જ. 22 જુલાઈ, 1868 અ. 14 ઑક્ટોબર, 1946

વડોદરા અને બિકાનેર રાજ્યના દીવાન અને પ્રાધ્યાપક મનુભાઈ મહેતાનો જન્મ સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા નંદશંકર અને માતા નંદા ગૌરી. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક નંદશંકર મહેતાના તેઓ પુત્ર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં થયું હતું. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી એમ.એ. અને એલએલ.બી. થયા. તેમણે 1891થી 1899 સુધી તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. 1899થી 1906 સુધી બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના ખાનગી સચિવ, 1914થી 1916 સુધી મહેસૂલમંત્રી અને 1916થી 1927 સુધી રાજ્યના મુખ્ય દીવાન તરીકે કાર્ય કર્યું હતું. તેઓ વડોદરાના ઘડતરના મુખ્ય શિલ્પીઓમાંના એક હતા. 1927માં બિકાનેર રાજ્યના સલાહકાર મંડળમાં રહ્યા ત્યાર બાદ તેઓ ગ્વાલિયર રાજ્યના ગૃહમંત્રી અને રાજકીય મંત્રી બન્યા. તેમણે બિકાનેર રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિવય 55થી વધારીને 58 વર્ષ કરી. તેઓ લંડનમાં યોજાયેલી ત્રણ ગોળમેજી પરિષદમાં ભારતીય રજવાડાંઓના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં બંધારણીય સુધારાના અમલ માટેની સંસદીય સમિતિના સભ્ય હતા. તેમણે ચેમ્બર ઑફ પ્રિન્સેસ દ્વારા સમગ્ર રજવાડાંઓમાં બંધારણીય અને લોકશાહી સુધારાઓ માટે પ્રયત્ન કર્યો હતો જે ‘મહેતા વ્યૂહરચના’ તરીકે જાણીતી બની. 1940 સુધીમાં લગભગ બધા મોટાં રજવાડાંઓએ કેટલાક સુધારાઓ અપનાવ્યા હતા. તેમણે ‘હિંદ, રાજસ્થાન એન્ડ ઍનૅલ્સ ઑવ ધ નેટિવ સ્ટેટ્સ’ અને ‘પુરાવાના કાયદાના સિદ્ધાંતો’ એમ બે પુસ્તકો લખ્યાં છે. તેમની વહીવટી કુશળતા બદલ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ તેમને ‘ઉદયાદિત્ય’, બ્રિટિશ સરકારે તેમને ‘સર’ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
