ડબલ્યૂ ડી. વેસ્ટ


જ. ૨૭ જાન્યુઆરી, ૧૯૦૧ અ. ૨૩ જુલાઈ, ૧૯૯૪

ભારતીય ભૂસ્તરશાસ્ત્ર તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનમાં મોટો ફાળો આપનાર વિલિયમ ડિક્સન વેસ્ટનો જન્મ બોર્નમથ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનો મોટા ભાગનો જીવનકાળ ભારતમાં જ વીતેલો. ડૉ. વેસ્ટે તેમનું શિક્ષણ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લીધેલું. ૧૯૨૦માં તેમણે નેચરલ સાયન્સની માનાર્હ પરીક્ષા પસાર કરેલી. ૧૯૨૨માં વિન્ચેસ્ટર પ્રાઇઝ અને હાર્નેસ શિષ્યવૃત્તિ મેળવેલી. ૧૯૨૩માં જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા ત્યારથી ૧૯૪૨ સુધીના બે દાયકા દરમિયાન તેઓ વિવિધ ભૂસ્તરીય અન્વેષણકાર્યમાં પરોવાયેલા રહ્યા. તેમાં નાગપુર જિલ્લાના સોસરપટ્ટાનું અન્વેષણ, સિમલા હિમાલયના શાલી અને તેની આજુબાજુના વિસ્તારનું નકશાકાર્ય તથા બલૂચિસ્તાનમાં ભૂકંપનો અભ્યાસ અને અફઘાનિસ્તાનમાં કોલસાનું આર્થિક અન્વેષણ વિશેષ ઉલ્લેખનીય છે. ડેક્કન ટ્રેપ લાવા પ્રવાહો પરનું તેમનું કામ પણ આ ખંડીય લાવા શ્રેણીના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની રહેલું. ૧૯૪૫માં ડૉ. વેસ્ટ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાના ડિરેક્ટર બન્યા હતા. તેમણે આ ખાતાના ઉત્કર્ષ અને વિકાસ માટે રાષ્ટ્રીય ઉન્નતિના સંદર્ભમાં બે પંચવર્ષીય આયોજનો પણ કરી આપ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધને કારણે ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણની પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી; જેના પુન: સ્થાપનની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. ડૉ. વેસ્ટની દીર્ઘ ષ્ટિએ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાની ભાવિ સફળતાનાં દ્વાર ખોલી આપ્યાં. તેઓ સાગર યુનિવર્સિટીના જિયૉલૉજી ડિપાર્ટમેન્ટનું એક અવિભાજ્ય અંગ હતા. તેમને ભારત અને ભારતીયો માટે અનહદ પ્રેમ અને લાગણી હતાં. એક માનવી તરીકે તેઓ સ્વભાવે ખૂબ જ નમ્ર, માયાળુ અને પદ્ધતિસરની કાર્યશૈલીના આગ્રહી હતા. વિજ્ઞાની સાથીદારો અને વિદ્યાર્થીઓનું કલ્યાણ સધાય એમાં જ એમની રુચિ અને રસ હતાં. તેમણે ઘણા ભૂસ્તરવિદોની સમસ્યાઓ ઉકેલી આપી હતી. ભારતીયોની યોગ્ય અપેક્ષાઓને હંમેશાં પ્રોત્સાહિત કરી હતી. ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાએ ૨૦૦૦ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમની એકસોમી જન્મજયંતી ઊજવીને તેમના પ્રત્યેની માનની લાગણીને મૂક અંજલિ આપી હતી.

અમલા પરીખ

એક જ ડાળી પર ગુલાબ અને


કંટક હોય છે ===================

માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એને અતિ તીવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને, ગુલાબ અને કાંટાને અલગ અલગ જુએ છે. ગુલાબની ઝંખના રાખે છે, કાંટાનો અજંપો અનુભવે છે, પરંતુ સમય જતાં એને સમજાય છે કે જીવનની એક જ ડાળી પર ગુલાબ છે અને એની સાથે જ કાંટા છે. પહેલાં જે સાવ ભિન્ન અને વિપરીત લાગતું હતું, એ હવે એક લાગે છે. એક જ ડાળી પર સુખ અને દુ:ખ વસતાં જોવા મળે છે અને વિચાર કરે છે કે આ ડાળી ઊગી એની સાથોસાથ જ આ કાંટાય ઊગ્યા છે ! અને ગુલાબ પણ ઊગ્યું છે ! જીવનની તરાહ પણ એવી છે કે કાંટા ઊગે છે અને સાથે ગુલાબ પણ ઊગે છે. જીવનમાં દુ:ખ આવે છે અને એની પાછળ સુખ આવતું હોય છે. રાત્રીના અંધકારની પાછળ દિવસનું પ્રભાત આવતું હોય છે. ઘણી વાર તો સુખનો પડછાયો દુઃખ હોય છે. સુખ અને દુ:ખને અલગ જોવાની જરૂર નથી, એને બદલવાની જરૂર નથી. એને એકસાથે જોવાની જરૂર છે. પ્રત્યેક સુખ અને દુ:ખ સંયુક્ત છે, જાણે એક સિક્કાની બે બાજુ. આ દ્વંદ્વગ્રસ્ત જગતમાં નિર્ભેળ સુખ કે સર્વથા દુ:ખ હોતાં નથી, પરંતુ તમારી આજ્ઞાનું પાલન કરે અને જે તમારા પ્રભાવ હેઠળ હોય તે સુખ છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને સર્વથા અનાદર કરે તે દુ:ખ. જે વૃક્ષ મુશળધાર વરસાદને અને બળબળતા તાપને ધૈર્યથી સ્વીકારે છે, એ જ રીતે માનવીએ જીવનમાં સદૈવ સુખદુ:ખનું સ્વાગત કરવું જોઈએ. વિચિત્રતા તો એ છે કે માણસ એના સુખનું સ્મરણ દુ:ખની વેળાએ કરે છે અને દુઃખનું સ્મરણ એના સુખના સમયમાં થાય છે.

કુમારપાળ દેસાઈ

ભોગીલાલ ગાંધી


જ. ૨૬ જાન્યુઆરી, ૧૯૧૧ અ. ૧૦ જૂન, ૨૦૦૧

અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર ભોગીલાલ ગાંધીનું ઉપનામ ‘ઉપવાસી’ હતું. જન્મ મોડાસામાં પણ અમદાવાદ, મુંબઈ અને ભરૂચમાં પ્રારંભિક શિક્ષણ મેળવી ૧૯૩૦માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો અને તે દરમિયાન માર્કસવાદી સાહિત્યથી આકર્ષાઈ ૧૯૪૦માં સામ્યવાદી પક્ષમાં જોડાયા. સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં અઢાર માસનો જેલવાસ થયો. ત્યારબાદ વૈચારિક મૂલ્યાંકન બાદ ૧૯૫૬માં પક્ષમાંથી રાજીનામું આપ્યું પછી જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે જોડાયા. ગુજરાતમાં જનતા મોરચાની રચનામાં તથા કટોકટી સામેના લોકસંઘર્ષમાં તેમણે ૧૯૭૪-૭૭માં અગ્રભૂમિકા ભજવી હતી. ૧૯૫૮ના આરંભમાં અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન કરી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું. તેમણે ‘વિશ્વમાનવ’ સામયિક તથા સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના પ્રથમ સત્તાવીસ ગ્રંથો(૧૯૬૭-૧૯૯૦)નું સંપાદન કર્યું હતું. તેઓ ‘ઉપવાસી’ ઉપનામ હેઠળ લેખનકાર્ય કરતા. એમનાં મૌલિક પુસ્તકોમાં પ્રવાસકથા ‘મહાબળેશ્વર’ (૧૯૩૮); જીવનચરિત્રોમાં ‘પ્રા. કર્વે’, ‘રાજગોપાલાચારી’, ‘મહામાનવ રોમાં રોલાં’ (૧૯૫૮) અને ‘પુરુષાર્થની પ્રતિભા’(૧૯૩૯-૮૦)નો સમાવેશ થાય છે. તેમનો કાવ્યસંગ્રહ ‘સાધના’ (૧૯૪૩) અને વાર્તાસંગ્રહ ‘પરાજિત પ્રેમ’ (૧૯૫૭) અને ‘લતા’ (૧૯૬૭). અમુક અપવાદો બાદ કરતાં તેમણે મુખ્યત્વે સ્વાધ્યાયલક્ષી લેખન કર્યું છે. ‘સોવિયેટ રશિયા’ (૧૯૪૭), ‘સામ્યવાદ’ (૧૯૪૮), ‘રશિયાની કાયાપલટ’ (૧૯૫૯), ‘અદ્યતન સોવિયેત સાહિત્ય’ (૧૯૬૪), ‘મહર્ષિ ટૉલ્સ્ટૉય’ (૧૯૮૩) જેવાં પુસ્તકો સાથે સાથે સમીક્ષા પુસ્તકો ‘ઇન્દિરાજી કયા માર્ગે’ (૧૯૬૯), ‘ચમત્કારોનું મનોવિજ્ઞાન’ (૧૯૮૨) જેવા પરામનોવૈજ્ઞાનિક લેખો તથા ‘ઇસ્લામ – ઉદય અને અસ્ત’ (૧૯૮૪) જેવી લેખમાળાનું સંકલન પણ કર્યું છે. તેમજ બંગાળના ઉત્તમ સાહિત્યકારો શરદબાબુ, રવીન્દ્રનાથ વગેરેનાં લખાણોના અનુવાદ પણ કર્યા છે. દેવદાસનો અનુવાદ પણ તેમણે કરેલો. ૧૯૭૦માં લખેલા ‘મિતાક્ષર’ તેમનો સાંસ્કૃતિક અભ્યાસલેખ તથા ‘પાથેય’ ૧૯૭૨માં લખેલ વિચારમંથનનો લેખ છે. તેમના આવા પ્રદાનની કદર રૂપે ૨૦૧૧માં તેમની યાદમાં ‘ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ’ બહાર પાડવામાં આવ્યો હતો.

રાજશ્રી મહાદેવિયા