Categories
વાચન સમૃદ્ધિ

સુષમા સ્વરાજ

જ. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ અ. ૬ ઑગસ્ટ, ૨૦૧૯

ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ. ૧૯૯૮માં થોડા સમય માટે દિલ્હીનાં સૌપ્રથમ મહિલામુખ્યમંત્રીપદે રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મોદી સરકારમાં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. ઇન્દિરા ગાંધી પછી વિદેશમંત્રીના પદ પર રહેનાર તેઓ બીજાં મહિલાનેતા હતાં. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક હતાં. અંબાલા કૅન્ટોનમેન્ટ ખાતે એસ. ડી. કૉલેજનાં શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનાં પારિતોષિકો ઉપરાંત એન.સી.સી.નાં પણ શ્રેષ્ઠ કૅડેટ તરીકે સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કૅડેટ પુરવાર થયાં હતાં. ૧૯૭૦માં વિદ્યાર્થિની નેત્રી તરીકે તેમણે ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કામગીરી આરંભી અને રાજકારણમાં અને જાહેરજીવનમાં સક્રિય રસ લેવાનો શરૂ કર્યો. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાનાં સૌથી યુવા મંત્રી બન્યાં હતાં. ૧૯૭૭-૧૯૭૯ સુધી દેવીલાલ સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી બન્યાં. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં. ૧૯૮૭માં ફરી દેવીલાલની સરકારમાં શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બન્યાં. તેઓ ઉત્તમ વક્તા હોવાથી ત્રણ વાર હરિયાણા વિધાનસભાનાં ઉત્તમ વક્તા તરીકે વરણી પામ્યાં. સંસ્કૃત ભાષા પર પણ તેમની હથોટી ઉત્તમ કક્ષાની હતી. તેઓ અન્ય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં પણ વિવિધ હોદ્દા ધરાવતાં હતાં. ૧૯૯૦માં રાજ્યસભાનાં સાંસદ બની કેન્દ્રીય રાજકારણમાં આવ્યાં. ૧૯૯૬ની ૧૧મી અને ૧૯૯૮ની ૧૨મી લોકસભામાં દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટાઈ સાંસદ બન્યાં. તેઓ વાજપાઈ મંત્રીમંડળમાં માહિતી અને સંચાર મંત્રાલયનાં મંત્રી બન્યાં. ૨૦૦૦માં ઉત્તરાખંડનાં અને ૨૦૦૬માં મધ્યપ્રદેશનાં સાંસદ તરીકે રાજ્યસભામાં કાર્યરત રહ્યાં. તેઓ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય, પક્ષનાં અધ્યક્ષ અને મંત્રી તથા પક્ષનાં પ્રવક્તા જેવા વિવિધ મહત્ત્વના હોદ્દા પણ સંભાળી ચૂક્યાં હતાં. મોદી સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે કેટલાક ભારતીયોને વિદેશથી સ્વદેશ લાવવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

આંસુ સારતા નથી

અમેરિકાની વ્યવસાયી બૉક્સિંગમાં ૧૯૧૯થી ૧૯૨૬ સુધી વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયનશિપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની  અસાધારણ શક્તિને કારણે બૉક્સિંગના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બૉક્સર તરીકે જાણીતો બન્યો. લોકો એની બૉક્સિંગ જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થતા હતા અને એને કારણે પ્રેક્ષકોની સંખ્યાના નવા વિક્રમો સધાતા હતા. પહેલી વાર એની બૉક્સિંગની મૅચમાં મિલિયન ડૉલરની આવક થઈ હતી. એક પછી એક વિજય ધરાવતા ‘જેક’ ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બૉક્સરે પરાજય આપ્યો. બૉક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો, પરંતુ બૉક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પૉઇંટથી ડેમ્પસેને હરાવ્યો. એક લાખ વીસ હજાર અને પાંચસો સત્તાવન પ્રેક્ષકોની હાજરીમાં આ ઘટના બની. ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં, ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રૉડવે પર ‘જેક’ ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી. એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઇનામો આપવા લાગ્યો અને એ રીતે એણે એક નવી જિંદગીનો પ્રારંભ કર્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું, ‘મારા ચૅમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લાં દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.’ સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સરોજિની નાયડુ

જ. ૧૩ ફેબ્રુઆરી, ૧૮૭૯ અ. ૨ માર્ચ, ૧૯૪૯

અંગ્રેજી ભાષાનાં ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. તેઓનો સ્વર ખૂબ મીઠો હોવાથી તેમને ‘હિંદની બુલબુલ’નો ખિતાબ મળ્યો હતો. સરોજિનીનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો, પણ તેમનો ઉછેર ભારતીય તરીકે થયો હતો. પિતા અઘોરીનાથ વિદ્વાન, વૈજ્ઞાનિક અને સમાજસુધારક અને માતા વરદાસુંદરી દેવી કવયિત્રી હતાં. સરોજિનીએ બાર વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ચેન્નાઈ ઇલાકામાં પ્રથમ આવ્યાં હતાં. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઇંગ્લૅન્ડ ગયાં જ્યાં કિંગ્ઝ કૉલેજ તથા ગિરટન કૉલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમયે તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ તથા સાયમન્સના સંપર્કમાં આવ્યાં હતાં. સરોજિની ચૌદ વર્ષની ઉંમરે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યાં અને ૧૮૯૮માં તેમની સાથે લગ્ન કર્યાં હતાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હીરાની ઉંબર’ ઈ. સ. ૧૯૦૫માં બહાર પડ્યો. આ ઉપરાંત ‘ધ લેડી ઑફ ધ લેક’ શીર્ષક હેઠળ કવિતા અને નાટક લખ્યું. ‘ધ ગોલ્ડન થ્રેશેલ્ડ’, ‘ધ બર્ડ ઑફ ટાઇમ’ અને ‘બ્રોકનવિંગ’ નામના કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ૧૯૧૪માં તેઓ ગાંધીજીને મળ્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ડૂબી ગયાં. ધરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતાં અને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી. આમ ગાંધીજીનાં એક અનન્ય શિષ્યા તરીકે તેઓએ ૧૯૨૦થી ૧૯૪૯ સુધી દેશસેવા કરી હતી. તેઓ રાજ્યપાલના હોદ્દા પર હતાં તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ તેમની સ્મૃતિમાં પંદર પૈસાની ટિકિટ બહાર પાડી હતી.

અંજના ભગવતી