આફ્રિકા ખંડના ઈશાન ખૂણામાં આવેલો દેશ.
તે ૨૨°થી ૩૨° ઉ. અ. અને ૨૫°થી ૩૬° પૂ. રે. વચ્ચેનો ૧૦,૦૨,૪૫૦ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો વિકાસ ઇજિપ્તમાં નાઇલ નદીને કિનારે થયો હતો. ઇજિપ્તની ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, ઈશાનમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ગાઝાપટ્ટી આવેલા છે. પૂર્વમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં સુદાન અને પશ્ચિમમાં લિબિયા આવેલા છે. ઇજિપ્ત વિશ્વનો ૧૪મો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પ્રાકૃતિક રચના પ્રમાણે ઇજિપ્તને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (૧) નાઇલની પૂર્વમાં અરબસ્તાનનું રણ, (૨) નાઇલની પશ્ચિમમાં લિબિયાનું રણ અને (૩) નાઇલની ખીણનો ફળદ્રૂપ પ્રદેશ. મોટા ભાગનું ઇજિપ્ત નાઇલ નદીના કિનારે વસેલું છે. તેના કુલ વિસ્તારના આશરે 90% જેટલો ભાગ રણપ્રદેશ છે. નાઇલ નદીમાં દર વર્ષે ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં પ્રચંડ પૂર આવે છે. આ નદીનાં પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તેના માટે નહેરો તૈયાર કરવામાં આવી છે. આસ્વાન બંધ, સુએઝ નહેર, યૂસુફ નહેર અને અહમદી નહેર જાણીતાં છે. ઇજિપ્તના દરિયાકિનારાની લંબાઈ લગભગ ૨,૪૫૦ કિમી. છે.

અહીં ભેંસ, બકરાં, ઘેટાં, ઊંટ, ગધેડાં અને મરઘાં જેવાં પાલતુ પ્રાણીઓ અને થોડા પ્રમાણમાં શિયાળ, લોંકડી, ભુંડ, જરખ, મગર અને હિપોપૉટેમસ મળે છે. ઇજિપ્તમાં મુખ્ય પાક ખજૂરનો છે. તે મબલક થાય છે. ઉત્તમ પ્રકારના રૂ માટે ઇજિપ્ત બીજા ક્રમે આવે છે. અહીં દ્રાક્ષ, નારંગી, ઑલિવ, અંજીર, મોસંબી, લીંબુ, કપાસ, ઘઉં, બાજરી અને શેરડીના પાકો લેવામાં આવે છે. અહીં ખનિજસંપત્તિ નહિવત્ છે. રાજધાની કૅરો આફ્રિકાનું સૌથી મોટું અને ઝડપથી વિકસતું શહેર છે. ઍલેક્ઝાન્ડ્રિયા વેપારનું મોટું મથક છે. આ દેશની વસ્તી ૧૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન મિસરના લોકોએ કલા, શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રે અજોડ પ્રગતિ સાધી હતી. ઇજિપ્તના રાજવીઓ ‘ફારોહ’ કહેવાતા. શંકુઘાટના પિરામિડો નામે ઓળખાતી રાજા-રાણીઓની કબરો ઇજિપ્તની વિશિષ્ટતા છે. ગિઝેહ (ગીઝા) પાસે આવેલ પિરામિડ તથા સ્ફિંક્સની મહાકાય પ્રતિમા જોવા લાખો પ્રવાસીઓ ઇજિપ્તની મુલાકાત લે છે.
અમલા પરીખ
(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇજિપ્ત (મિસર), પૃ. 148)
