જ. 5 મે, 1905 અ. 1 ફેબ્રુઆરી, 1982

ઓલ ચીકી લિપિને વિકસિત કરનાર લેખક રઘુનાથ મુર્મૂનો જન્મ ઓડિશાના ડાંડબુસ ગામમાં થયો હતો. પિતા નંદલાલ અને માતા સલમા. તેમનું બાળપણનું નામ ચુનુ મુર્મૂ હતું. તેમણે શાળેય શિક્ષણ ગાંબરિયા યુ. પી. સ્કૂલ અને બહલદા પ્રાથમિક શાળામાં મેળવ્યું. 1928માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે બારીપાડા પાવરહાઉસમાં નોકરી શરૂ કરી. પછી ઔદ્યોગિક તાલીમ માટે સેરામપોર મોકલવામાં આવ્યા. તેઓ બારીપાડા ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે જોડાયા. 1933માં બદામતલિયા પ્રાથમિક શાળામાં જોડાયા. શિક્ષણકાર્ય દરમિયાન તેમને સંથાલી સાહિત્યમાં રસ જાગ્યો. સંથાલી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક અલગ લિપિની આવશ્યકતા જણાઈ. તેમણે એ માટે ઓલ ચીકી લિપિ વિકસાવી. ઓલ ચીકી લિપિમાં ‘હોર સેરેંજ’ તેમનું પહેલું પુસ્તક હતું જે 1936માં પ્રકાશિત થયું હતું. 1942માં પહેલું નાટક ‘બિદુ ચંદન’ પ્રકાશિત થયું. તેમણે ઓલ ચીકી માટે ‘પારસી પોહા’, ‘પારસી ઈતુન’, ‘રણારહ’, ‘અલખા’ વગેરે પુસ્તકો લખ્યાં. ‘દાડે ગે ધોન’, ‘સિદ્ધુ-કાન્હૂ’, ‘ખેરવાડ બીર’ તેમનાં જાણીતા પુસ્તકો છે. તેમણે વ્યાકરણ, કવિતા, નાટક, નવલકથાનાં 150થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમના માર્ગદર્શનમાં સંતાલી સાહિત્યનો વ્યાપ વધારવા માટે ‘સાગેન સકમ’ સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. તેમણે બાબા તિલક માઝી પુસ્તકાલય શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1953માં આદિવાસી સાંસ્કૃતિક સંગઠન નામની સંસ્થા શરૂ કરી. આજે એનું નામ આદિવાસી સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંગઠન છે. તેમના વિશિષ્ટ યોગદાન બદલ રાંચી યુનિવર્સિટી અને ઘુમકુરિયા સંસ્થાએ તેમને ડી.લિટ.ની પદવી આપી હતી. મયૂરભંજ આદિવાસી મહાસભાએ ‘ગુરુ ગોમકે’ની પદવી આપી હતી. ઊડિયા સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારે કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
