જ. ૫ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨
કાશ્મીરના પ્રસિદ્ધ નેતા શેખ અબ્દુલ્લાનો જન્મ શ્રીનગર પાસે સૌરા ગામમાં થયો હતો. ‘શેરે કાશ્મીર’ તરીકેની ખ્યાતિ ધરાવતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં જણાવ્યા મુજબ તેમના પરદાદા હિંદુ બ્રાહ્મણ હતા અને એક સૂફી સંતથી પ્રભાવિત થઈ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમનાં ધર્મચુસ્ત માતાના વિચારોની અસર બાળપણથી જ તેમનામાં પડેલી. શ્રીનગરમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ કૉલેજશિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢમાં લીધું. એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણનો વ્યવસાય સ્વીકાર્યો, પરંતુ તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગાંધીજી, જવાહરલાલ, મૌલાના આઝાદ, અલીભાઈઓ વગેરેના વિચારોની અસર તેમના પર પડી. તેઓ પ્રખ્યાત ઉર્દૂ શાયર ઇકબાલનાં લખાણોથી પણ પ્રભાવિત હતા. સ્વતંત્રતા માટેના ભારતના સંઘર્ષમાં શેખ અબ્દુલ્લાનો મહત્ત્વનો ફાળો હતો. સરકારી વહીવટી તંત્રમાં મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે ૧૯૩૦માં ‘યંગમૅન્સ મુસ્લિમ ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી, જે સમય જતાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ તરીકે જાણીતી થઈ. તેઓ લાંબા સમય માટે આ સંસ્થાના પ્રમુખ હતા. ૧૯૪૮માં તેઓ કાશ્મીરના વડાપ્રધાન થયા. ૧૯૪૯માં બંધારણ સભાના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો કરતાં તેમને વડાપ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા. ૧૯૫૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી તેમની અવારનવાર ધરપકડ થઈ અને છોડવામાં આવ્યા. આશરે ૧૧ વર્ષ તેમણે જેલવાસ (૧૯૫૩-૧૯૬૪) ભોગવ્યો. ૧૯૭૫માં ભારત તરફી નીતિ અપનાવતાં ફરી કાશ્મીરના મુખ્યમંત્રી બનવાની તક સાંપડી. તેમના અવસાન બાદ તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા અને હાલમાં તેમના પૌત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે સક્રિય છે. તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’ માટે તેમને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર(ઉર્દૂ)થી સન્માનિત (મરણોત્તર) કરવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ