જ. 8 ઑગસ્ટ, 1915 અ. 11 જુલાઈ, 2003

હિન્દી સાહિત્યના લેખક અને અભિનેતા ભીષ્મ સાહનીનો જન્મ રાવલપિંડીમાં થયો હતો. 1937માં લાહોરની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી ભાષામાં અનુસ્નાતક થયા હતા. ભારતના ભાગલા પછી તેઓ ભારતમાં આવ્યા. 1958માં ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1947માં રાવલપિંડીનાં રમખાણો સમયે તેમણે હિંદી રાષ્ટ્રીય મહાસભાના સક્રિય સભ્ય તરીકે શરણાર્થીઓના રાહતકાર્યમાં મદદ કરી હતી. તેમના ભાઈ બલરાજ સાહની Indian peoples theatre association(ipta)માં કાર્યરત હતા એટલે તેઓ પણ એ સંસ્થામાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે જોડાયા. અહીં તેમણે ‘ભૂત ગરી’ નાટકનું દિગ્દર્શન કર્યું હતું. 1952માં દિલ્હી યુનિવર્સિટીની ઝાકિરહુસેન દિલ્હી કૉલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ હતી, જ્યાં તેમણે લગભગ પાંચ વર્ષ કામ કર્યું. 1956થી 1963 સુધી તેઓ મૉસ્કો ખાતે વિદેશી ભાષાના પ્રકાશનગૃહમાં અનુવાદક તરીકે કાર્યરત રહ્યા. તેમણે ચોવીસ જેટલાં રશિયન પુસ્તકોનો હિન્દીમાં અનુવાદ કર્યો હતો. ભારત પાછા ફર્યા બાદ ફરી દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયા. 1965થી 1967 સુધી તેમણે જાણીતા સામયિક ‘નઈ કહાનિયાં’માં સંપાદકની કામગીરી બજાવી હતી. સાહની પંજાબી, અંગ્રેજી, ઉર્દૂ, સંસ્કૃત, હિન્દી ભાષાના જાણકાર હતા. અતિ લોકપ્રિય ટીવી શ્રેણી ‘તમસ’થી તેઓ પ્રકાશમાં આવ્યા હતા. પોતાની જાતને પોતાની માટી સાથે ઓળખાવનાર આ લેખકે મધ્યમ વર્ગના રોજબરોજના સંઘર્ષને આવરી લેતી 100 જેટલી લઘુકથાઓ લખી હતી. તેમની જાણીતી હિન્દી નવલકથાઓમાં ‘ઝરોખે’ (1967), ‘બસંતી’ (1953), ‘કુંતો’ (1993) અને હિન્દી નાટકોમાં ‘હનુશ’ (1977), ‘કબીરા ખડા બજાર મેં’ (1981) વગેરેનો સમાવેશ થાય છે. એક અભિનેતા તરીકે ‘તમસ’ (1984), ‘કસબા’ (1991), ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ઐયર’ (2002) વગેરે જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતા આ કલાકારને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ (1998) તેમજ ‘તમસ’ માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર(2001)નો સમાવેશ થાય છે. 31 મે, 2017ના રોજ તેમના માનમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.
બીજલ બુટાલા
