ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48´ દ. અ. અને 39° 17´ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે. આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર : 1393 ચોકિમી. તેની વસ્તી આશરે 85 લાખ (2025) છે. આ શહેર વિષુવવૃત્તની દક્ષિણે આવેલું છે. ત્યાં હવા ગરમ અને ભેજવાળી હોય છે. આખા વરસ દરમિયાન સરેરાશ તાપમાન 26° સે. રહે છે. વરસ દરમિયાન સરેરાશ 1067 મિમી. વરસાદ પડે છે. અહીં ડાંગર, મકાઈ, શેરડી, રૂ, સીસલ, કૉફી, નારિયેળ, તમાકુ, કાજુ અને લવિંગ ખેતીના પાકો છે. સોનું, હીરા, મીઠું અને ફૉસ્ફેટ એ ત્યાંનાં મુખ્ય ખનિજો છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી આ નગરનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. કાપડ, સાબુ, રંગ, સિમેન્ટ, રસાયણ, દવા, કાચ, સિગારેટ, મોટર વગેરે ઉદ્યોગો ઉપરાંત દારૂ, ધાતુની વસ્તુઓ અને ખોરાકી ચીજો બનાવવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે. 1956 પૂર્વે આ બંદરે આરબ વહાણો અને બજરા (barge) અને લાઇટરો દ્વારા માલની ચડઊતર થતી હતી. 1956માં ઊંડા પાણીમાં પ્રિન્સેસ માર્ગારેટ ધક્કો બંધાતાં કિનારા સુધી સ્ટીમરો આવે છે. આ બંદર દ્વારા રૂ, સીસલ, કૉફી, ચામડાં, હીરા, સોનું, મીઠું અને કાજુની નિકાસ થાય છે; જ્યારે યંત્રો, દવા, પેટ્રોલિયમ, કાપડ વગેરેની આયાત થાય છે. 1907માં દારેસલામને ટાંગાનિકા સરોવર ઉપરના કિગોમાને જોડતી 1,255 કિમી. લાંબી રેલવેલાઇન નંખાઈ. તેની એક શાખા ટબોરાથી ઉત્તરે લેક વિક્ટોરિયા ઉપરના મ્વાંઝા સુધી અને બીજી શાખા કીલોસાથી કિલોમ્બેરો ખીણ અને રૂવુથી ટાંગા લાઇન ઉપરના મન્યુસી સુધી જાય છે. અહીં હવાઈ મથક પણ છે. 1945 પછીથી ત્યાં સરકારી અને વેપારીગૃહોનાં આલીશાન મકાનો બંધાયાં છે.
શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દારેસલામ, પૃ. 311 અથવા જુઓ https://gujarativishwakosh.org/દારેસલામ/)
