ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક દૃષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25´ ઉ. અ અને 72° 51´ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી તે રક્ષિત છે. વાપી નજીકનું રેલવેસ્ટેશન છે. દમણના પ્રદેશની એક બાજુ ભૂમિભાગ છે તો બાકીની ત્રણ બાજુએ અરબી સમુદ્ર આવેલો છે. તેની પૂર્વ બાજુએ વલસાડ જિલ્લાનો પારડી તાલુકો, ઉત્તરમાં ભગવાન અને કોલક નદીઓ, દક્ષિણે કાલી નદી અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. દમણનો કુલ વિસ્તાર 72 ચોકિમી. છે અને વસ્તી આશરે 2,43,000 (2026, આશરે) છે, જ્યારે શહેરની વસ્તી 62,000 (2026, આશરે) છે. નાની અને મોટી દમણ એવા તેના બે ભાગ છે.

દમણમાં આવેલો જેમ્પોર બીચ
દમણનો સમગ્ર પ્રદેશ સપાટ છે. તે સમુદ્રકિનારે આવેલું હોવાથી તેની આબોહવા ભેજવાળી અને ખુશનુમા છે. શિયાળો અને ચોમાસું હળવાં હોય છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 1,600 મિમી. પડે છે. કિનારાના પ્રદેશમાં નારિયેળી અને આંબા, કેળ, ચીકુડી, ફણસ વગેરે ફળોનાં વૃક્ષો છે. અંતરિયાળ ભાગમાં ડાંગર, શેરડી, ઘઉં, કઠોળ, નાગલી, સપોતા વગેરે પાક થાય છે. રસ્તાને કિનારે, તળાવને કાંઠે તથા ખેતરના શેઢે સાગ, બાવળ, સાદડ વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. જંગલનું પ્રમાણ નહિવત્ છે. દમણગંગા ઉપર 1971–72થી શરૂ કરાયેલ અને 1984માં પૂર્ણ થયેલ બંધ દ્વારા દમણ વિસ્તારનાં 26 ગામોને સિંચાઈનો લાભ મળે છે અને તેથી ત્રણ વખત પાક લઈ શકાય છે. આશરે 80% લોકો ખેતીમાં રોકાયેલા છે. દીવ અને દમણમાં લઘુઉદ્યોગોના કુલ 531 ઘટકો છે, જેમાંથી મોટા ભાગના ઉદ્યોગો દમણમાં આવેલા છે. દમણમાં તલવાડા ખાતે વિદ્યુતમથક છે અને તેનાં બધાં ગામોનું વીજળીકરણ થયું છે. કાપડ, પ્લાસ્ટિક, લઘુ ઇજનેરી, દવા, રસાયણ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. દમણમાં કુલ 183 કિમી.ના રસ્તા છે. કિલ્લા નજીક નદીના મધ્યભાગમાં 4 મી. પાણી રહે છે અને 500 ટનનાં જહાજો મોટી ભરતી વખતે અહીં આવી શકે છે.
શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દમણ, પૃ. 209 અથવા જુઓ https://gujarativishwakosh.org/દમણ/)
