Categories
વાચન સમૃદ્ધિ

સાતપુડાપર્વતમાળા

ભારતના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ પથરાયેલી પર્વતમાળા.

તે 22 27’ ઉ. અ. અને 76 22´ પૂ. રેખાંશની આજુબાજુ વિસ્તરેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. પૂર્વમાં અમરકંટકથી તેનો આરંભ થાય છે. પશ્ચિમે દક્ષિણ ગુજરાતમાં તે પ્રવેશે છે. તે નર્મદા ખીણની દક્ષિણે અને તાપી ખીણની ઉત્તરે પથરાયેલી છે. તે આ બંને નદીઓ વચ્ચે જળવિભાજક બની રહે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં તેનો પ્રસ્તાર છે. પશ્ચિમે રાજપીપળાની ટેકરીઓ સ્વરૂપે તે પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) સુધી લંબાઈ છે. અહીં અસીરગઢનો પહાડી કિલ્લો આવેલો છે.

સાતપુડા પર્વતમાળા

સાતપુડા પર્વતમાળાની લંબાઈ આશરે 900 કિમી. છે. તેની સરાસરી ઊંચાઈ 750 મી. જેટલી છે. 1200 મી.ની ઊંચાઈવાળાં શિખરો ધરાવતી આ હારમાળામાં મહાદેવ-ટેકરીઓ, મૈકલ ટેકરીઓ તથા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે. આ ટેકરીઓ સાતપુડા હારમાળાની પૂર્વ તરફ વિસ્તરેલી છે. તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય હારમાળાનો કેટલોક ભાગ પણ ક્યારેક તેમાં ગણાય છે. મધ્યપ્રદેશમાં આવેલું પચમઢી એ ‘સાતપુડાની રાણી’ તરીકે જાણીતું બનેલું ગિરિમથક છે.

સાતપુડા ટેકરીઓનો પૂર્વ તેમ જ પશ્ચિમ બાજુનો મોટો ભાગ સ્તરબદ્ધ લાવા પ્રવાહોવાળા બેસાલ્ટ ખડકોથી બનેલો છે. આ લાવાપ્રવાહોથી બનેલા ખડકોનાં આવરણ ઉપરાંત તેનો મધ્ય ભાગ ગ્રૅનાઇટના જેવાં લક્ષણોવાળા ખડકોથી તથા રૂપાંતરિત ખડકોથી બનેલો છે. તેમની ઉપર ગોંડવાના રચનાના રેતીખડકો રહેલા છે. સાતપુડાના કેટલાક ભાગો ગેડીકરણ તેમ જ ઊર્ધ્વગમનના પુરાવા રજૂ કરે છે. આર્થિક દૃષ્ટિએ તો આ હારમાળાનો ભાગ સમૃદ્ધ નથી, પરંતુ તેના અગ્નિભાગમાં મૅંગેનીઝ અને ખનિજકોલસાના જથ્થાનું ખનનકાર્ય થાય છે. ઉચ્ચપ્રદેશીય વિભાગ જંગલોથી છવાયેલો છે. પશ્ચિમ ભાગમાં સાગનાં મૂલ્યવાન વૃક્ષો આવેલાં છે. મહાદેવ-ટેકરીઓમાંથી વહેતી વૈનગંગા અને પેંચ નદીખીણોમાં થોડા પ્રમાણમાં ખેતી થાય છે. ઊંચી ટેકરીઓવાળા ગોંડ ટેકરી વિભાગમાંની આદિવાસી પ્રજા ઝૂમ (સ્થળાંતરિત) ખેતી કરે છે. અહીંની ખીણોમાં થઈને જબલપુર-મુંબઈ સડક અને રેલમાર્ગ જાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-૯-માંથી

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન

જ. 9 એપ્રિલ, 1942 અ. 19 મે, 2007

પ્રખ્યાત વાયોલિનવાદક, સંગીતકાર અને સંગીતદિગ્દર્શક લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન કર્ણાટકી, હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય એમ ત્રણેય સંગીત પ્રણાલિકાઓમાં કામ કરનારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ છે. પિતા વી. લક્ષ્મીનારાયણ અને માતા સીતાલક્ષ્મી બંને કુશળ સંગીતકાર હતાં. તેઓ પ્રખ્યાત વાયોલિનવાદક એલ. શંકર અને એલ. સુબ્રમણ્યમના મોટા ભાઈ હતા. તેમણે પ્રારંભમાં તેમના પિતા પાસે સંગીતનો અભ્યાસ કર્યો હતો.

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથને આઠ વર્ષની ઉંમરે પહેલો વાયોલિનવાદનનો કાર્યક્રમ આપ્યો હતો. તેમણે વિવિધ ભાષાઓની ૧૭૦થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. કમલ હસન અભિનીત મૂક ફિલ્મ ‘પેસુમ પદમ’ તેમના પાર્શ્વસંગીતને કારણે લોકપ્રિય બની હતી. તેમણે જી. કે. વેંકટેશના સહાયક સંગીતનિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘શોભરાજ ફિલ્મ માટે સંગીત આપી મલયાળમ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે આખું જીવન ફિલ્મસંગીતની દુનિયામાં વિતાવ્યું. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનું ઊંડું જ્ઞાન હતું. આથી તેમની રચનાઓ અદ્યતન લાગતી હતી. તેમણે મૅન્ડોલીન, વાયોલિન, વાંસળી અને વિવિધ લોકવાદ્યોનાં મિશ્રણવાળી રચનાઓ કરી. તેમણે સી. અશ્વથ સાથે કામ કર્યું અને અશ્વથ-વૈદી નામથી ઘણી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું. તેમણે આર. કે. નારાયણની ‘માલગુડી ડેઝ’ ધારાવાહિકની શીર્ષક-ધૂન ‘થાના ના નાના’ બનાવી હતી, જે અત્યંત લોકપ્રિય બની હતી. તેમની સંગીતયાત્રાને અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિળનાડુ સરકારે ફિલ્મ અને સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ કલાઈમામણિ ઍવૉર્ડથી તેમને સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે !

મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને વ્યાજની ફિકરમાં રચ્યાપચ્યા રહે છે. જીવનની પ્રવૃત્તિ, જીવનનો આનંદ અને જીવનનું ધ્યેય એ એની મૂડી હોય છે, પરંતુ સમય જતાં એ મૂડીને વીસરીને ધનની લાલસા, કીર્તિની કામના, સત્તાનો ઉધમાત જેવા વ્યાજમાં જીવવા લાગે છે. પછી બને છે એવું કે લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણાના વ્યાજમાં સાર્થક જીવન જીવવાની એની એષણા ભુલાતી જાય છે. કીર્તિની પાછળ દોડતો માણસ એના ઢગલેઢગલા મેળવવા પ્રયાસ કરે છે, તો ધનની પ્રાપ્તિની પાછળ દોડતો માણસ વધુ ધનિક, અતિ ધનિક અને સૌથી વધુ ધનિક થવાની કોશિશ કરે છે. આવા વ્યાજની લાલચમાં જિંદગીની મૂડી ગુમાવનારા તમને ઘણા મળશે.

જીવન છે ત્યાં સુધી ધન, કીર્તિ અને સત્તા છે. જો જીવનની મૂડી નહીં હોય, તો એ કશાયનો કોઈ અર્થ નથી. પણ કોણ જાણે કેમ આ જમાનાને મૂડીમાં રસ નથી. વ્યાજની પાછળ એ ગાંડોતૂર બનીને દોડે છે! જીવનની ઉપેક્ષા કરીને વર્ષો ગાળતો જાય છે. એના માથે વ્યાજની ચિંતા છે, પણ મૂડીનું કોઈ ચિંતન નથી. આ દોડનો અંત સ્મશાનમાં આવે છે. જો પહેલેથી એણે દોડતાં પૂર્વવિરામ એવા સ્મશાનનો વિચાર કર્યો હોત, તો એ પદ, કીર્તિ કે વૈભવની આંધળી દોડમાંથી ઊગરી શક્યો હોત.