બાલાઈચાંદ મુખોપાધ્યાય ‘બનફૂલ’


જ. 19 જુલાઈ, 1899 અ. 9 ફેબ્રુઆરી, 1979

બંગાળના સુપ્રસિદ્ધ લેખક, ડૉક્ટર અને ‘બનફૂલ’ના ઉપનામથી જાણીતા બાલાઈચંદનો જન્મ બિહારના કટિહાર જિલ્લાના મનિહારી ગામમાં થયો હતો. માતા મૃણાલિની દેવી અને પિતા સત્યચરણ. પ્રારંભિક શિક્ષણ મનિહારીમાં લીધું. 1918માં સાહેબગંજની રેલવે હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થયા. શાળામાં તેમણે ‘વિકાસ’ નામની હસ્તલિખિત પત્રિકા શરૂ કરી હતી. હજારીબાગની કૉલેજમાંથી આઈ.એસ.સી. પાસ કરી. પછી મેડિકલનો અભ્યાસ કર્યો. થોડો સમય ખાનગી નોકરી કરીને તેઓ આજિમગંજની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર બન્યા. એ નોકરી છોડી તેઓ ભાગલપુર આવ્યા અને ત્યાં પૅથૉલૉજી લૅબોરેટરી શરૂ કરી. ત્યાં 40 વર્ષ રહી 1968માં કૉલકાતામાં આવીને વસ્યા. તેમણે 65 વર્ષ સુધી લેખનકાર્ય કર્યું. તેમણે 586 વાર્તાઓ, 60 નવલકથાઓ, 15 નાટકો, હજારો કવિતાઓ-લેખોથી બંગાળી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બંગાળી સાહિત્યમાં લઘુકથા સ્વરૂપને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. તેમની કૃતિઓ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ પામી છે. ‘નિરંજના’, ‘ભુવન સોમ’, ‘મહારાણી’, ‘અગ્નિશ્વર’, ‘કૃષ્ણપક્ષ’ નવલકથાઓ; ‘પ્રતિબાદ’, ‘બહુલો’, ‘બોનોફુલર ગોલ્પો’, ‘બોનોફુલર આરો’ નવલિકાસંગ્રહો; ‘અંગારપર્ણી’, ‘ચતુર્દશી’, ‘કરકમલેષુ’, ‘સુરસપ્તક’ કાવ્યસંગ્રહો; ‘શિક્ષાર ભિત્તિ’, ‘ઉત્તર’, ‘મનન’ નિબંધસંગ્રહો; ‘વિદ્યાસાગર’, ‘મંત્રમુગ્ધ’, ‘રૂપાન્તર’ નાટકો અને ‘છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ’, ‘છોટોદેર ભાલો ભાલો ગલ્પ’ બાળસાહિત્ય તેમની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. વિદ્યાર્થીજીવનના વૈદકીય અનુભવો ‘તૃણખંડ’માં આલેખ્યા છે. તેમની નવલકથાઓ પરથી હિન્દી અને બંગાળીમાં ફિલ્મો બનાવવામાં આવી છે. ‘અગ્નિશ્વર’, ‘ભુવન સોમ’, ‘એકટિ રાત’, ‘આરોહી’, ‘અર્જુન પંડિત’, ‘તિલોત્તમા’ વગેરે ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. ‘અર્જુન પંડિત’ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ લેખકનો પુરસ્કાર, ‘આરોહી’ની શ્રેષ્ઠ વાર્તા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમને 1951માં શરત સ્મૃતિ પુરસ્કાર, 1962માં રવીન્દ્ર પુરસ્કાર, 1975માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નવલકથાના નામ પરથી સહરસાથી કૉલકાતા જતી એક ટ્રેનનું નામ ‘હાટે-બાજારે એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. તેમની 100મી જયંતી પર ભારત સરકારે ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.