માનવમાત્ર સમાન


અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન અદભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક-સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે, ‘‘અમેરિકાની સ્વાધીનતાના પાયામાં ‘ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,’ એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઈ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પરિણામે એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.’’ અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પછી પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરેટે અભિનંદન આપતાં કહ્યું, ‘મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.’

કુમારપાળ દેસાઈ

અબ્બાસ તૈયબજી


જ. ૧ ફેબ્રુઆરી, ૧૮૫૪ અ. ૯ મે, ૧૯૩૬

ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીજીના નિકટના સાથી તથા વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તેમનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વહોરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. અગિયાર વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૮૭૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૮૭૫માં બૅરિસ્ટર થયા. ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થવાથી ભારત પરત આવ્યા બાદ પણ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદાર રહ્યા. ૧૮૭૯માં વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તથા સુરમાયા-જમાતે સુલેમાની બોર્ડિંગ સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા. તેઓ સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાને સમર્થન કરતા. પડદાપ્રથાનો અસ્વીકાર કરવાની સાથે પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજોને પણ પડકાર્યા હતા. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેના સભ્ય હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજિત એક સામાજિક સંમેલનમાં ભાગ લીધો અને ૧૯૧૯ પછી બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં પણ જોડાયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. ૧૯૨૦માં ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તેઓ બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા અને ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તેઓ આંદોલનના મુખ્ય નેતા બન્યા. તેથી ૭૮ વર્ષની વયે જેલમાં જવું પડ્યું. ૧૯૩૨માં પણ ફરી જેલવાસ થયો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ગુજરાત’ તરીકે નવાજ્યા હતા. ૧૯૩૩ અને ૧૯૩૫માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

સબમરીન


સામાન્ય રીતે દરિયામાં પાણીની સપાટી નીચે લાંબો સમય પ્રવાસ કરી શકે તેવી યાંત્રિક નૌકા.

સબમરીન પાણીની સપાટી ઉપર તેમ જ પાણીની સપાટી હેઠળ પણ ચાલી શકે છે. સબમરીન જેવા વાહનની શોધ ૧૭મી સદીની શરૂઆતમાં થઈ હતી; પરંતુ ૧૯મી સદીમાં બે અમેરિકન સંશોધકો જૉન. પી. હૉલંડ અને સાયમન લેકને સબમરીન બાંધવામાં સફળતા મળી. તેમાં આંતરદહન એન્જિનો અને બૅટરીનો સહિયારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સબમરીનોએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. અનેક ઉતારુ-જહાજો તથા લશ્કરી જહાજોને ડુબાડી દઈ આ સબમરીનોએ આતંક મચાવ્યો હતો.

સબમરીન જહાજના આકારની મોટી હવાચુસ્ત પેટી જેવી હોય છે. દરિયાના તળિયે પાણીનું પ્રચંડ દબાણ સહન કરવા માટે તેની સપાટી ધાતુની બનેલી મજબૂત હોય છે.  સબમરીન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી કે અણુશક્તિ(ન્યૂક્લિયર પાવર-ઊર્જા)થી ચાલે છે. તેમાં હવા ભરેલી ખાલી ચેમ્બરો હોય છે. આ ચેમ્બરો ખાલી હોય ત્યારે તે સપાટી પર રહે છે. આ ચેમ્બરોમાં પાણી ભરાય ત્યારે તેનું વજન વધે છે અને પાણીમાં નીચે જતી રહે છે. માછલીની ઝાલર જેવા તેના ‘હાઇડ્રૉપ્લેઇન્સ’ સબમરીન ડૂબે કે ઉપર આવે ત્યારે તેનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. સબમરીન હજારો નાના-મોટા પુરજાઓનું બનેલું અતિ સંકુલ વાહન છે. તેની રચના અને કામગીરી અટપટી હોય છે. અણુશક્તિ-સંચાલિત સબમરીન તો પાણીની સપાટી પર આવ્યા વિના નીચે રહીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે. સબમરીનનો મુખ્ય ઉપયોગ યુદ્ધમાં થાય છે. દરિયાના તળિયે સંશોધનો કરવા માટે પણ તે ઉપયોગી છે. આધુનિક સબમરીનો મહાવિનાશક અણુ-પ્રક્ષેપાસ્ત્રોથી સજ્જ હોય છે. આ સબમરીનો દિશા નક્કી કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. સબમરીનને ઘણા લોકો ‘પાતાળપરી’ તરીકે ઓળખે છે. જોકે આ પરી એક એવું ઘાતક વાહન છે, જે દુશ્મન માટે ભયાનક દુ:સ્વપ્ન લાવી શકે. મહિના– બે મહિના સુધી અંધારિયા દરિયે લપાતી-છુપાતી, એક જ ઠેકાણે અડિંગો જમાવીને બેઠેલી સબમરીનની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે. જોકે આવી સબમરીન એની આસપાસ કે ઉપરના પાણીમાંથી પસાર થતાં જહાજોના સગડ બરાબર પારખી શકે છે. વિશ્વના વિકસિત દેશો પાસે જે સબમરીનો છે તેમની સરખામણીમાં ભારત પાસેની સબમરીનોની સંખ્યા, તેમનું કદ અને સંહારક શક્તિ વામણાં જ લાગે. જોકે ૨૦૧૨માં ભારતે રશિયા પાસેથી નવી ન્યૂક્લિયર સબમરીન ‘ચક્ર’ મેળવી છે. વળી સ્વદેશી બનાવટની એક ન્યૂક્લિયર સબમરીન ‘અરિહંત’ પણ તૈયાર થઈ ગઈ છે, જે પરંપરાગત સબમરીન કરતાં લાંબો સમય પાણીમાં રહી શકે છે. આમ ભારતના વિશાળ સાગરકિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ-સબમરીનો નૌકાદળના કાફલામાં જોડાઈ છે. દુનિયાના કોઈ પણ સંરક્ષણદળમાં સૌથી છૂપી ખુફિયા કામગીરી સબમરીન બજાવે છે. દુશ્મન જહાજો કે એમના જાસૂસી ઉપગ્રહોની નજરથી બચવા દિવસો સુધી ઊંડા પાણીમાં રહેતી અને દેશની જળસીમાનું ધ્યાન રાખતી આ સબમરીનોમાં ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સબમરીન, પૃ. ૧૬)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ