અહિલ્યાબાઈ હોલકર


જ. 31 મે, 1725 અ. 13 ઑગસ્ટ, 1795

બાહોશ શાસક, દાનવીર અને પ્રજાવત્સલ રાણી અહિલ્યાબાઈ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના ચૌંડ ગામમાં થયો હતો. પિતા માણકોજી અને માતા સુશીલાબાઈ. પિતાએ લખતાં-વાંચતાં શીખવ્યું. અહિલ્યાબાઈનાં આઠ વર્ષની ઉંમરે ખંડેરાવ સાથે 1733માં લગ્ન થયાં. 1745માં પુત્ર માલેરાવ અને 1748માં પુત્રી મુક્તાનો જન્મ થયો. 1754માં પતિ ખંડેરાવ મરણ પામ્યા. તેઓ સતી થવા માગતાં હતાં, પરંતુ સસરાએ સમજાવી સતી થતાં અટકાવ્યાં. અહિલ્યાબાઈએ પુત્ર માલેરાવને સૂબેદાર બનાવ્યો. 1766માં માલેરાવનું અવસાન થયું. અહિલ્યાબાઈએ 1766માં મહેશ્વરને પાટનગર તરીકે પસંદ કર્યું અને ત્યાં રહેવા લાગ્યાં. તેમના સુશાસનથી રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો થયો. કાયદામાં સુધારા કર્યા, ન્યાયાધીશોની નિમણૂકો કરી. રાજ્યમાં સ્થિરતા સ્થાપી. તેમના દોહિત્ર નથુબાના અવસાન પછી જમાઈ યશવંતરાવ પણ અવસાન પામ્યા. તેમની પાછળ મુક્તાબાઈ સતી થયાં. સાસુ, સસરા, પતિ, પુત્ર, પુત્રી, જમાઈ અને દોહિત્રનાં ચાલ્યાં જવાથી અહિલ્યાબાઈ એકાકી બની ગયાં. તેમણે અલંકારો ત્યજી શ્વેત અને સાદો પોશાક પહેરવાનું શરૂ કર્યું. તેઓ પૂજા-અર્ચના, ધર્મગ્રંથોનું શ્રવણ, દાન-ભોજન કરીને પછી જ જમતાં. તેઓ રાજ્યનો હિસાબ પોતે જ તપાસતાં. તેમણે કાશી વિશ્વનાથ અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગોનું પુનઃ નિર્માણ કરાવ્યું. તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમણે ભારતભરનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં મંદિરો, ઘાટ, કૂવા, વાવ, ચબૂતરા અને રસ્તાનું નિર્માણ કરાવ્યું. તેમણે ધર્મશાળાઓ બંધાવી અને પરબ તથા અન્નક્ષેત્રો શરૂ કર્યાં. તેમણે મહિલાઓની સેનાની રચના પણ કરી હતી. તેમણે મહેશ્વરમાં હાથસાળના ઉદ્યોગનો વિકાસ કર્યો. અહિલ્યાબાઈની સ્મૃતિમાં મહેશ્વરમાં અહલ્યેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યું છે. સોલાપુર અને ઇન્દોરમાં યુનિવર્સિટીઓનાં નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યાં છે. અહમદનગરનું નામ અહિલ્યાનગર કરવામાં આવ્યું છે. તેમના જીવન આધારિત ટીવી ધારાવાહિક પ્રસારિત થઈ છે. ભારત સરકારે 1996માં બે રૂપિયાની અને 2025માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.