Categories
વાચન સમૃદ્ધિ

સિંગાપોર

મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ-દેશ.

આ દેશ અગ્નિ-એશિયામાં આશરે ૦૧° ૧૭´ ઉ. અ. તથા ૧૦૩° ૫૧´ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વમાં દક્ષિણ ચીની સમુદ્ર, પશ્ચિમમાં મલાક્કાની સામુદ્રધુની, ઉત્તરમાં મલેશિયા તથા દક્ષિણમાં ઇન્ડોનેશિયાના દેશોની જલસીમાઓ આવેલી છે. તે ‘પૂર્વના પ્રવેશદ્વાર’ તરીકે જાણીતું છે. તેના મધ્યસ્થ સ્થાનને લીધે તેનું ખૂબ મહત્ત્વ છે. સિંગાપોર આશરે ૬૧૬.૩ ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. તેની વસ્તી આશરે ૬૦,૪૦,૦૦૦ (૨૦૨૪) જેટલી છે. તે વિશ્વની સૌથી વિશેષ લાંબી મલાક્કાની સામુદ્રધુની(આશરે ૭૭૪ કિમી.)ના પ્રવેશદ્વાર પર નિયંત્રણ ધરાવે છે. સિંગાપોર એક નાનકડો ટાપુ છે. તેના પૂર્વના ચાંગી પૉઇન્ટથી પશ્ચિમના જુરૉન્ગ સુધીની તેની લંબાઈ આશરે ૪૨ કિમી. છે, જ્યારે તેની ઉ.દ. પહોળાઈ લગભગ ૨૨.૫ કિમી. જેટલી છે. મુખ્ય ટાપુ ઉપરાંત તેની આસપાસના લગભગ ૫૪ જેટલા અન્ય નાના નાના ટાપુઓ મળીને ‘સિંગાપોરનું પ્રજાસત્તાક’ બને છે. સિંગાપોર ટાપુનો આકાર પાંખો પહોળી કરીને ઊડતા ચામાચીડિયા જેવો છે.

સિંગાપોર

ભૂરચનાત્મક દૃષ્ટિએ જોતાં તેને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (૧)મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ, (૨) પશ્ચિમનો ડુંગર તથા ખીણપ્રદેશ અને (૩) પૂર્વનો સપાટ પ્રદેશ. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં ગ્રૅનાઇટ ખડકો પથરાયેલા છે. આ ભાગમાં નદીઓનું અગત્યનું સ્રાવક્ષેત્ર આવેલું છે. તેમાંથી સિંગાપોરની મુખ્ય નદીઓ સુન્ગેઈ સેલેતર તથા સુન્ગેઈ કૉલાન્ગ ઉદભવ પામે છે. અહીં વિખ્યાત માઉન્ટ ફેબર આવેલો છે. તે પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણ છે. સિંગાપોરમાં જંગલોનું પ્રમાણ નહિવત્ છે. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં આછાં વર્ષાજંગલોના છૂટાછવાયા વિસ્તારો આવેલા છે. અહીંનાં વર્ષાજંગલોમાં વિશ્વવિખ્યાત ‘રાત્રિ સફારી’ આવેલો છે. અહીંનાં ૯૦% પ્રાણીઓ-પક્ષીઓ રાત્રિ દરમિયાન વિહરે છે. પર્યટકો રાત્રે હરીફરીને ત્યાંનાં પ્રાણીઓ-પક્ષીઓને જોઈ શકે છે. જુરોન્ગ ખાતે એક પક્ષીઉદ્યાન પણ આવેલો છે. સિંગાપોરનું પ્રાણીસંગ્રહાલય પણ જોવાલાયક છે. તેમાં એશિયાભરના વન્ય જીવો જોવા મળે છે. પ્રાણીસંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ અહીંનું માનવસર્જિત જંગલ છે. આ સંગ્રહાલયના જુદા જુદા વિભાગોની સીમાઓ ખડકો ગોઠવીને તથા ખાઈઓમાં પાણી ભરીને એવી આકર્ષક રીતે કંડારેલી છે કે દર્શકને તે કુદરતસર્જિત હોવાનો ભાસ કરાવે છે. આ ટાપુના કુલ વિસ્તારના આશરે અર્ધા ભાગમાં ખેતી કરવામાં આવે છે. રબર, નાળિયેરી, શાકભાજી તથા ફળો અહીંના મુખ્ય પાકો છે. મત્સ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી જુરોન્ગ નામના મત્સ્યબંદરની સ્થાપના થઈ છે. આ દેશમાં કલાઈગાળણ અને શોધન, ખનિજતેલ-શોધન, જહાજ-બાંધકામ; કાપડ, રબર, લાકડાં, યંત્રસામગ્રી, રાસાયણિક પેદાશો, ખાદ્યચીજો વગેરના ઔદ્યોગિક એકમો તેમ જ પ્રવાસન અને બૅન્કિંગ સેવાઓને લગતા ઉદ્યોગો વિક્સેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંગાપોર, પૃ. ૨૦૪)

Categories
વાચન સમૃદ્ધિ

ઉદયપ્રભા મહેતા

જ. ૨૬ જૂન, ૧૯૧૪ અ. ૧૫  એપ્રિલ, ૧૯૮૬

રૂઢિચુસ્ત સમાજમાં નારી જાગૃતિની શક્તિ દેખાડી અને ગુજરાતની એક ગૌરવવંતી અને ક્રાંતિકારી નારી તરીકે નામના પામનાર ઉદયપ્રભાબહેનનો જન્મ અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં થયેલો. માત્ર ચાર વર્ષની વયે તેમના પિતાનું  અવસાન થયું હતું. માતાનાં સંસ્કાર, જતન અને વહાલને કારણે એમને સામાજિક જીવનમાં વિકસવાની સુવિધા મળી હતી. મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૩૪માં ગ્રૅજ્યુએટ થયાં. ભણતર પૂરું થયા પછી એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી, પરંતુ તેમાં ખાસ  રસ ન પડ્યો. ૧૯૩૨માં સ્થપાયેલ જ્યોતિસંઘમાં તેમણે ખંડ સમય માટે કામ કર્યું. પાછળથી તેનાં પ્રમુખ પણ બન્યાં અને સંઘ સાથે કાયમ જોડાયેલાં રહ્યાં. ગાંધીજીની પ્રેરણાથી તેમણે આજીવન ખાદી અપનાવી હતી. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું. ૧૯૩૦થી ૧૯૪૨ની લડતમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોજ સવાર પડે પ્રભાતફેરીમાં જવું, દેશભક્તિનાં ગીતો ગાવાં, આઝાદીના નારા લગાવવા, સરઘસો કાઢવાં, પત્રિકાઓ લખવી-વહેંચવી, વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, ઘેર ઘેર ખાદી વેચવી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવું વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ નીડરપણે ભાગ લેતાં. તેઓ સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા જેવા મૂળભૂત અધિકારોમાં માનતાં. તે સમયે તેમણે ભાઈદાસભાઈ મહેતા સાથે સ્નેહલગ્ન કરેલાં અને આઝાદીની લડત સાથે સાથે એક પત્ની, માતા તથા ગૃહિણીની ફરજ પણ નિભાવતાં રહ્યાં. તેઓ આજીવન સમાજસેવાના કાર્ય સાથે જોડાયેલાં રહ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં ૧૯૪૬થી સ્ત્રીઓનાં પ્રતિનિધિ ચૂંટાયાં. ૧૯૫૪માં ચૅરમૅન થયાં. ૧૯૫૬માં અખિલ હિંદ મહિલા પરિષદ, એલિસબ્રિજ શાખામાં ઉપપ્રમુખ અને પછી પ્રમુખ બન્યાં. ૧૯૬૯માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં પ્રમુખ થયાં. કેટલીક બૅંક તથા સંસ્થાઓ સાથે એમણે સક્રિય કામગીરી કરી. તેઓ આકાશવાણી, મહીપતરામ રૂપરામ આશ્રમ અને વિકાસગૃહ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

નવી આશા આપતી નિષ્ફળતા

‘સંજોગો માનવીને ઘડે છે’ એ સૂત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો. અનુકૂળ સંયોગને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! કયા આનંદદાયી હતા અને કયા દુ:ખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ સંજોગો કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વના છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેમને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.