Categories
વાચન સમૃદ્ધિ

શિવાલિક ટેકરીઓ

સિંધુ નદીથી બ્રહ્મપુત્ર નદી સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર આવેલી ટેકરીઓ.

આ ટેકરીઓની સર્વપ્રથમ ઓળખ હરદ્વાર પાસે થઈ હોવાથી તેને ‘શિવાલિક રચના’ નામ અપાયેલું છે. આ ટેકરીઓથી બનેલી હારમાળાની પહોળાઈ સ્થાનભેદે ૧૫થી ૩૦ કિમી. અને સરેરાશ ઊંચાઈ ૧૫૦૦ મીટર જેટલી છે. બલૂચિસ્તાનથી મ્યાનમાર સુધીમાં પથરાયેલી આ ટેકરીઓને તેમનાં સ્થાન મુજબ બલૂચિસ્તાનમાં મકરાન, સિંધમાં મંચાર, આસામમાં તિપામ, ડુપીતિલા અને દિહિંગ તથા મ્યાનમારમાં ઇરાવદી-રચના જેવાં નામ અપાયાં છે. આ જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં તે પતકાઈ, નાગા અને મિઝો નામોથી ઓળખાય છે. તેમનો એક ફાંટો જે પશ્ચિમ તરફ લંબાયેલો છે, તે ખાસી, જેંતિયા અને ગારો નામથી જાણીતો છે. ઊંડી ખીણો, ગીચ જંગલો, પુષ્કળ વરસાદ અને હિંસક પ્રાણીઓ તેમ જ માનવભક્ષી આદિવાસીઓને કારણે અહીંનો વિસ્તાર ઓછી વસ્તીવાળો છે.

બંધારણ : શિવાલિક રચનાની ટેકરીઓનું બંધારણ રેતીખડકો, ગોળાશ્મખડકો, શેલ, મૃદ અને કાંપથી બનેલું છે. તે પૈકીના શરૂઆતમાં બનેલા ખડકો દરિયાઈ ખારા પાણીમાં અને પછીથી સ્વચ્છ નદીજળના માહોલમાં તૈયાર થયેલા છે, તેથી મોટા ભાગે તેમની ઉત્પત્તિ નદીજન્ય ગણાય છે. હિમાલયના ઉત્થાનના છેલ્લા તબક્કામાં તે સામેલ થયેલા હોવાથી તે સખત બનેલા છે; એટલું જ નહિ, ગેડીકરણ અને સ્તરભંગની અસરવાળા પણ છે.

આ ખડકરચના આ પ્રમાણેના ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય છે : નિમ્ન શિવાલિક, મધ્ય શિવાલિક અને ઊર્ધ્વ શિવાલિક; તે પ્રમાણે તેમનાં અંદાજી ભૂસ્તરીય વય અનુક્રમે મધ્ય માયોસીન (૩ કરોડ વર્ષથી ૨ કરોડ વર્ષ), નિમ્નથી ઊર્ધ્વ પ્લાયોસીન (૨ કરોડથી ૧ કરોડ વર્ષ) અને નિમ્ન પ્લાયસ્ટોસીન (૨૦ લાખથી ૧૬ લાખ વર્ષ) નક્કી કરાયાં છે. તેમાં મળી આવતા જીવાવશેષો પ્રારંભમાં દરિયાઈ ઉત્પત્તિજન્ય અને પછીના જીવાવશેષો નદીજન્ય પાર્થિવ ઉત્પત્તિવાળા છે. તેમાંથી મળી આવતા જીવાવશેષોનું પ્રમાણ વિપુલ છે;  જે ખાતરી કરાવે છે કે તત્કાલીન આબોહવા, જળપુરવઠો, ખાદ્યસામગ્રી જેવા સંજોગોનું અનુકૂલન હતું. તેથી તે વખતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓનાં હાડપિંજર દટાયેલી સ્થિતિમાં જળવાયેલાં મળી આવેલાં છે. આ રચનામાંથી મળતાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓના જીવાવશેષો આજે જોવા મળતાં ભૂમિસ્થિત પ્રાણીઓના જ પૂર્વજો છે. એ વખતની પ્રાણીસંપત્તિ વિપુલ હતી. અત્યારે તો તેના માત્ર ત્રીજા ભાગની પ્રાણીસંપત્તિ બચી છે. શિવાલિક પ્રદેશમાં વસતાં અને ત્યાંના જ વતની હાથી તેમ જ હાથી-સમકક્ષ લગભગ ૨૯થી ૩૦ જેટલી ઉપજાતિઓનું અસ્તિત્વ હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિવાલિક ટેકરીઓ, પૃ. ૨૯૭) ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

ગિરીશભાઈ પંડ્યા

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

પારકી આંખમાંથી પ્રેમી જોતો

હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કેશવચંદ્ર સેન

જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪

બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી થોડા સમય માટે બૅન્ક ઑવ્ બંગાળમાં ક્લાર્ક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૫૫માં ગુડવિલ ફ્રેટરનિટીના સેક્રેટરી બન્યા અને સાંજની શાળાની સ્થાપના કરી. તેઓ બ્રહ્મસમાજમાં જોડાયા. બ્રહ્મસમાજના મુખપત્ર ‘ઇન્ડિયન મિરર’ માટે લેખો લખ્યા. તેમણે ૧૮૬૩માં ‘ધ બ્રહ્મસમાજ વિન્ડિકેટેડ’ લખ્યું. તેમણે રાજા રામમોહન રાયે સ્થાપેલ બ્રહ્મોસમાજનું નેતૃત્વ કર્યું. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી માર્ગે ચલાવવા ઇચ્છતા હતા જ્યારે દેવેન્દ્રનાથ વેદ-ઉપનિષદના આધારે ચલાવવા ઇચ્છતા હતા. બ્રહ્મસમાજના ભાગલા પડતાં કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ કહેવાયો.

રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્રને મળ્યા ત્યારે કેશવ ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવી ગયા હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવથી બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. કેશવચંદ્રે ૧૮૮૧માં ‘નવવિધાન’ નામની સંસ્થા શરૂ કરી, જે પછીથી ‘ધ અર્થ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે જાણીતી બની.

તેમણે નવજાગૃતિ માટે કાર્ય કર્યું. સમાજમાં કન્યાઓને કેળવણી અને સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. તેમણે કન્યાશાળાઓ શરૂ કરી. બાળલગ્ન અટકાવવા અને વિધવાઓનાં પુનર્લગ્ન માટે કાર્યો કર્યાં. તેમણે કન્યાના લગ્ન માટે ૧૬ વર્ષની ઉંમર હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ‘સુલભ સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને ‘ધી ઇન્ડિયન મિરર’ પાક્ષિકને દૈનિક બનાવ્યું. તેમણે સમાજમાં નવજાગૃતિની સાથે સાથે પત્રકારત્વક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું.

અનિલ રાવલ