Categories
વાચન સમૃદ્ધિ

અનુતાઈ વાઘ

જ. ૧૭ માર્ચ, ૧૯૧૦ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૨

પૂર્વશાળાશિક્ષણનાં અગ્રણી અને મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ કેળવણીકાર. તેમનો જન્મ પુણેમાં થયો હતો. અનુતાઈનાં લગ્ન ઘણી નાની ઉંમરે શંકર વામન જાતેગાવકર સાથે થયેલાં, પણ દુર્ભાગ્યે છ મહિનામાં જ તેઓ વિધવા થયાં. આથી તેમણે વાઘ અટક જ ચાલુ રાખી. તેઓ વિધવા થયાં ત્યારે તેમની ઉંમર તેર વર્ષની હતી અને તે સમયના રીતિરિવાજો મુજબ તેમને શું કરવું તે મૂંઝવણ હતી, પણ સદભાગ્યે તેમના કુટુંબીજનો દ્વારા તેમને અભ્યાસ કરવા સાથ આપ્યો. ૧૯૨૫ની વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યાં. ત્યારબાદ ૧૯૨૯માં પુણેની ‘વિમેન્સ ટ્રેનિંગ કૉલેજ’માંથી ‘પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ’ કર્યો. ૧૯૨૯થી ૧૯૩૩ સુધી તેમણે નાશિક જિલ્લાના ચાંદવડ તાલુકાની શાળામાં વિદ્યાર્થિનીઓને ભણાવ્યું. ૧૯૫૦માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી; એટલું જ નહીં, ૧૯૬૧માં એકાવન વર્ષે મોતિયાની તકલીફ સાથે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૪૫માં તેઓ તારાબાઈ મોડકને મળ્યાં અને તારાબાઈએ પાલઘરમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવાની યોજના જણાવી. આ એક પ્રયોગાત્મક શાળાની યોજના હતી જેમાં અનુતાઈએ પોતાનો સહકાર આપવાનું વચન આપ્યું જે જિંદગીભર નિભાવ્યું. અહીં ઓછા ખર્ચે શિક્ષણ આપી બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ હતો. તારાબાઈ મોડકના ‘શિક્ષણ પત્રિકા’ માસિક દ્વારા અનુતાઈને પણ બાળ-શિક્ષણમાં ઘણો રસ પડ્યો અને તેઓ તારાબાઈનાં વ્યાવસાયિક સાથીદાર તરીકે જોડાયાં. ૧૯૭૩માં તેઓએ કોસબાડામાં આદિવાસી શિક્ષણસંસ્થાના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૯૮૦માં અનુતાઈએ ‘બહેરાં-મૂંગાં’ બાળકો માટે શાળા શરૂ કરી. ૧૯૮૧માં ‘સ્ત્રી-શક્તિ જાગૃતિ સમિતિ’ તરફથી ‘સાવિત્રી’ માસિકની શરૂઆત કરી. તેમના પ્રદાન માટે તેમને મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨માં ‘આદર્શ શિક્ષિકા’ અને ૧૯૭૫માં ‘દલિત મિત્ર’, ૧૯૮૦માં ‘સાવિત્રી ફુલે, ૧૯૮૪માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ તથા ૧૯૮૫માં જમનાલાલ બજાજ પારિતોષિકો મળેલાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

સર્વોદય અને ભૂદાન

‘સર્વનો ઉદય, સર્વનું કલ્યાણ’ એવા ગાંધીમાર્ગી આચાર-વિચારની પ્રણાલી. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી ‘सर्वेत्र सुखिनः सन्तु ।’ (અહીંયાં સૌ સુખી થાઓ) અને ‘सर्वभूतहिते रताः ।’ (સૌ પ્રાણીઓનું કલ્યાણ થાઓ)ની ભાવના વણાયેલી છે. તે ઉપરાંત ‘वसुधैव कुटुम्बकम्’ – ધરતી પરની સકળ સૃષ્ટિ એક જ પરિવાર છે –એવી ભાવના પણ પ્રચલિત છે. ૧૯૦૮માં જ્યારે રસ્કિનના પુસ્તક ‘Unto This Last’નો ગાંધીજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પ્રગટ થયો ત્યારે તેના મથાળા માટે ગાંધીજીએ ‘સર્વોદય’ શબ્દ પ્રયોજ્યો. ‘સર્વોદય’ એટલે સર્વનો ઉદય, સૌનું કલ્યાણ. સર્વોદયની ભાવના નવી નથી. સર્વોદયની ભાવના આ દેશની સંસ્કૃતિના મૂળમાં જ છે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ એમણે નીચેના સિદ્ધાંતો તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું, શ્રમનું, ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે.

વિનોબા દ્વારા શરૂ કરાયેલ ભૂદાનયજ્ઞ

આ રીતે ‘સર્વોદય’ એક નવી વિચારધારાનો દ્યોતક શબ્દ બન્યો. સર્વનો ઉદય, વધુનો કે માત્ર છેલ્લાનો નહિ. રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું અને જ્યારે એ પરિપક્વ થયું ત્યારે ‘સર્વોદય’ના મંત્ર રૂપે પ્રગટ થયું. સર્વોદયી સમાજરચનાનું સ્વરૂપ કેવું હોય તેની રૂપરેખા સંક્ષેપમાં ‘હિંદ સ્વરાજ’માં મળે છે. ગાંધીજીએ નવા યુગમાં ‘સર્વોદય’નો વધારે ઉચિત અર્થ કરી બતાવ્યો. સમાજ અને શરીર સરખાં છે. હૃદય, મગજ, પાચનતંત્ર, શ્વસનતંત્ર, મૂત્રપિંડ વગેરે બધા જ શરીરના અવયવો અગત્યના છે. કોઈ પણ અવયવમાં ક્ષતિ આવે તો શરીરનું તંત્ર કથળે. તેવી જ રીતે ખેડૂત, શ્રમિક, સેવક, વેપારી, સૈનિક, શિક્ષક, શાસક– એ બધા સમાજના અવયવો છે. તે સર્વનું આરોગ્ય સચવાય તો જ સમાજ નીરોગી બને; તો જ તેનો બધી રીતે ઉદય– સર્વોદય થાય. સમાજના એક વર્ગના ભોગે બીજો વર્ગ તાગડધિન્ના કરી શકે નહિ. ગાંધીજી જીવનભર સર્વોદયની આ ફિલસૂફીને ચરિતાર્થ કરવા માટેનું ચિંતન, મનન  અને આચરણ કરતા રહ્યા. ગાંધીજી બાદ વિનોબા દ્વારા આ દિશાનું કાર્ય આગળ વધ્યું અને તેમાંથી ભૂદાનયજ્ઞનો જન્મ થયો. વિનોબા ભાવે પોતાની આગવી પ્રતિભાથી તેનો વિકાસ કરતા રહ્યા. ૧૯૫૧ની ગાંધીજયંતીને દિવસે વિનોબાએ ૧૯૫૭ સુધીમાં દેશની કુલ ખેડાણની જમીનનો છઠ્ઠો ભાગ, અર્થાત્, પાંચ કરોડ એકર જમીન દાનમાં મેળવવાનો નિર્ધાર કરી પદયાત્રા આરંભી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્વોદય અને ભૂદાન, પૃ. ૪૬)

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે

વિષાદ, ઉદાસી અને નિષ્ફળતા આવતાં આત્મવિશ્વાસ ડગવા માંડે છે. વિષાદને કારણે જગત દુ:ખમય લાગે છે. ઉદાસીનતાને લીધે બધું જ વ્યર્થ ભાસે છે અને નિષ્ફળતા એને નિષ્કર્મણ્યતા તરફ દોરી જાય છે. આવી કટોકટીની ક્ષણે કોઈ સફળ માનવીના જીવનનો વિચાર કરવો જોઈએ. સફળ માનવીઓ વિશે આપણો ખ્યાલ એવો છે કે  એ હંમેશાં સફળ જ રહ્યા છે. એમની પ્રત્યેક સિદ્ધિ એ એમને મળેલી અવિરત સફળતાનું પરિણામ છે. એમનો ભૂતકાળ અને વર્તમાનકાળ બધા જ સફળતાથી ભરપૂર છે, પરંતુ સફળ માનવીનું જીવન જરા ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે એની પ્રત્યેક સફળતા પાછળ કેટલીય નિષ્ફળતા છુપાયેલી છે ! હતાશા, વિષાદ અને સંઘર્ષ સામેની કેટલીય મથામણો બાદ એમણે સફળતા મેળવી છે. સફળતા-પ્રાપ્તિ એ તો એમની એક લાંબી સફરનો અંતિમ પડાવ છે. આને માટે નિષ્ફળતા, ભૂલ, પરાજય અને પછડાટની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આત્મવિશ્વાસની કટોકટીની ક્ષણોમાં સફળ માનવીના જીવનનો સાચો તાગ મેળવીએ તો આત્મવિશ્વાસ ખંડિત નહીં થાય, બલકે આવી નિર્બળ ક્ષણોનો સામનો કઈ રીતે કરવો એનો નવો મંત્ર મળી રહેશે. સફળ માનવીએ સફળતા પૂર્વે અનુભવેલી નિષ્ફળતા જાણવાથી એ સમજાશે કે આવી નિષ્ફળતાથી હતાશ થવાની જરૂર નથી. મહાન ખેલાડીઓ રમવા જતી વખતે કદી નિષ્ફળતાનો ડર સેવતા નથી. એમને ખ્યાલ છે કે સફળતાના માર્ગમાં નિષ્ફળતા તો આવતી જ રહે ! નિષ્ફળતાને સાથે રાખીને એ આગળ વધતો રહે છે અને એ માર્ગે ચાલીને જ સફળતા પામે છે. નિષ્ફળતાના અનેક અલ્પવિરામ પછી સફળતાનું પૂર્ણવિરામ પ્રાપ્ત થાય છે.

કુમારપાળ દેસાઈ