ઉપેન્દ્ર ત્રિવેદી


જ. 14 જુલાઈ 1937 અ. 4 જાન્યુઆરી 2015

ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઇન્દોરમાં. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજજૈન ખાતે નોકરી કરતા હતા. એટલે પ્રાથમિક શિક્ષણ ઉજજૈનમાં થયું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના અવસાન પછી મોટા ભાઈ ભાલચંદ્ર પાસે મુંબઈ ગયા. મુંબઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. તેઓ કૉલેજકાળથી જ નાટકોમાં ભાગ લેતા હતા. તેમણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી નાટક લખી તેમાં દિગ્દર્શન અને અભિનય પણ કર્યો. આ ઉપરાંત ‘બાંધવ માડીજાયા’, ‘મેજર ચન્દ્રકાન્ત’, ‘પારિજાત’, ‘વેવિશાળ’, ‘નૌકાડૂબી’ વગેરે નાટકો કર્યાં. ‘અભિનયસમ્રાટ’ નાટકથી તેમને ‘અભિનયસમ્રાટ’નું બિરુદ મળ્યું. તેમણે ‘કાદુ મકરાણી’ તથા ‘મેંદી રંગ લાગ્યો’માં ભૂમિકાઓ કરી. ત્યાર પછી કેટલાંક ચલચિત્રોમાં કામ કર્યા બાદ ચલચિત્રોથી દૂર થઈ ગયા. તેઓ આકાશવાણી સાથે જોડાયા. ફરી પાછા ચલચિત્રોમાં આવ્યા. તેમણે સોએક ચલચિત્રોમાં લોકકથાઓનાં પાત્રોને પડદા પર જીવંત કર્યાં. ‘જેસલ તોરલ’, ‘માલવપતિ મુંજ’, ‘કાદુ મકરાણી’, ‘રાજા ભરથરી’, ‘વીર માંગડાવાળો,’ ‘રાણકદેવી’, ‘હોથલ પદમણી’, ‘જોગીદાસ ખુમાણ’ ‘શેતલને કાંઠે’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘સંતુ રંગીલી’, ‘સોન કંસારી’, ‘અમર દેવીદાસ’, ‘મચ્છુ તારાં વહેતાં પાણી’ વગેરે તેમનાં લોકપ્રિય ચલચિત્રો છે. તેમણે ‘પવિત્ર પાપી’થી હિંદી ચલચિત્રોમાં પ્રવેશ કર્યો. એ પછી તેમણે ઘણાં ચલચિત્રોમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવી હતી. પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તેમણે ચલચિત્ર બનાવ્યું. એમાં તેમણે કાળુની ભૂમિકા ભજવી. આ ચલચિત્રને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની છેલ્લું ચલચિત્ર ‘માબાપને ભૂલશો નહીં’ હતું. તેમણે 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા જિલ્લાની ભિલોડા બેઠક પરથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષપદે, ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષપદે અને સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો, માહિતી તથા શહેરી ગૃહનિર્માણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદે પણ કાર્ય કર્યું હતું. તેમને પં. ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.