જ. 25 જુલાઈ, 1905 અ. 14 ઑગસ્ટ, 1994

જર્મન ભાષામાં લખતાં સ્પૅનિશ સાહિત્યકાર એલિયાસ કાનેટ્ટીનો જન્મ બલ્ગેરિયાના રુસમાં થયો હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારે બલ્ગેરિયાથી આવીને ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં વસવાટ કર્યો હતો. 1912માં પિતાનું અવસાન થતાં તેમની માતા બાળકોને લઈને વિયેના ગયાં. ત્યાંથી ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં પણ રહ્યા. તેઓ 1924માં વિયેના પાછા ફર્યા. 1929માં વિયેના યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી, પરંતુ તેમને ફિલૉસૉફી અને સાહિત્યમાં રસ હોવાથી તેમણે રસાયણશાસ્ત્રી તરીકે કાર્ય કર્યું નહીં. તેઓ સાહિત્યસર્જન તરફ વળ્યા. 1935માં તેમની નવલકથા ‘ડાય બ્લેન્ડુંગ’ પ્રકાશિત થઈ હતી. આ નવલકથાનો અનુવાદ ‘The Tower of Babel’ નામે યુ.એસ.માંથી પ્રકાશિત થયો. આ નવલકથાથી તેમને સાહિત્યજગતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેમણે ઓછું પણ મૂલ્યવાન સાહિત્યસર્જન કર્યું હતું. 1938માં નાઝીથી બચવા પૅરિસ થઈને લંડન ગયા. 1952માં બ્રિટિશ નાગરિકત્વ મેળવ્યું. તેઓ યુદ્ધ એ સરમુખત્યારશાહીના વિરોધી હતા. તેમણે નવલકથાઓ ઉપરાંત નાટકો, આત્મકથા, પ્રવાસવર્ણનો, નિબંધો અને અભ્યાસગ્રંથો આપ્યાં છે. ફ્રાંઝ કાફકા વિશે તેમણે વિવેચનગ્રંથ લખ્યો હતો. ‘ધ ટંગ સેટ ફ્રી’, ‘રિમેમ્બ્રન્સ ઑવ એ યુરોપિયન ચાઇલ્ડહુડ’ અને ‘ધ ટૉર્ચ ઇન માય ઇયર’ તેમની આત્મકથાના ગ્રંથો છે. આ ઉપરાંત ‘ઑહરેન્ઝુગ’, ‘હોરઝૈટ’, ‘કૉમેડી દર ઐટલ્કેટ’, ‘દાઈ બ્રેફ્રિસ્ટેરન’, ‘ધ હ્યુમન પ્રૉવિન્સ’ વગેરે તેમની જાણીતી રચનાઓ છે. તેમને માન્ચેસ્ટર યુનિવર્સિટી અને એલએમયુ મ્યુનિક તરફથી ડૉક્ટરેટની પદવી આપવામાં આવી હતી. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં, જેમાં ગ્રાન્ડ ઑસ્ટિયન સ્ટેટ પ્રાઇઝ, બાવેરિયન એકૅડેમી ઑફ ધ ફાઇન આર્ટસનો સાહિત્ય પુરસ્કાર, જ્યૉર્જ બુચનર પ્રાઇઝ, જર્મન રેકૉર્ડિંગ, નેલી સૅશ પ્રાઇઝ, ફ્રાન્ઝ કાફકા પ્રાઇઝનો સમાવેશ થાય છે. તેમને 1981માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એન્ટાર્ક્ટિકા લિવિંગ્સ્ટન ટાપુ પર આવેલા કેનેટ્ટી પીકનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
અંજના ભગવતી
