એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : ૨૪° ૧૯´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજીનું મંદિર, માતાના સ્થાને અખંડ દીપ અને ગબ્બરનો ડુંગર
આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં ‘अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના હૃદયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહવર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ – ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાંતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા. ૨૦૨૫ મુજબ વસ્તી આશરે ૨૫,૭૦૦ છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અંબાજી, પૃ. 88)
