જ. 30 મે, 1908 અ. 2 એપ્રિલ, 1995

સ્વીડનના પ્રસિદ્ધ ખગોળ-ભૌતિક વિજ્ઞાની અને પ્લાઝમા વિજ્ઞાની હાનેસ આલ્વેનનો જન્મ સ્વીડનના નોરકૂપિંગમાં થયો હતો. તેમણે અપ્સલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1934માં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1940માં તેઓ સ્ટોકહોમના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અને વિદ્યુતમાન જેવા વિષયના પ્રોફેસર બન્યા. 1945માં તેમને ઇલેક્ટ્રૉનિક્સ વિભાગના અધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું. 1963માં તેમને પ્લાઝમા ભૌતિકી-વિજ્ઞાનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1967થી કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તેમજ ઑસ્લોની રૉયલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યુત-અભિયાંત્રિકી વિભાગમાં શિક્ષણકાર્ય કર્યું હતું. 1967માં તેમણે થોડો સમય સોવિયત સંઘમાં વિતાવ્યો. ત્યારબાદ અમેરિકામાં જઈ ત્યાં કાર્ય કર્યું. તેમણે પ્લાઝમા ભૌતિકીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમણે અરોરા વિજ્ઞાન, વેન ઍલન વિકિરણ બેલ્ટ, મૅગ્નેટોહાઇડ્રોડાયનેમિક્સ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર ચુંબકીય તોફાનોનો પ્રભાવ, સ્થલીય ચુંબક મંડળ અને મિલ્કીવે વગેરેમાં પાયાનું કામ કર્યું હતું. ચુંબકીય ઝંઝાવાત અને ધ્રુવીય જ્યોતિ (aurora) અંગેના તેમના સંશોધને પૃથ્વીના ચુંબકમંડળ (megneto Sphere) અંગેના આધુનિક સિદ્ધાંત પર ઊંડો પ્રભાવ પાડ્યો. ન્યૂક્લિયર સંલયન(fusion) પ્રક્રિયાને અંકુશમાં રાખવા માટે આલ્વેનનું સંશોધન પથદર્શક (pioneering) હતું. અંતરીક્ષ ભૌતિકશાસ્ત્રનું પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પ્રક્રિયા અંગેનું ‘ફ્રોઝન-ઇન-ફલક્સ’ પ્રમેય તેમનું અગત્યનું પ્રદાન છે. આનો ઉપયોગ તેમણે કૉસ્મિક કિરણોની ઉત્પત્તિ સમજાવવા માટે કર્યો હતો. 1942માં તેમણે કરેલી વિદ્યુતચુંબકીય તરંગોની શોધને ‘આલ્વેન તરંગો’ કહેવામાં આવે છે. તેમને તેમના જીવનકાળ દરમિયાન અનેક સુવર્ણપદકો તથા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ 1970માં તેમને ફ્રાન્સના લુઇ નીલ સાથે સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
શુભ્રા દેસાઈ
