Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણાસ્વામી સુંદરજી

જ. 28 એપ્રિલ, 1930 અ. 8 ફેબ્રુઆરી, 1999

ભારતીય સેનાના પૂર્વસેનાધ્યક્ષ કૃષ્ણાસ્વામી સુંદરજીનો જન્મ તમિળનાડુના ચેંગલપેટમાં તમિળ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ કૃષ્ણાસ્વામી સુંદરરાજન હતું, પરંતુ તેઓ ‘સુંદરજી’ના હુલામણા નામે જાણીતા હતા. મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી ડિગ્રી મેળવ્યા પહેલાં જ તેમણે સેનામાં પ્રવેશ લઈ લીધો હતો. ત્યારપછી તેમણે તમિળનાડુના વેલિંગટનમાં રક્ષા સેવા સ્ટાફ કૉલેજમાંથી સ્નાતક ડિગ્રી મેળવી હતી. અમેરિકાની લેવેનવર્થની કમાન્ડ અને જનરલ સ્ટાફ કૉલેજ અને દિલ્હીની રાષ્ટ્રીય રક્ષા કૉલેજમાં પણ અધ્યયન કર્યું. ત્યારપછી અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી રક્ષા અધ્યયનમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મી સાથે જોડાયા. 1946માં તેમને મહાર રેજિમેન્ટમાં કમિશન કરવામાં આવ્યા જેમાં તેમને તનાવપૂર્ણ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ ફ્રંટિયર અને જમ્મુ કાશ્મીરમાં કામ સોંપવામાં આવ્યું. ભારતની સ્વતંત્રતા પછી તેઓ કારગીલક્ષેત્રમાં કાર્યરત હતા. 1963માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં કાંગોમાં કામગીરી કરી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સુંદરજીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમાં તેમણે પુરવાર કર્યું કે યુદ્ધ કરવાની ટૅકનિક નિર્ણાયક સાબિત થાય છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે બાંગ્લાદેશના રંગપુર ક્ષેત્રમાં એક બ્રિગેડિયર જનરલ સ્ટાફના રૂપમાં ભૂમિકા નિભાવી. 1974માં તેઓ મેજર જનરલ બન્યા. ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ફ્રંટ્રી અધિકારીને જનરલ ઑફિસર કમાન્ડિંગ બનાવવામાં આવ્યા હતા. 5 ફેબ્રુઆરી, 1979માં તેમને લેફ્ટનન્ટ જનરલ બનાવવામાં આવ્યા. 1984માં તેમણે ઑપરેશન ‘બ્લૂ સ્ટાર’નું નેતૃત્વ કર્યું. 1986માં તેમને ચીફ ઑવ્ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ચીનનો ઑપરેશન ‘ફાલ્કન’માં પણ દૃઢતાપૂર્વક સામનો કર્યો હતો. 1987માં શ્રીલંકામાં ઑપરેશન ‘પવન’માં પણ તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય પરમાણુનીતિ બનાવનાર સમિતિના પણ સુંદરજી સભ્ય હતા. નિવૃત્તિ બાદ પરમાણુનીતિ પ્રત્યે ઉદાસીન રાજકારણીઓ પર તેમણે ‘બ્લાઇન્ડ મૅન ઑવ્ હિંદુસ્તાન’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મામા વરેરકર

જ. 27 એપ્રિલ, 1883 અ. 23 સપ્ટેમ્બર, 1964

મરાઠી સાહિત્યના અગ્રિમ સાહિત્યકાર અને નાટ્યકાર મામા વરેરકરનો જન્મ મહારાષ્ટ્રના ચિપલૂણમાં થયો હતો. તેમનું મૂળ નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલવણમાં થયું હતું. તેઓ વૈદકનો અભ્યાસ કરવા રત્નાગિરિ ગયા હતા. ત્યાં કન્હોબા કીર્તિકર અને રાજારામ શાસ્ત્રી ભાગવતના સંપર્કથી અંગ્રેજી સાહિત્યની રચનાઓ, ભારતના પ્રાચીન ગ્રંથોનો પરિચય મેળવ્યો. તેમણે 1903થી 1924 સુધી માલવણમાં ટપાલખાતામાં નોકરી કરી. એ પછી સતત સાહિત્યસર્જન કર્યું. તેઓ નોકરીમાં હતા ત્યારે આઠ નાટકો લખ્યાં હતાં અને એમાંનાં પાંચ નાટકો રંગમંચ પર ભજવાયાં હતાં. તેમણે 1908માં પહેલું નાટક ‘કુંજવિહારી’ લખ્યું હતું. તેમનું પ્રખ્યાત નાટક ‘હાચ મૂલાચા બાપ’ 7 સપ્ટેમ્બર, 1918ના રોજ ભજવાયું હતું. વિષયવસ્તુનું વૈવિધ્ય અને છટાદાર સંવાદો એમનાં નાટકોની વિશેષતા હતી. તેમણે 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ, 1 નવલકથા, 12 વાર્તાઓ, 10 નિબંધો તેમજ અંગ્રેજી અને બંગાળી ભાષાઓમાંથી અનુવાદો આપ્યા છે. ‘કરીન તી પૂર્વ’, ‘ભૂમિકન્યા સીતા’, ‘સત્તેચે ગુલામ’, ‘સોન્યાચા કળશ’, ‘સતી સાવિત્રી’, ‘સ્વયંસેવક’ વગેરે નાટકો; ‘વિધવાકુમારી’ નવલકથા અને ‘માઝી નાટકી સંસાર’ના પાંચ ખંડોમાં સંસ્મરણકથા જાણીતાં છે. તેમનાં નાટકો બીજી ઘણી ભાષાઓમાં રૂપાંતરિત થયાં છે. તેઓ 1932માં વડોદરામાં આયોજિત મરાઠી વાઙમય પરિષદ, 1936માં મુંબઈ ઉપનગર સાહિત્ય સંમેલન, 1938માં પુણેમાં આયોજિત નાટ્યસંમેલન અને 1945માં ધુળેમાં યોજાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ હતા. તેઓ 1956થી રાજ્યસભાના સભ્ય હતા.

ભારત સરકારે તેમને 1959માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ ધ્રુવ

પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ધ્રુવ ઍન્ટાર્ક્ટિકા ખંડથી આવૃત છે. દક્ષિણ ધ્રુવ શબ્દ ઍન્ટાર્ક્ટિક વિસ્તારમાંના હિમજથ્થા નીચે રહેલાં એક કરતાં વધુ અદૃશ્ય સપાટીબિંદુઓ માટે વપરાય છે. આ પૈકીનું વધુ જાણીતું બિંદુ તે દક્ષિણ ભૌગોલિક ધ્રુવ છે. અન્ય મહત્વનાં દક્ષિણ ધ્રુવ બિંદુઓ પૈકી તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ, સંતુલનનો દક્ષિણ ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવનો સમાવેશ થાય છે.

દક્ષિણ ધ્રુવપ્રદેશના અફાટ હિમજથ્થા

(1) દક્ષિણ ભૌગોલિક ધ્રુવ (the south geographic pole) : આ દક્ષિણ ધ્રુવીય બિંદુ ઍન્ટાર્ક્ટિકાની મધ્યમાં એવા સ્થાને આવેલું છે જ્યાં ગોળા પરના બધા જ રેખાંશ ભેગા થાય છે. આ બિંદુ હિમજન્ય બરફ જથ્થા પર 2,800 મીટરની ઊંચાઈએ રહેલું છે. નૉર્વેનો આરોહક રોઆલ્ડ ઍમંડસેન ગ્રેટ બ્રિટનના રૉબર્ટ સ્કૉટની રાહબરી હેઠળની ટુકડીના ત્યાં પહોંચવાનાં (17-1-1912) પાંચ અઠવાડિયાં અગાઉ (14-12-1911) પહોંચી ગયેલો. 1956માં યુ.એસ.દ્વારા અહીં ઍમંડસેન-સ્કૉટના સંયુક્ત નામે કાયમી ધોરણે વૈજ્ઞાનિક સ્થાનક તરીકે દક્ષિણ ધ્રુવમથક સ્થાપિત કરેલું છે. (2) તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ (the instantaneous south pole) : આ બિંદુ ગોળામાંથી પસાર થતી ધરી ભૂમિસપાટીને છેદીને બહાર નીકળે છે એ સ્થાનને ગણવામાં આવે છે. પૃથ્વી જેમ જેમ તેની ધરી પર અક્ષભ્રમણ કરે છે તેમ તેમ તેમાં ફરતા રહેતા તેમજ ઘૂમરી ખાતા જતા ભમરડાની જમ વમળગતિ પેદા થાય છે. આ કારણે આ ધ્રુવબિંદુ ઘૂમરી ખાતું રહે છે. આ ધ્રુવ વામાવર્ત બાજુએ અનિયમિત પથમાં ઘૂમવામાં 14 માસનો સમય લે છે. આ ગોળાકાર પથને ચેન્ડલર ચક્ર કહે છે, જેનો વ્યાસ 30 સેમી. કરતાં ઓછા અંતરથી માંડીને લગભગ 21 મીટર સુધી બદલાતો રહે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ ધ્રુવ, પૃ. 188 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ ધ્રુવ/)