Categories
વાચન સમૃદ્ધિ

તું યાદ કરજે !

વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એણે હૃદયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે. બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ? શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુંક રાખીને પોતાનો જીવ બચાવવા એને વળગી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠ્યો, ‘અરે, અહીં એક બાળક છે !’ એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડ્યું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું. ‘જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.’ મોબાઇલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.

Categories
વાચન સમૃદ્ધિ

નીતિન બોઝ

જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો.  તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાઉદી અરેબિયા

અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ.

તે આશરે ૧૬° ૦૦´થી ૩૨° ૧૦´ ઉ. અ. તથા ૩૪° ૩૦´થી ૫૬° ૦૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની દક્ષિણમાં યેમેન; અગ્નિમાં ઓમાન; પૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત તથા કતાર; ઉત્તરમાં જૉર્ડન, ઇરાક, કુવૈત તથા પશ્ચિમમાં રાતો સમુદ્ર આવેલા છે. તેના મધ્ય ભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તે આશરે ૨૨,૫૦,૦૭૦ ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી આશરે ૩,૪૫,૬૬,૦૦૦ (૨૦૨૨) જેટલી છે. તે મંત્રીમંડળ સહિતની રાજાશાહી શાસનપદ્ધતિ ધરાવે છે, જે શેખ-શાસનપદ્ધતિ તરીકે પ્રચલિત છે. તેની કાનૂની પદ્ધતિ શરિયતના ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે. આ દેશનું પાટનગર રિયાધ છે જ્યારે જિદ્દાહ વહીવટી કેન્દ્ર છે. આ દેશની ઓમાન સીમાએ ગેડ પર્વતો આવેલા છે. પશ્ચિમે રાતા સમુદ્રકાંઠે તિહમાહનું સાંકડું મેદાન આવેલું છે. પૂર્વ વિભાગમાં પર્શિયન અખાતનાં કિનારાનાં મેદાનો પટ્ટી સ્વરૂપનાં છે. તે જાડા પંકથર ધરાવે છે. રાતા સમુદ્રકાંઠાનાં સાંકડાં મેદાનોની સમાંતરે અને ઉચ્ચ પ્રદેશની પશ્ચિમની કિનારી પર હિજાઝ અને આસિરની તૂટક તૂટક પર્વતશ્રેણીઓ આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર જેબેલ રાઝિખ ૩,૬૫૮ મી.ની ઊંચાઈ ધરાવે છે.

રાજધાની રિયાધનું એક દૃશ્ય

અહીં  પહાડી ક્ષેત્રો અને ઉચ્ચપ્રદેશના કેટલાક ભાગોમાં તથા રણદ્વીપના વિસ્તારોમાં ટૂંકું ઘાસ, વૃક્ષો અને કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ થાય છે. રેતાળ રણપ્રદેશોમાં વનસ્પતિનું પ્રમાણ નહિવત્ છે. હિજાઝ પ્રાન્તમાં બાવળનાં વૃક્ષો, રણદ્વીપોમાં ઘાસ અને ખજૂરનાં વૃક્ષો, જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ઔષધીય વનસ્પતિ ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં શિયાળ, સસલાં, નોળિયા, ઘો, કાચિંડા અને સર્પની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. પહાડી ક્ષેત્રોમાં દીપડા જોવા મળે છે. અહીંનાં પાળેલાં પ્રાણીઓમાં ઊંટ, ખચ્ચર, ઘોડા, ગધેડાં, ઘેટાંબકરાં વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ગીધ, સમડી, ગરુડ, બાજ તથા બીજાં રણનિવાસી પક્ષીઓ જોવા મળે છે. જિદ્દાહ અને દમ્મામ દેશનાં મુખ્ય બંદરો છે. આ સિવાય એન્બો, એલ્વોઝ, રેબીગ, લીથ વગેરે અન્ય નાનાં બંદરો છે. આ દેશ આશરે ૧,૩૯૦ કિમી. લંબાઈનો દમ્મામ અને રિયાધને જોડતો એક જ રેલમાર્ગ ધરાવે છે. તે સાઉદી અરેબિયાની જીવાદોરી સમાન ગણાય છે. અહીં મુસ્લિમ ધર્મનાં પવિત્ર યાત્રાધામો મક્કા તથા મદીના આવેલાં છે. મક્કા મહમદ પયગમ્બરસાહેબનું જન્મ-સ્થળ ગણાય છે. તેમના સમયમાં મદીના પાટનગર હતું. આ ઉપરાંત મદીનામાં તેમની પવિત્ર કબર આવેલી છે. અહીં દર વર્ષે લાખો મુસ્લિમો હજ કરવા આવે છે. તેથી અહીં પ્રવાસન અને હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ દેશની પ્રજા પ્રાચીન સેમેટિક જાતિની છે. કુલ વસ્તીમાં સાઉદી લોકોની વસ્તી ૬૬ % જેટલી છે. તે સિવાય એશિયા અને ઇજિપ્તના લોકો પણ અહીં વસે છે. અહીંના લોકોની મૂળ ભાષા અરબી છે. તે ઉપરાંત અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. મુખ્ય ધર્મ ઇસ્લામ છે. વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત અસમાન છે. અહીં જિદ્દાહ, રિયાધ, મક્કા, મદીના, દમ્મામ, તૈફ, બુરૈદા, અનેજા, હોકુફ વગેરે અગત્યની શહેરી વસાહતો છે. દેશનું સૌથી મોટું નગર રિયાધ છે. તૈફ મુખ્ય પર્યટન-કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉદી અરેબિયા, પૃ. 95)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી