રૉય ઓ ડિઝની


જ. 24 જૂન, 1893 અ. 20 ડિસેમ્બર, 1971

મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ભાઈઓ રૉય અને વૉલ્ટ પૈકીના એક રૉય ડિઝનીનો જન્મ શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ કેન્સાસ (મિઝોરી) આવ્યા. તેમના પિતા એલિયાસે વર્તમાનપત્રોની વહેંચણીનું કામ માથે લીધું હતું. જેમાં રૉય અને વૉલ્ટ પિતાને મદદ કરતા. થોડા મોટા થયા ત્યારબાદ તેઓએ બૅંકમાં નોકરી કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કાર્ગો જહાજ પર નૌકાદળમાં કાર્ય કર્યું પરંતુ ક્ષયરોગ થયા પછી તેમને રજા આપવામાં આવી. પછી વૉલ્ટ સાથે હોલિવુડમાં જોડાયા. બે ભાઈઓએ સંપ અને ખંતથી કામ કરી વિશ્વમાં પોતાનું નામ બનાવી દીધું. મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ચલચિત્રનિર્માતા તરીકે વૉલ્ટ ડિઝનીએ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ સ્થાપી દીધી. મોટા ભાઈ રૉય ડિઝનીએ કંપનીની બધી ધંધાકીય અને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી જેથી નાનો ભાઈ વૉલ્ટ પોતાનો બધો સમય તેની ફેન્ટસીને કચકડાના રીલમાં ઉતારી વિશ્વ સમક્ષ મૂકી શકે. બંને ભાઈઓએ સાથે મળીને ઑક્ટોબર, 1923માં વૉલ્ટ ડિઝની કંપનીની સ્થાપના કરી અને સાથે મળીને મનોરંજનનું સામ્રાજ્ય સ્થાપ્યું. બંને ભાઈઓની આ કંપનીમાં સરખી ભાગીદારી હતી જેમાં સર્જનની જવાબદારી વૉલ્ટની હતી અને નાણાકીય અને બિઝનેસની જવાબદારી રૉયની હતી. 1929માં રૉય ડિઝની કંપનીના પ્રથમ સીઈઓ બન્યા. 1945માં બંને ભાઈઓ બોર્ડના ચૅરમૅન બન્યા. 1960માં વૉલ્ટે કંપનીના ચૅરમૅન તરીકે રાજીનામું આપ્યું જેથી તેઓ સર્જનમાં વધારે ધ્યાન આપી શકે. રૉય ડિઝની હંમેશાં પ્રસિદ્ધિ અને કીર્તિથી દૂર રહ્યા. બંનેએ 1971માં ડિઝની વર્લ્ડની સ્થાપના કરી. વૉલ્ટનું અવસાન થયા પછી તેમણે ‘ડિઝની વર્લ્ડ’નું નામ તેમના ભાઈની સ્મૃતિમાં ‘વૉલ્ટ ડિઝની વર્લ્ડ’ રાખ્યું. રૉયની સ્મૃતિમાં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ આર્ટસ ખાતે હર્બ અલ્પર્ટ સ્કૂલ ઑફ મ્યુઝિકના પ્રદર્શનસ્થળનું નામ રૉય ઓ ડિઝની કોન્સર્ટ હૉલ રાખવામાં આવ્યું છે.