Categories
વાચન સમૃદ્ધિ

લાભદાયી ખરી?

મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક સૉક્રેટિસ પોતાનો ઘણોખરો સમય ઍથેન્સ મહાનગરની શેરીઓમાં કે બજારોમાં વાતચીત કરીને વિતાવતો હતો. આ જ એની વિચારશિબિર કે કાર્યશાળા હતી. એક દિવસ એક યુવાને આવીને પૂછ્યું, ‘અરે સૉક્રેટિસ, મેં તમારા મિત્ર વિશે એક ગંભીર, ગુપ્ત વાત સાંભળી છે. તમે જાણો છો ખરા ? હું તમને કહું ?’ સૉક્રેટિસે એને અટકાવતાં કહ્યું, ‘તારી વાત જરૂર સાંભળીશ, પણ એ વાત કહેતાં પહેલાં તારે મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો તારા ઉત્તરો યોગ્ય હશે, તો જરૂર તારી પાસેથી એ વાત સાંભળીશ.’ યુવાનને આશ્ચર્ય થયું. પોતે એક છાની વાત કહેવા આવ્યો અને વળી આ પ્રશ્નોત્તરી ક્યાંથી આવી ? યુવાને કહ્યું, ‘ભલે. પહેલાં તમે મને તમારા ત્રણ પ્રશ્નો કરો, પછી વાત કહું.’ ‘જો, તેં નજરોનજર એ જોયેલું છે કે પછી કોઈની પાસેથી સાંભળેલું છે. મારે એની સત્યતા જાણવી પડે.’ યુવાને કહ્યું, ‘મેં તમારા મિત્ર વિશેની વાત કોઈની પાસેથી સાંભળેલી છે.’ ‘ખેર, હવે બીજી બાબત એ છે કે એમાં મારા મિત્રની પ્રશંસા છે કે નિંદા છે ?’ યુવાનની જીભ જરા થોથવાવા લાગી. એણે કહ્યું, ‘વાત તો…જરાક… બરાબર નથી.’ સૉક્રેટિસે કહ્યું, ‘અને મારી છેલ્લી કસોટી એ છે કે તમે જે વાત કહેવાના છો, તે મને ઉપયોગી થાય તેવી છે ખરી ? મારે માટે એનો કોઈ અર્થ કે લાભ છે ખરો ?’

યુવાને કહ્યું ‘ના રે ના, આવી વાતમાં લાભ તે શું હોય ?’ સૉક્રેટિસે પતાવ્યું, ‘તમે જે વાત કહેવા આવ્યા છો તે સત્ય નથી, સારી નથી, લાભદાયી નથી, તો પછી એમાં તમારો અને મારો સમય શા માટે બરબાદ કરવો ?’ આટલું બોલી સૉક્રેટિસ ઍથેન્સની શેરીમાં આગળ વધ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

દુલારી

જ. ૧૮ એપ્રિલ, ૧૯૨૮ અ. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૩

હિંદી સિનેમાનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી દુલારીનો જન્મ નાગપુર, મહારાષ્ટ્રમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ અંબિકા ગૌતમ હતું. તેમનું ઉપનામ રાજદુલારી હતું, પરંતુ પાછળથી તેઓ દુલારી નામથી પ્રસિદ્ધિ પામ્યાં. તેમના પિતાને એક સમયે મોટી માંદગી આવી જતાં કુટુંબના ભરણપોષણ માટે દુલારીને નાની વયથી જ કામ કરવું પડ્યું. તેમને સૌપ્રથમ બૉમ્બે ટૉકીઝ દ્વારા નિર્મિત ‘બહન’ (૧૯૪૧) અને ‘હમારી બાત’ (૧૯૪૩) જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી અને તેમની ફિલ્મી કારકિર્દીનો આરંભ થયો. તેમની સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મ ‘જીવનજ્યોતિ’ (૧૯૫૩) હતી. તે ઉપરાંત કેટલીક મહત્ત્વપૂર્ણ ફિલ્મો ‘પતિ સેવા’ અને ‘રંગીન કહાની’ ગણાય છે. અન્ય હિંદી ફિલ્મોમાં ‘આંખ કા તારા’, ‘આખિરી ડાકૂ’, ‘દરિંદા’, ‘આહુતિ’, ‘નાસ્તિક’, ‘દિલ્લગી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘ચૂંદડી અને ચોખા’, ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’ વગેરેમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. ૧૯૬૦ના દશકથી માંડીને ૧૯૭૦ના દશક સુધી તેમણે રૂઢિવાદી માની ભૂમિકા નિભાવી. ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ (૧૯૬૧), ‘મુઝે જીને દો’ (૧૯૬૩), ‘જોની મેરા નામ’, ‘દીવાર’ (૧૯૭૫) વગેરે ફિલ્મોમાં તેમનો અભિનય યાદગાર બની રહ્યો. તેમની આખરી ફિલ્મ ગુડ્ડૂ ધનોઆનિર્દેશિત ‘જિદ્દી’ (૧૯૯૭) હતી. તેમણે ૧૯૫૨માં સાઉન્ડ રેકૉર્ડિસ્ટ જે. બી. સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે વ્યવસાય અને સાંસારિક ફરજો પ્રત્યેનું સંતુલન કુશળતાપૂર્વક જાળવી રાખ્યું. તેમણે કુલ મળીને ૧૩૫ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર બાદ અભિનયક્ષેત્રે નિવૃત્તિ લઈ લીધી. બાકીનું જીવન ફિલ્મોથી દૂર શાંતિપૂર્વક વ્યતીત કર્યું. મહારાષ્ટ્રના પુણેમાં એક વૃદ્ધાશ્રમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

Categories
વાચન સમૃદ્ધિ

સાઇબીરિયા

ઉત્તર એશિયાનો રશિયાના તાબા હેઠળનો ભૂમિવિસ્તાર.

તે આશરે ૪૨° ઉ. અ.થી ૮૦° ઉ. અ. અને આશરે ૬૪ પૂ. રે.થી ૧૭૦° ૫. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર ભાગમાંથી ઉ.ધ્રુવવૃત્ત (૬૬ ૧/૨૦ ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેના પૂર્વ છેડાના ભાગોને ૧૮૦ રેખાંશવૃત્ત સ્પર્શે છે. પશ્ચિમે યુરલ પર્વતમાળાથી પૂર્વે પ્રશાંત મહાસાગરના કાંઠા સુધી સાઇબીરિયાનો પ્રદેશ આશરે ૧૩ કરોડ ચોકિમી. વિસ્તારને આવરે છે. સાઇબીરિયા પૃથ્વીનો લગભગ 10 % ભૂમિવિસ્તાર તથા રશિયાનો આશરે ૭૭% વિસ્તાર આવરી લે છે. ઉત્તરમાં મહાસાગરથી દક્ષિણ તરફ જતાં તે કઝાખસ્તાનની ટેકરીઓ તથા ચીન અને મૉંગોલિયાની સરહદને સ્પર્શે છે. આર્કટિકના ભાગ રૂપે કારા સમુદ્ર, લેપ્ટેવ સમુદ્ર, પૂર્વ સાઇબીરિયાનો સમુદ્ર, ચુકચી વગેરે સમુદ્રો આવેલા છે. તેમાં સેવેરનાયા ઝેમલ્યા, ન્યૂ સાઇબીરિયન, રેન્ગેલ (Wrangel) વગેરે ટાપુઓ આવેલા છે. બેરિંગ તથા ઓખોટ્સ્ક સમુદ્ર પૅસિફિક મહાસાગરના ઉપસમુદ્રો છે. તેના દરિયાકાંઠાના ભાગોમાં કામચત્કા તથા ચુકચી દ્વીપકલ્પો તેમ જ સખાલીન, ક્યુરાઇલ (Kuril) વગેરે દ્વીપો આવેલા છે. સાઈબીરિયાની વસ્તી ૩ કરોડ ૬૮ લાખ જેટલી છે (૨૦૨૩).

નૉવોસીબિસ્ક રેલવે-સ્ટેશન, સાઇબીરિયા

આ પ્રદેશના નામનો શબ્દ ‘સાઇબીરિયા’ પ્રાચીન ટર્કિક (Turkic) શબ્દ છે. ‘સ્લીપિંગ લૅન્ડ’ અથવા ‘બ્યૂટીફુલ’ અર્થવાળા શબ્દ ઉપરથી તે નામ પાડવામાં આવ્યું હોય એવું મનાય છે; જ્યારે અમુક લોકોના મત પ્રમાણે આ નામ ત્યાં વસવાટ કરતી પ્રાચીન વિચરતી જાતિ ‘સાબિર’ (Sabir) પરથી પડ્યું છે. આ સાબિર જાતિ પછીથી ‘સાઇબીરિયન તાર્તાર’ નામે જાણીતી બની હતી. પ્રાકૃતિક દૃષ્ટિએ સાઇબીરિયાને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) પશ્ચિમ સાઇબીરિયાનાં મેદાનો, જેમની રચના ઑબ- યેનિસી નદીઓ તથા તેમની ઉપનદીઓએ કરી છે. આ મેદાનો કાદવકીચડ અને જંગલવાળાં છે. (૨) મધ્ય સાઈબીરિયાનો ઉચ્ચપ્રદેશ ઓબ-યેનિસી નદીઓનાં મેદાનોથી પૂર્વ બાજુએ છેક લીના(Lena) નદીની ખીણ સુધી વિસ્તરેલો છે. તે સમુદ્રસપાટીથી લગભગ ૨૦૦થી ૨,૦૦૦ મી.ની ઊંચાઈ ધરાવે છે. (૩) સાઇબીરિયાની દક્ષિણમાં તથા પૂર્વમાં પર્વતીય હારમાળાઓ આવેલી છે, જેમાં અનેક સક્રિય તથા નિષ્ક્રિય જવાળામુખીઓ છે. છેક દક્ષિણમાં અલ્તાઈ(Altai)ની ગિરિમાળા આવેલી છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર બેલુખા ૪,૫૦૬ મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની પૂર્વ તરફ સાયન ગિરિમાળા આવેલી છે. તેની પડોશમાં દુનિયાનું સૌથી ઊંડું સરોવર બૈકલ, ધનુષાકારે લગભગ ૩૧,૦૮૦ ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. સાઇબીરિયાના ઉત્તરના ટુન્ડ્ર પ્રદેશમાં ધ્રુવીય શિયાળ અને રીંછ, લેમિન્ગ્ઝલ, રૅન્ડિયર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઇબીરિયા, પૃ. ૯0)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી