Categories
વાચન સમૃદ્ધિ

જિસસને પ્રવેશબંધી

વિશ્વમાં સૌથી મોટો ભેદભાવ એ શ્વેત (ગોરા) અને અશ્વેત (કાળા) લોકો વચ્ચે જોવા મળે છે. એક સમયે અશ્વેત લોકોને શ્વેત લોકોએ ગુલામ બનાવ્યા. એમના પર માલિકીહક ભોગવ્યો. એમની પાસે કાળી મજૂરી કરાવી. આ અશ્વેત લોકોને માટે રહેવાના જુદા વિસ્તારો હતા. ટ્રેનમાં જુદા ડબ્બાઓ હતા અને હોટલ, ગાર્ડન કે અમુક ચર્ચમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. એક શ્રદ્ધાળુ અશ્વેત એક વાર ચર્ચમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે ચર્ચના પાદરીએ તેને અટકાવ્યો. એણે કહ્યું, ‘આ ચર્ચમાં આવીને તમને પ્રાર્થના કરવાનું મન થાય તે હું સમજી શકું છું, પરંતુ પ્રાર્થના કરવી તમને માફક નહીં આવે. અહીં માત્ર શ્વેત લોકોને જ પ્રવેશ છે.’ પેલી અશ્વેત વ્યક્તિ ચર્ચના બારણે ઊભી રહી ગઈ. પાદરીનાં વચનો સાંભળીને ખૂબ નિરાશ થઈ. પાદરીએ એને કહ્યું, ‘તમારી ચામડીના કાળા રંગને કારણે તમે અહીં પ્રાર્થના કરવા માટે પ્રતિબંધિત છો, એને માટે બીજે ક્યાંક જાઓ.’ ‘ચર્ચ સિવાય બીજે ક્યાં જાઉં ?’ પાદરીએ કહ્યું, ‘તમે ઈશુને પ્રાર્થના કરો કે એ તમને કોઈ રસ્તો સુઝાડે.’ થોડાક સમય બાદ પેલા ગર્વિષ્ટ અને રંગદ્વેષી પાદરીને આ અશ્વેત સજ્જન બજારમાં મળી ગયા. પાદરીએ એની ખબર પૂછી. કયા ચર્ચમાં જઈને પ્રાર્થના કરી તેની માહિતી મેળવી, ત્યારે પેલી અશ્વેત વ્યક્તિએ કહ્યું, ‘તમે મને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તમારા સૂચન પ્રમાણે મેં જિસસને પ્રાર્થના કરી. એ પછી પેલી પ્રવેશબંધી અંગે એમને વાત કરી. ત્યારે જિસસે મને કહ્યું, ‘અરે ભાઈ, તું મહેરબાની કરીને એ ચર્ચમાં પ્રવેશવાનો પ્રયત્ન ન કરીશ. તું નિષ્ફળ જ જવાનો. હું પોતે વર્ષોથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજી મને કોઈ સફળતા મળી નથી.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યજ્ઞેશ હરિહર શુક્લ

જ. ૧૩ માર્ચ, ૧૯૦૯ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૧

પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થવાથી માતા વિજયાબહેને ઉછેર્યા. પછી મુંબઈમાં પિતરાઈ મોટા ભાઈ જયકૃષ્ણ સાથે રહી દાવર્સ કૉલેજમાં અભ્યાસ કરવા લાગ્યા. જોકે અભ્યાસ પણ અધવચ્ચે છોડી સામયિકોમાં લેખો-વાર્તાઓ લખવા લાગ્યા. સાહિત્યના અભ્યાસી પત્રકાર અંબાલાલ બુલાખીરામ જાની પાસે પત્રકારત્વની તાલીમ લીધી. ૧૯૨૭માં મુંબઈના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘ગુજરાતી’માં જોડાયા. ત્યારબાદ ‘હિન્દુસ્તાન-પ્રજાપતિ’, ‘જન્મભૂમિ’  અને ‘વંદે માતરમ’માં જોડાયા. શામળદાસ ગાંધીના અવસાન બાદ ‘વંદે માતરમ્’ બંધ થવાથી ‘પ્રજામત’ નામના દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું, પણ હૃદયરોગના હુમલાને કારણે તે કામ પડતું મૂકવું પડ્યું. ૧૯૨૯થી એક દસકા સુધી સ્ત્રી-માસિક ‘ગુણસુંદરી’નું સંપાદનકાર્ય સંભાળ્યું. સાથે સાથે જ્ઞાતિની ‘વિદ્યોત્તેજક સભા’ તથા મુંબઈના સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. ૧૯૫૫માં સ્વાસ્થ્ય સુધરતાં ‘મુંબઈ સમાચાર’ પત્રે તેમને જવાબદારી સોંપી. ૧૯૫૮માં પત્રના અગ્રલેખ-લેખક તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી, જીવનપર્યંત કાર્યરત રહ્યા. તેમના વિશદ અને વિસ્તૃત અગ્રલેખોમાં રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કારિક અભ્યાસની ગહનતા જોવા મળે છે. ૧૯૬૮માં ઉત્તર મુંબઈની રોટરી ક્લબે તેમના માહિતીસભર અને નીડરતાભર્યા અગ્રલેખોની કદર કરતાં ‘સ્વ. બેન્જામિન ગાઇ હૉર્નિમૅન’ના નામનો વર્ષના શ્રેષ્ઠ પત્રકારને અપાતો પુરસ્કાર અર્પણ કરાયો હતો.

તેમણે અગિયાર જેટલાં પુસ્તકોની રચના કરી છે. તેમણે નવલકથા અને ટૂંકી વાર્તાક્ષેત્રે પ્રદાન કર્યું છે. ‘એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા’ અને ‘અર્ધી શતાબ્દીની અખબાર-યાત્રા’ નામનાં પુસ્તકોમાં પોતાની જ ઘડતરકથા સાથે પત્રકારત્વક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓ તથા ઘટનાઓને વર્ણવી છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

સલાટ

પથ્થર ઘડવાનો વ્યવસાય કરનાર.

‘સલાટ’ શબ્દને ‘શિલાકાર’, ‘શિલા-પટ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધ હોવાનું જણાય છે. આમ શિલા(પથ્થર)પાટ ચીરનાર સલાટના કામને ચોસઠ કળાઓમાં વાસ્તુવિદ્યામાં સ્થાન મળ્યું છે. સલાટ પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરે છે. રાજાઓના સમયમાં ગુપ્ત ભોંયરાં, ધનભંડારોનાં ગુપ્ત દ્વારો, ભુલભુલામણીવાળા ગુપ્ત માર્ગો તેમ જ મનુષ્ય અને દેવોની મૂર્તિઓ વગેરે બનાવવાનું કાર્ય સલાટો કરતા.

પથ્થર ઘડતો સલાટ

વર્તમાન સમયમાં મોટા ભાગે હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો-દેરાસરો બનાવવામાં અને તેમના સમારકામ માટે સલાટની કળાનો લાભ લેવાય છે. તેઓ ઘંટીનાં પડ ટાંકવાનું અને ઘંટીઓ, ખલ, ઓરસિયા વગેરે ઘડીને વેચવાનું કામ પણ કરતા હોય છે. સલાટોમાં થેરા સલાટ એ પેટાજાતિ છે. થેરા સલાટો ઘંટીના પથ્થરો ટાંકવા એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેર બહાર ઝૂંપડાં બાંધીને રહે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. થેરા સલાટો – સલાટો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગોની યાદીમાં આવે છે. સોમપુરા સલાટોને બ્રાહ્મણ ગણવામાં આવે છે. તેઓ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ કરે છે. તેમની આર્થિક સ્થિતિ અન્ય સલાટો કરતાં વધુ સારી હોવાથી તેમનો સમાવેશ આર્થિક પછાત જાતિમાં થતો નથી. ધ્રાંગધ્રા અને તેની આસપાસના સોમપુરા સલાટો જાણીતા છે. ડભોઈની હીરાભગોળ સાથે સંકળાયેલા હીરા સલાટની દંતકથા જાણીતી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ