પંકજ મલિક


જ.  10 મે, 1905 અ. 19 ફેબ્રુઆરી, 1978

બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીતના અગ્રદૂત પંકજ મલિકનો જન્મ કૉલકાતામાં થયો હતો. માતા મનમોહિની અને પિતા મનમોહન મલિક. પિતાને બંગાળી લોકસંગીતમાં ઊંડો રસ હતો.  તેમણે પંકજને શ્રી દુર્ગાદાસ બંદોપાધ્યાય પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા મોકલ્યા. સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં ભણ્યા પછી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. તે રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભત્રીજા દિનેન્દ્રનાથ ટાગોરના સંપર્કમાં આવ્યા અને રવીન્દ્ર સંગીત તેમના દિલોદિમાગ પર છવાઈ ગયું. ખૂબ ટૂંકા ગાળામાં તે ટાગોરનાં ગીતોને પોતાની ધૂન વડે પ્રચલિત કરવામાં સફળ રહ્યા. કે. એલ. સાયગલના દશકામાં પંકજ મલિક સફળ સંગીતકાર તરીકે નામના પામ્યા. 1926માં  ‘નેમેચે આજ પ્રોથોમ બાદલ’ તેમના પ્રથમ આલબમના આ ગીતથી તેમનું નામ રવીન્દ્ર સંગીત માટે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. સંગીતકાર આર. સી. બોરાલ સાથે 1927માં તે ભારતીય પ્રસારણ નિગમ ઑલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ તે પહેલાં, કૉલકાતામાં જોડાયા. અહીં તેઓ કલાકાર અને સંગીતકાર તરીકે પચાસ વર્ષ સુધી કાર્યરત રહ્યા. ફિલ્મ સંગીત આપવા સાથે તેમણે 1931માં મા દુર્ગા આધારિત ‘મહિષાસુરમર્દિની’ કાર્યક્રમની સંગીતસભર પ્રસ્તુતિ કરી હતી, જે ખૂબ લોકપ્રિયતા પામી.  આ રેડિયો કાર્યક્રમ હજુ પણ દુર્ગાપૂજા વખતે રેડિયો પર પ્રસારિત થાય છે. લગભગ 38 વર્ષ સુધી તેમણે બંગાળી, હિન્દી, ઉર્દૂ, તમિળ એમ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં લગભગ 5000 ગીતો સંગીતબદ્ધ કર્યાં. કાનન દેવી, પી. સી. બરુઆ જેવા અભિનેતાઓ સાથે ફિલ્મમાં અભિનય કરવાની તક પણ તેમણે સહર્ષ સ્વીકારી લીધી હતી. વર્ષો સુધી ન્યૂ થિયેટર્સ, કૉલકાતાના તેઓ અગ્રણી સંગીતકાર રહ્યા હતા. હિન્દી ફિલ્મજગતમાં પાર્શ્વસંગીતને ઓળખ અપાવનાર અને પાયો નાખનાર શ્રી મલિકને 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિનેજગતમાં અભૂતપૂર્વ યોગદાન બદલ 1972માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત થયો હતો. 2006માં તેમની યાદમાં ભારત સરકારે ટપાલટિકિટ બહાર પાડી હતી. ‘પંકજ મલિક મ્યુઝિક ઍન્ડ આર્ટ ફાઉન્ડેશન’ સંગીતની અલગ અલગ પ્રવૃત્તિઓ માટે આજે પણ કૉલકાતામાં કાર્યરત છે.