરાતી  ફિલ્મો તથા  ત્રીસથી વધુ નાટકોમાં સંગીતનિર્દેશન કર્યું છે. એમને ‘વિશ્વગુજરાતી’, ઉર્દૂ ગાયકી માટે ‘એશિયન ઍવૉર્ડ’, સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ‘ગૌરવ પુરસ્કાર’ તથા ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં પદ્મશ્રીના સન્માનથી બિરદાવવામાં આવ્યા હતા. ‘તમે આવો તો વાત’, ‘ચંદરવો’, ‘વૈષ્ણવજન’, ‘કાંઠે ગુલમહોરનો ઠાઠ’ જેવાં એમનાં અનેક સંગીત આલબમ ભાવકો માટે મોટી ભેટ સમાં છે. તેથી જ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને પુરુષોત્તમ-સ્વરોત્તમ કહેવામાં આવે છે. ગુણવત્તાસભર તેમ જ લોકભોગ્ય સંગીત માટે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું યોગદાન ખૂબ મોટું છે. અત્યંત સુરીલું ગાયન તેમજ ધારદાર રજૂઆત એ એમની ઓળખ છે.

Categories
વાચન સમૃદ્ધિ

હિંમતે મર્દા

વિદ્યુત ચુમ્બકત્વની ઘટના સમજવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડે(ઈ. સ. ૧૭૯૧-૧૮૬૭)નો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં થયો હતો. પોતાના ભરણપોષણને માટે લંડન શહેરના રસ્તાઓ પર એ અખબારો વેચતો હતો. વળી વચ્ચે સમય મળે ત્યારે અભ્યાસ કરી લેતો. એને એક પ્રકાશનગૃહમાં મદદનીશની નોકરી મળી અને એ પુસ્તકોનું બાઇન્ડિંગ કરવા લાગ્યો. ખાટા લીંબુમાંથી લીંબુનું મધુર સરબત બનાવવાનો કીમિયો માઇકલ ફૅરડે પાસે હતો. એને બુકબાઇન્ડરને ત્યાં નોકરી કરવાની સાથોસાથ જુદા જુદા વિષયનાં પુસ્તકો વાંચવાની તક મળી. એનો પરિશ્રમ, પ્રતિભા, અને પ્રામાણિકતા જોઈને પ્રકાશનગૃહના માલિક પ્રભાવિત થયા અને એક દિવસ એમની ભલામણને કારણે માઇકલ ફૅરડેને ફિલૉસૉફીનો અભ્યાસ કરવાની તક મળી.  ધીરે ધીરે એની રુચિ વિજ્ઞાનમાં વિકસતી ગઈ. એણે વિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીનું પ્રવચન સાંભળ્યું. એમનાં ચાર પ્રવચનોનાં વિષયવસ્તુ પર આધારિત લેખ લખીને રૉયલ સોસાયટીને મોકલ્યો, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. આમ છતાં એ હિંમત હાર્યો નહીં. એણે એ ભાષણો પર નવેસરથી લખીને એ લેખ ખુદ સર હમ્ફ્રી ડેવીને જ મોકલ્યો. એક વાર એ સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે હમ્ફ્રી ડેવી સ્વયં એને મળવા આવ્યા અને એકવીસ વર્ષના આ યુવાનને પોતાના મદદનીશ તરીકે રાખી લીધો. એ પછી તો માઇકલ ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. કોલહારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું અને એમણે કરેલું પ્રકાશના ધ્રુવીભવન-તલના ભ્રમણનું સંશોધન ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે આજેય પ્રસિદ્ધ છે. માઇકલ ફૅરડે ઘણું ઓછું ભણ્યો હતો, પણ વિશ્વના અત્યંત પ્રભાવક વિજ્ઞાનીઓમાંનો એક બન્યો. ઇલેક્ટ્રિક મોટર ટૅકનૉલૉજીમાં એનાં સંશોધનો પાયારૂપ બન્યાં અને એના અથાગ પુરુષાર્થને પરિણામે ટૅકનૉલૉજીમાં વિદ્યુતનો ઉપયોગ થવા લાગ્યો. આ રીતે ફૅરડે એક કુશળ પ્રયોગ-વીર હતો અને પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ ભાષામાં પ્રગટ કરી શકતો હતો.