જ. 30 જૂન, 1936 અ. 10 જાન્યુઆરી, 2023

ભારતીય કન્નડ લેખિકા અને અનુવાદક સારા અબૂબકરનો જન્મ કેરલમના કાસરગોડમાં પુદિયાપુરી અહમદ અને ઝૈનબી અહમદના ઘરે થયો હતો. તેમને ચાર મોટા ભાઈઓ હતા. સારા મલયાળમભાષી હોવા છતાં કન્નડ ભાષા પર સારો કાબૂ હતો. કન્નડ વિદ્યાલયમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમને તો હજી આગળ ભણવાની ઇચ્છા હતી, પણ તે સમયના સમાજના માપદંડને કારણે તે શક્ય ન હતું. સામુદાયિક બંધનોને લીધે ઉચ્ચશિક્ષણ મહિલાઓ માટે પ્રતિબંધિત હતું. તેઓ ઈ. સ. 1963માં એક પુસ્તકાલયના સભ્ય થઈ શક્યાં હતાં. તેઓએ કન્નડ ભાષામાં ઉચ્ચકોટિના સાહિત્યનું સર્જન કર્યું છે. તે તેમની સર્જનાત્મક શક્તિ, કુશળતા અને કાર્ય કરવાની લગનીને લીધે શક્ય બન્યું. એમના લેખનમાં મુખ્યત્વે નવલકથા અને લઘુકથાઓ સામેલ થાય છે. તેમણે તેમના સમાજની ગરીબ સ્ત્રીઓએ વેઠેલાં દુઃખ અને યાતના સમાજ આગળ રજૂ કરી શકાય તે માટે સાહિત્યનું સર્જન કર્યું. પિતૃપ્રધાન વ્યવસ્થાથી મુસ્લિમ સ્ત્રીઓ પર થતા અન્યાય પર તેઓએ સાહિત્યસર્જન કરી ધ્યાન દોર્યું. તેઓ સાદી ભાષામાં સામાજિક, ધાર્મિક અને કોમી હિંસા જેવા વિષયો પર લખતાં જેથી સમાજમાં થતા અન્યાય પર ધ્યાન દોરી શકાય. તેઓ તેમની નવલકથા ‘ચંદ્રગિરિયા થિરાદલ્લી’થી પ્રખ્યાત થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અને મરાઠીમાં પણ અનુવાદ થયો છે. આ નવલકથાના આધારે ફિલ્મ ‘બ્યારી’ બનાવવામાં આવી હતી. તેમની નવલકથા ‘વજ્રગાલુ’ પરથી ‘સારાવજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. 1914થી તેઓએ તેમના ચંદ્રગિરિ પ્રકાશન કંપની દ્વારા પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમના સાહિત્યસર્જન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, અનુપમા નિરંજના ઍવૉર્ડ, કન્નડ રાજ્યોત્સવ ઍવૉર્ડ, રથનમ્મા હેગડે મહિલા સાહિત્ય ઍવૉર્ડ, દાના ચિંતામણિ અત્તિમબ્બે ઍવૉર્ડ, હમ્પી યુનિવર્સિટી તરફથી નાદોજા ઍવૉર્ડ, માનદ ડૉક્ટરેટ પદવી – મૅંગ્લોર યુનિવર્સિટી તરફથી અને કન્નડ ભાષામાં સાહિત્યસર્જન કરવા માટે નૃપાતુંગ ઍવૉર્ડ વગેરે મળ્યા હતા.
અંજના ભગવતી
