Categories
વાચન સમૃદ્ધિ

કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે !

મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતૂહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમપ્રાપ્તિનો નહીં. આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે ? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતૂહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતૂહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી. આવાં કુતૂહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારે વારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતૂહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ધરમપાલ ગુલાટી

જ. ૨૭ માર્ચ, ૧૯૨૩ અ. ૩ ડિસેમ્બર, ૨૦૨૦

‘મસાલાના રાજા’ (spice king) તરીકે પ્રખ્યાત ધરમપાલ ગુલાટીનો જન્મ સિયાલકોટ(આજનું પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતા ચુન્નીલાલ ગુલાટી જે ‘દેગી મીર્ચવાલે’ તરીકે જાણીતા હતા. તેમની મહાશિયાં દી હટ્ટી (Mahashian Di Hatti) નામની મસાલાની દુકાન હતી. ૧૦ વર્ષની વયે ધરમપાલ ભણતર છોડી, નાનીમોટી નોકરી કરી છેવટે પિતાની મસાલાની દુકાનમાં જોડાઈ ગયા, પરંતુ ૧૯૪૭ના ભાગલા વખતે તેમના કુટુંબને પાકિસ્તાન છોડી, ભારત ભાગી આવવું પડ્યું. દિલ્હીમાં રેલવેસ્ટેશન ઉપર ઘોડાગાડી ચલાવી, શેરડીના રસનો સંચો ચલાવ્યો અને બધાથી થાકી ૧૯૫૮માં કરોલ બાગમાં મહાશિયાં દી હટ્ટી નામની નાની મસાલાની દુકાન ખોલી. ચાંદની ચોક વિસ્તારમાં બીજી શાખા ખોલી. ૧૯૫૯માં નવી દિલ્હીના કીર્તિનગર વિસ્તારમાં ઉત્પાદન એકમ શરૂ કર્યું જે સમયે ગૃહિણીઓ ઘરે ખાંડીને મસાલા બનાવતી, તે સમયે તેમણે દળેલા તૈયાર મસાલાઓ બજારમાં મૂક્યા. મહાશિયાં દી હટ્ટી નામ ઉપરથી MDH મસાલા નામ રાખવામાં આવ્યું. તેમના સમયગાળા દરમિયાન એમ.ડી.એચ. મસાલાએ અભૂતપૂર્વક વિકાસ કર્યો. હાલમાં તેમના ૧૮ ઉત્પાદન-એકમો કાર્યરત છે. જ્યાં લગભગ ૬૨થી વધુ જાતના તૈયાર મસાલાઓ તૈયાર કરી દેશવિદેશમાં મોકલવામાં આવે છે. એમડીએચની જાહેરખબરમાં ધરમપાલજી જ તેનો ચહેરો હતા. પરંપરાગત પાઘડી, સફેદ ભરાવદાર મૂછો, મોતીની માળા ધારણ કરેલા ધરમપાલજી બધી જ જાહેરખબરો, મસાલાનાં પૅકેટો ઉપર ચમકતા. ધરમપાલજીની ગણના એક દાનવીર તરીકે પણ કરવામાં આવે છે. તેમના દ્વારા લગભગ ૨૦ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા દિલ્હીમાં ગરીબ લોકો માટે ૨૦૦ પથારીની હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે જ્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે મોબાઇલ હૉસ્પિટલ પણ કરવામાં આવી છે. દાન આપવા માટે પિતાના નામથી મહાશય ચુન્નીલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જોડકાનો વિરોધાભાસ (twin’s paradox)

ઘડિયાળના વિરોધાભાસ (clock paradox) તરીકે ઓળખાતો સિદ્ધાંત. વિશિષ્ટ સાપેક્ષતાવાદ અનુસાર ગતિશીલ પ્રણાલીમાં કાલશનૈ:ગતિ(dilation of time)ની આગાહી કરવામાં આવે છે, તેમાંથી આ રસપ્રદ પરિસ્થિતિ પરિણમે છે. ધારો કે જય અને વિજય નામના બે જોડિયા ભાઈઓ પૈકીનો જય અંતરિક્ષયાનમાં બેસીને પ્રકાશના વેગ(મૂલ્ય c)ના ૯૯% વેગથી અંતરિક્ષયાત્રાએ ઊપડી જાય છે. પૃથ્વીપટ ઉપર સમય જે વેગથી વહે છે, તેના કરતાં, પ્રચંડ વેગથી ગતિ કરતા અંતરિક્ષયાનમાં સમય ઘણો ધીમેથી વહે છે. પૃથ્વી ઉપર રહેલા વિજયના કરતાં ૦.૯૯c વેગથી ઊડતા અંતરિક્ષયાનમાં રહેલા જયની ઉંમરવૃદ્ધિ એક-સપ્તાંશ વેગથી થાય છે. જય અંતરિક્ષયાનની ઘડિયાળ અનુસાર ત્રણ વર્ષની અંતરિક્ષયાત્રા પૂરી કરીને પૃથ્વી ઉપર પાછો ફરે છે, ત્યારે તેની ઉંમરમાં તેણે અંતરિક્ષયાત્રા શરૂ કરી તે દિવસથી ત્રણ વર્ષની વૃદ્ધિ થઈ છે. તે દરમિયાન પૃથ્વી ઉપર રહેતા તેના જોડિયા ભાઈ વિજયની ઉંમરમાં પ્રચલિત કાલગણના અનુસાર ૨૧ વર્ષનો વધારો, એટલે કે જયની હાલની ઉંમર કરતાં વિજયની ઉંમર ૧૮ વર્ષનો વધારો દર્શાવે છે.

બીજી તરફ જય એમ પણ કહી શકે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન એનું અંતરિક્ષયાન સ્થિર રહ્યું અને પૃથ્વીની સાથે વિજય અંતરિક્ષયાનથી વિરુદ્ધ દિશામાં અંતરિક્ષયાત્રાએ ઊપડી ગયો; અને વિજયની ઘડિયાળ મુજબ ત્રણ વર્ષની અંતરિક્ષયાત્રા પછી જયના સ્થિર અંતરિક્ષયાન પાસે પાછો ફર્યો. એટલે વિજયની ઘડિયાળ ધીમી ચાલવી જોઈએ અને તે જયના કરતાં ૧૮ વર્ષ નાનો હોવો જોઈએ. આમ જયની સરખામણીમાં વિજયની ઉંમર ૧૮ વર્ષ વધારે થઈ અને બીજી તરફ ૧૮ વર્ષ ઓછી પણ થઈ ! આ વિરોધાભાસનું નિરાકરણ સહેલું છે; બંને જોડિયા ભાઈઓ છે એટલે એકબીજાની સાથે સરખામણી કરીને નક્કી કરી શકે છે કે કોની ઉંમર ૧૮ વર્ષ વધી છે ? આનો વિશિષ્ટ સાપેક્ષવાદ સાથે મેળ કેવી રીતે પડે ? આ દેખીતા વિરોધાભાસના ઉકેલ માટે એ હકીકતનો આધાર લેવો પડે છે કે જો આ બે જોડિયા ભાઈઓ એકબીજાની સાપેક્ષમાં એકધારી ગતિથી દૂર જતા હોય તો એમની વચ્ચેનું અંતર સતત વધતું રહે અને તેઓ એકબીજાને કદી પણ પાછા મળી શકે નહિ. એ બે પૈકીનો એક ભાઈ પોતાની ગતિ ઉલટાવીને પાછો ફર્યો છે, અને આમ કરવા જતાં પ્રવેગ અનુભવ્યો છે. આ અનુભવ અંતરિક્ષયાનમાં રહેલા જયને થયો છે, જેને અંતરિક્ષયાનના પ્રવેગનો ખ્યાલ આવે છે; તેમજ એ જાણે પણ છે કે વિજય નહિ પણ તે પોતે પહેલાં દૂર ગયો છે અને પછી પાછો ફર્યો છે.

પ્રમોદ અંગ્રેજી

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી