યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું મોટું શહેર.
તે ૩૭ ૪૬´ ઉ. અ. અને ૧૨૨ ૨૫´ પ. રે.ની વચ્ચે આવેલું છે. તે યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં, પ્રશાંત મહાસાગરના કાંઠા પર વસેલું છે. સાન ફ્રાન્સિસ્કો શહેર લગભગ ૪૦થી વધુ ટેકરીઓ પર કે ટેકરીઓની આજુબાજુ વિસ્તરેલું છે. સાન ફ્રાન્સિસ્કોની પશ્ચિમે પ્રશાંત મહાસાગર અને પૂર્વે સાન ફ્રાન્સિસ્કોનો ઉપસાગર આવેલો છે. ઉત્તર તરફ આવેલી ગોલ્ડન ગેટ નામની ૧.૫ કિમી. પહોળી સામુદ્રધુની આ બંને જળરાશિઓને સાંકળે છે. ઉત્તરે ખૂબ પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ આવેલો છે. મોટાં વહાણો તેની નીચેથી પસાર થઈ શકે તેટલો તે ઊંચો છે. પૂર્વમાં સાન ફ્રાન્સિસ્કો–ઓકલૅન્ડ બ્રિજ છે. બે માળ ધરાવતો આ બ્રિજ ૧૩ કિમી. લાંબો છે. આ બ્રિજની જમણી બાજુએ ટેકરી પર અગાઉ કારાવાસ ઊભો કરાયેલો. તેનો બૃહદ મહાનગરીય વિસ્તાર લગભગ ૨૦,૬૧૬ ચોકિમી. જેટલો છે. સાન ફ્રાન્સિસ્કોમાં પ્રશાંત મહાસાગર તેમ જ અખાતમાં આવેલા ટાપુઓનો પણ સમાવેશ થઈ જાય છે. શહેરનો વિસ્તાર ૨૧૫ ચોકિમી. જળવિસ્તાર સહિત લગભગ ૩૩૪ ચોકિમી જેટલો છે. તેની વસ્તી (નગરની) ૮,૭૩,૯૬૫ (૨૦૨૦) અને બૃહદ મહાનગરની ૪૫,૬૬,૯૬૧ (૨૦૨૦) જેટલી છે.

એક પણ થાંભલા વિનાનો સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ બ્રિજ
સાન ફ્રાન્સિસ્કો શહેરની સ્થાપના સ્પૅનિશ વસાહતીઓએ ૧૭૭૬માં કરેલી. ૧૮૪૮માં આ સ્થળે સુવર્ણનિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા, પરિણામે ૧૮૪૯માં ત્યાં ‘ગોલ્ડ રશ’ થયેલો. ત્યારપછી ત્યાં બીજા લોકો આવીને વસ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ કાળમાં તે પશ્ચિમ યુ.એસ.નું નાણાકીય તેમ જ ઔદ્યોગિક પાટનગર ગણાતું રહ્યું. ૧૯૦૬માં ભૂકંપમાં અને તેને લીધે લાગેલી આગમાં આ શહેરને ખૂબ જ નુક્સાન થયેલું; પરંતુ અહીંના નિવાસીઓએ શહેરનું પુનર્નિર્માણ કર્યું. ૧૯૪૫માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યુનાઇટેડ નૅશન્સ (UN) સંસ્થાએ આકાર લીધો. શહેરનો મધ્ય વિસ્તાર નૉબ હિલ તેમ જ રશિયન હિલ પર આવેલો છે. નૉબ હિલ સિવિક સેન્ટરથી ઈશાનમાં આવેલી છે. તેની પૂર્વમાં ચાઇના ટાઉનનો ધંધાકીય વિભાગ છે. ચાઇના ટાઉનના ગીચ વિસ્તારમાં ચીની વંશના આશરે ૩૦,૦૦૦ લોકો વસે છે. અહીં રંગબેરંગી દુકાનો, રેસ્ટોરાં તેમ જ ચીની શૈલીની ઇમારતો આવેલી છે. મધ્ય સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર ભાગમાં રશિયન હિલ આવેલી છે. દુનિયાના વધુમાં વધુ ઢાળ ધરાવતા માર્ગો અહીં આવેલા છે. દુનિયાભરની વધુમાં વધુ વાંકીચૂકી શેરીવાળો લોમ્બાર્ડ શેરીનો એક ભાગ છે. તેના એક વિભાગમાં આઠ જેટલા ઉગ્ર વળાંકો છે. એમ્બારકૅડેરો માર્ગના ઉત્તર છેડે માછીમારોનો વિભાગ છે. અહીં મુખ્યત્વે દરિયાઈ ખોરાકનાં રેસ્ટોરાં જોવા મળે છે. અખાતની ધાર પર સાન ફ્રાન્સિસ્કોનું બંદર આવેલું છે. તે દુનિયાનાં મોટાં ગણાતાં કુદરતી બારાં ધરાવતાં બંદરો પૈકીનું એક છે. કાંઠાની ધારે સમાંતર પહોળો એમ્બારકૅડેરો માર્ગ ચાલ્યો જાય છે. સાન ફ્રાન્સિસ્કો યુ.એસ.નું આગળ પડતું નાણાકીય મથક રહ્યું છે. વળી તે વાણિજ્ય, ઉદ્યોગ તેમ જ પ્રવાસનનું પણ મુખ્ય કેન્દ્ર છે. દેશનાં ૧૦૦થી વધુ મોટાં નિગમોનાં મુખ્ય કાર્યાલયો આ શહેરમાં કે તેની આજુબાજુ આવેલાં છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાન ફ્રાન્સિસ્કો, પૃ. 101)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી