Categories
વાચન સમૃદ્ધિ

લાલા જગત નારાયણ

જ. ૩૧ મે, ૧૮૯૯ અ. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧

સંસદસભ્ય, પંજાબ વિધાનસભાના સભ્ય અને ધ હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક લાલા જગત નારાયણનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ ગુજરાંવાલા જિલ્લાના વઝીરાબાદ ખાતે થયો હતો. તેઓ ૧૯૧૯માં લાહોરની ડીએવી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લાહોરની એક લૉ કૉલેજમાં જોડાયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાવાના આહવાન પર તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને અઢી વરસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ જેલવાસ દરમિયાન તેમણે લાલા લજપતરાયના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું. ૧૯૨૪માં ભાઈ પરમાનંદના હિન્દી ભાષાના સાપ્તાહિક ‘આકાશવાણી’ના સંપાદક બન્યા હતા. આઝાદીની ચળવળ અને અલગ અલગ પ્રસંગોએ તેઓ લગભગ નવેક વરસ જેલમાં રહ્યા હતા. લાલા જગત નારાયણ સાત વર્ષ સુધી લાહોર શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, લાહોર કૉર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષના નેતા, ત્રીસ વર્ષથી વધુ સમય સુધી પંજાબ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય અને લગભગ ૩૦ વરસ સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્યપદે રહ્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી દરમિયાન તેમને MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેઓ પક્ષથી અલગ થઈ ગયા હતા. લાલા જગત નારાયણ લાહોરથી શરણાર્થી તરીકે જલંધર આવ્યા હતા અને તેમણે ૧૯૪૮માં ‘હિંદ સમાચાર’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતમાં ઉર્દૂને સરકારી  સમર્થન ન મળતાં, તેમણે ૧૯૬૫માં હિન્દી ભાષાના દૈનિક ‘પંજાબ કેસરી’ની સ્થાપના કરી હતી. પંજાબી સૂબા ચળવળ દરમિયાન ૧૯૫૭માં અકાલી દળે સ્વીકારેલ પ્રાદેશિક ફૉર્મ્યુલા, જે પંજાબમાં પંજાબી અને હિન્દી ભાષાઓને સમાન દરજ્જો આપવાનો પ્રસ્તાવ હતો તેનો વિરોધ કરવા માટે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. ૧૯૯૮માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં નારાયણના નામે એક ચૅરની સ્થાપના કરવામાં આવી હતી અને ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લાલા જગત નારાયણની યાદમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

મનપસંદ વ્હિસલ

અમેરિકાના પ્રસિદ્ધ લેખક, સંશોધક, વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિનનું મૂળ નામ રિચાર્ડ સોન્ડર્સ હતું. સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાનાં સત્તર સંતાનોમાં ફ્રેન્કલિન દસમું સંતાન હતા. બહુમુખી પ્રતિભાને કારણે એમણે અનેક ક્ષેત્રોમાં કામગીરી બજાવી. મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, બંધારણના ઘડવૈયા અને સ્થિર-વિદ્યુતનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની તરીકે જાણીતા બન્યા. ગરીબીમાં ઊછરતા આ બેન્જામિન ફ્રેન્કલિન સાત વર્ષના બાળક હતા, ત્યારે રમકડાંની દુકાનમાં વ્હિસલ જોઈને એની પાછળ ગાંડા થઈ ગયા હતા. મનમાં થયું કે કોઈ પણ ભોગે, આ વ્હિસલ મેળવવી જ જોઈએ. એક વાર એમની પાસે જે કંઈ પૈસા એકઠા થયા હતા, એ બધી રકમનો દુકાનદાર આગળ ઢગલો કર્યો અને કહ્યું કે ‘મને મારી પેલી મનપસંદ વ્હિસલ આપો.’ વ્હિસલ મેળવવાની તાલાવેલી એટલી કે એમણે ન તો એની કિંમત પૂછી કે ન તો એમણે કેટલી કિંમત ચૂકવી તેની ગણતરી કરી. એ પછી એ વ્હિસલ વગાડતા વગાડતા આનંદભેર ઘેર આવ્યા, ત્યારે એમનાં મોટાં ભાઈ-બહેનોએ એની ખરીદીની વાત જાણીને કહ્યું કે બેન્જામિને ઘણી વધુ કિંમત ચૂકવીને વ્હિસલ ખરીદી છે. બધાએ એની ખૂબ મશ્કરી કરી. સાત વર્ષની વયની ઘટના બેન્જામિન ફ્રેન્કલિનને છેક સિત્તેર વર્ષ સુધી યાદ રહી ગઈ. વ્હિસલ મળ્યાના આનંદ અને ખુશી કરતાં પોતાની આટલી મોટી ભૂલનું દુ:ખ વધુ રહ્યું. આ ઘટનાને વારંવાર યાદ કરીને તેઓ વિચારતા કે પોતે વ્હિસલની જે કિંમત ચૂકવી, એના કરતાં ‘અનેકગણી વધારે કિંમત’ લોકો એમની મનપસંદ વ્હિસલ માટે ચૂકવતા હોય છે ! વળી દરેક ચીજની ખોટી કિંમત આંકીને માનવી જીવનભર દુ:ખી રહેતો હોય છે. વ્હિસલની નાની શી ઘટનામાંથી બેન્જામિન ફ્રેન્કલિન જીવનભર બોધપાઠ તારવતા રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ લાલભાઈ દેસાઈ ‘કોલક’

જ. ૩૦ મે, ૧૯૧૪ અ.૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૮

કવિ કોલકનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ. એમનો જન્મ પારડી તાલુકાના સોનવાડા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ તાપીબહેન અને પિતાનું નામ લાલભાઈ દેસાઈ હતું. વતન પાસે વહેતી કોલક નદીના નામ પરથી તેમણે પોતાનું ઉપનામ ‘કોલક’ રાખ્યું હતું. તેઓ દેખાવે પડછંદ પરંતુ સ્વભાવે હસમુખા, મિલનસાર, સરળ અને નિજાનંદી હતા. ઈ. સ. ૧૯૩૩માં મુંબઈની મીઠીબાઈ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ કર્યું અને તેમનાં માતાનું અવસાન થતાં જવાબદારીઓ આવી પડતાં કૉલેજમાં એક જ વર્ષ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૩૪માં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૨થી ઈ. સ. ૧૯૪૭ સુધી એમણે ‘જન્મભૂમિ’ દૈનિકમાં તંત્રી તરીકે સેવા આપી હતી. ઈ. સ. ૧૯૩૮માં એમણે ‘માધુરી’ નામનું ત્રિમાસિક ચલાવ્યું. ઈ. સ. ૧૯૪૨માં ‘કવિતા’ નામનું માસિક શરૂ કર્યું, ઈ. સ. ૧૯૫૦માં ‘વાર્તા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એમાં ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ હપતાવાર છપાતી. ઈ. સ. ૧૯૬૮માં ‘કોલક’ નામનું નવલકથાનું માસિક શરૂ કર્યું, એમાં તેઓ સળંગ નવલકથા છાપતા. એમણે વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં પણ કામ કર્યું હતું. કોલક ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય પણ રહ્યા હતા. ‘કોલક’ને નાની વયથી જ કાવ્યરચનાનો શોખ હતો. તેના પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા : (૧) ‘પ્રિયા-આગમન’ ખંડકાવ્ય (૧૯૩૭), (૨) ‘સાંધ્ય ગીત’ (૧૯૩૮), (૩) ‘સ્વાતિ’ (૧૯૪૦) અને (૪) ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૨) જે સળંગ ૨૦૦૦ પંક્તિઓનું પ્રેમકાવ્ય હતું. કોલકની કવિતામાં પ્રેમીના ભગ્ન હૃદયનો પ્રલાપ પ્રગટ થયેલો છે. છંદો પરનો તેમનો કાબૂ પ્રશંસનીય હતો. કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. ૧૯૪૭માં પ્રગટ થયેલી તેમની પ્રથમ નવલકથા ‘ભાઈબીજ’ ખૂબ જ આવકાર પામી હતી. તેમણે પચાસ જેટલી નવલકથાઓ લખી છે જેનો બહોળો વાચકવર્ગ છે. તે ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ ઈ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલા.