Categories
વાચન સમૃદ્ધિ

ડૅઇઝી

દ્વિદળી વર્ગમાં આવેલ એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી કેટલીક જાતિઓ. તેના મુંડક પ્રકારના પુષ્પવિન્યાસના બિંબની મધ્યમાં નલિકાકાર અને સામાન્યત: પીળાં બિંબપુષ્પકો અને તેની ફરતે રંગીન આકર્ષક કિરણપુષ્પકો આવેલાં હોય છે. તેના પ્રકાંડના તલપ્રદેશમાંથી શાખાઓ ફૂટીને વનસ્પતિઓ ઝૂમખાંદાર બને છે. ઑક્સ-આઇ ડૅઇઝી અમેરિકામાં થતું પ્રાકૃતિક ડૅઇઝી છે. તેનું વૈજ્ઞાનિક નામ Chrysanthamum leucanthemum છે. યુરોપમાંથી પ્રવેશ પામેલી આ જાતિ પૂર્વમાં મુશ્કેલરૂપ અપતૃણ બની ગયું છે. તે 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં અને છેદન પામેલાં હોય છે. તેનો અગ્રસ્થ મુંડક 2થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. C. maximum ઑક્સ-આઇ ડૅઇઝી સાથે મળતી આવતી જાતિ છે. પરંતુ તેનો મુંડક 5થી 10 સેમી. વ્યાસ ધરાવે છે.

અમેરિકન ઑક્સ-આઈ ડૅઇઝી              આફ્રિકન ઑરેન્જ ડૅઇઝી

ઇંગ્લિશ ડૅઇઝી, Bellis perennis જૂની દુનિયાની મૂળ નિવાસી છે. તે 15 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય જાતિ છે. તે તલપ્રદેશે પર્ણોનું ગુચ્છ ધરાવે છે. તેનો મુંડક સફેદ કે ગુલાબી રંગનો હોય છે અને 5.0 સેમી. વ્યાસ ધરાવે છે. તે લાંબા દંડ પર આવેલો હોય છે. તેની કેટલીક જાતો ડબલ પુષ્પો ધરાવે છે.; બીજી કેટલીક જાત ગુલાબી કે લાલ હોય છે. ઉદ્યાનમાં તેની ક્યારીઓ રોપવામાં આવે છે. આફ્રિકન ડૅઇઝી, Arctotis stoechadifolia 75 સેમી ઊંચી એકવર્ષાયુ જાતિ છે. તેની પર્ણકિનારી દાંતા ધરાવે છે. તેનાં પુષ્પીય મુંડક વિવિધરંગી હોય છે. Dimorphotheca aurantiaca આફ્રિકન ઑરેન્જ ડૅઇઝી તરીકે જાણીતી જાતિ છે. Aster પ્રજાતિને મિચેલ્માસ ડૅઇઝી કહે છે. તે 40થી 50 સેમી. જેટલી ઊંચી થાય છે. તેને નાનાં સફેદ તારાકાર પુષ્પ સારી સંખ્યામાં આવે છે. તેની ઠંડા પ્રદેશમાં થતી જાત ઊંચી હોય છે અને ઘણા રંગનાં પુષ્પો આવે છે. શાખાઓને છૂટી કરી રોપવાથી વંશવૃદ્ધિ થાય છે. Solidago પ્રજાતિને પીળી ડૅઇઝી કે ગોલ્ડન રૉડ કહે છે. 60થી 70 સેમી. ઊંચી થતી આ જાતિને સીધા લાંબા દંડ પર નાનાં, અસંખ્ય પીળા રંગનાં પુષ્પો આવે છે અને તે પ્રમાણમાં લાંબા સમય સુધી ટકે છે. મિચેલ્માસ ડૅઇઝીની જેમ બ્લૂ ડૅઇઝી થોડાં નીચાં થાય છે. તેમનાં પુષ્પ થોડાં મોટાં થાય છે.

મ. ઝ. શાહ

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ

જ. ૧૪ ઑક્ટોબર, ૧૯૫૦ અ. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧

માત્ર છ માસની લશ્કરી કારકિર્દીમાં શહીદ થનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલનો જન્મ પુણેમાં થયો હતો. પિતા મદનલાલ ભારતીય સેનામાં એન્જિનિયર હતા. સનાવરની લૉરેન્સ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૭માં ખડકવાસલાની નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. તાલીમ પૂર્ણ કરી ૧૩ જૂન, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સ્ક્વૉડ્રનનું કમાન્ડિંગ કરી રહ્યા હતા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સની બ્રાવો ટૅન્ક સ્ક્વોડ્રન તેમજ ૩જી ગ્રેનેડિઅર્સ સૈનિક ટુકડી પર પાકિસ્તાની દળોએ જોરદાર આક્રમણ કરતાં ૧૭મી પૂના હોર્સની આલ્ફા ટૅન્ક સ્ક્વૉડ્રનના ખેતરપાલ જરપાલ તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેમના પર પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું. ખેતરપાલ ટૅન્કમાંથી ગોળા ફેંકતા દુશ્મનો તરફ આગળ વધતા રહ્યા. દુશ્મન પાસે પહોંચી તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા અને પાકિસ્તાની સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને શસ્ત્રસરંજામ કબજે કર્યો. આગળ વધતાં પાકિસ્તાનની ૧૪ ટૅન્કો સાથે યુદ્ધ થયું. તેમણે ૧૦ ટૅન્કોનો નાશ કર્યો. દુશ્મનની ટૅન્કનો એક ગોળો ખેતરપાલની ટૅન્ક પર પડ્યો. ટૅન્કની સપાટી પરથી આગની જ્વાળા નીકળવા માંડી. ખેતરપાલને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ તેમણે બાકીની ચાર ટૅન્કો તરફ આગેકૂચ કરી. તેમણે બે ટૅન્કોનો નાશ કર્યો. પાકિસ્તાની સૈનિકો રણભૂમિ છોડી નાસી ગયા. એ દરમિયાન એક ગોળો ટૅન્ક પર પડ્યો. ટૅન્કમાંના ડ્રાઇવર, ઑપરેટર અને તોપચી જખમી થયા. ખેતરપાલ ગંભીર રીતે ઘવાયા હોવા છતાં ફાયરિંગ કરતા રહીને દુશ્મનની ટૅન્ક તરફ ધસી ગયા. ખેતરપાલની ટૅન્કમાંથી ગોળો છૂટે એ પહેલાં જ દુશ્મનની ટૅન્કનો ગોળો આવ્યો. અસંખ્ય કરચો તેમના પેટમાં ઘૂસી ગઈ. સાથળમાં ઘણા ઘા થયા. પગનું હાડકું ભાંગી ગયું અને તેઓ શહીદ થયા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસાધારણ બહાદુરી માટે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો. પરમવીરચક્ર મેળવનાર તેઓ સૌથી નાની ઉંમરના સૈનિક છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

નારીનું સન્માન

ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટને અતિ મહત્ત્વાકાંક્ષી અને સત્તાલોભી તરીકે વર્ણવવામાં આવ્યો છે; પરંતુ એનાં કાર્યો જોતાં એમ લાગે કે એ કુશળ વહીવટકર્તા, પ્રજામાં શાંતિ સ્થાપનારો અને રાષ્ટ્રને માટે યોગ્ય શાસનવ્યવસ્થા કરનારો હતો. ફ્રાન્સને ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતા વહીવટી એકમોમાં વિભાજિત કર્યું. સૌથી વિશેષ તો ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને ન્યાયાધીશોની સુરક્ષિતતા અને તાટસ્થ્ય જળવાઈ રહે, તે માટે નિયુક્તિની પ્રથા અમલમાં મૂકી. આ ઉપરાંત શિક્ષણ, અર્થતંત્ર અને લશ્કરી તંત્રના ક્ષેત્રે સુધારાઓ કરીને રાજ્યની સંસ્થાને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. એણે વિજય મેળવ્યા હતા તેવા પ્રદેશોમાંથી પણ સામંતશાહીને નાબૂદ કરી હતી. પરાજિત દેશોમાં પણ એણે બંધારણ અને નાગરિક કાનૂનસંહિતા પણ દાખલ કરી હતી અને એ રીતે પરાજિત દેશોના વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો. આવા સમ્રાટ નેપોલિયને ફ્રાંસની પ્રજામાં નવો પ્રાણ ફૂંક્યો અને ફ્રાંસની સ્ત્રીઓને શક્તિ અને સંસ્કારના પ્રતીક તરીકે એણે સન્માન આપ્યું. સમ્રાટ નેપોલિયનના મહેલમાં એક ભવ્ય સ્નાનગૃહ તૈયાર થતું હતું અને આવા સમર્થ વિજેતા સમ્રાટના સ્નાનગૃહમાં દીવાલો પર ચિત્રકારોએ સુંદર ચિત્રકૃતિઓ અંકિત કરી. સ્નાનગૃહનું કાર્ય પૂર્ણ થયા પછી સમ્રાટ નેપોલિયન સ્નાન કરવા માટે ગયો, ત્યારે એની નજર દીવાલો પરનાં ચિત્રો પર પડી. એણે જોયું તો એના પર કામોત્તેજના જગાવે તેવી સુંદરીઓનાં કલામય ચિત્રો આલેખ્યાં હતાં. આવાં ચિત્રો જોતાં જ નેપોલિયન સ્નાનગૃહમાંથી બહાર આવ્યો અને રાષ્ટ્રના અધિકારીઓને બોલાવીને કઠોર ઉપાલંભ આપતાં કહ્યું, ‘સ્ત્રીઓનું સન્માન કરવું ઘટે, એને બદલે અહીં તો ચિત્રકારોએ વિલાસપૂર્ણ કામુક ચિત્ર દોરીને સ્ત્રીઓનું અપમાન કર્યું છે. કોઈ સેનાની કે સમ્રાટ સ્ત્રીઓનું આવું અપમાન સાંખી શકે નહીં, કારણ કે જે દેશ સ્ત્રીઓને વિલાસનું સાધન માને છે, તે દેશનો વિનાશ થાય છે.’

કુમારપાળ દેસાઈ