જ. ૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૫ ફેબ્રુઆરી, ૧૯૮૮

ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ પણ ગુજરાતી સાહિત્યમાં સારંગ બારોટ તરીકે જાણીતા છે. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ વડોદરામાં આવેલી કલાભવન ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૪૧-૧૯૫૦ દરમિયાન મુંબઈ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે અને ત્યારબાદ થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર તરીકે કાર્ય કર્યું હતું. તેમણે લેખનની શરૂઆત ૧૯૫૦થી કરી અને આશરે ત્રીસેક જેટલી નવલકથાઓ લખી જેમાં કૌટુંબિક પ્રશ્નોની છણાવટ મુખ્ય વિષય રહ્યો. આ ઉપરાંત સામાજિક પ્રશ્નો પણ અગ્રસ્થાને રહેલા છે. તેમની રચનાઓમાં ‘અગનખેલ, ‘રેનબસેરા’ (ભાગ ૧ અને ૨), ‘નંદનવન’, ‘બાદલછાયા, ‘કુર્યાત્ સદા મંગલમ્, ‘નદી, નાવ, સંજોગ, ‘વિલાસવહુ’, ‘સૂર્યમુખી’, ‘શ્યામ સૂરજનાં અજવાળાં’ અને ‘ધીરા સો ગંભીર’ મહત્ત્વની ગણી શકાય. વાર્તાસંગ્રહોમાં ‘અક્ષયપાત્ર’ (૧૯૫૨), ‘મોહનાં આંસુ’ (૧૯૫૨), ‘વિમોચન’ (૧૯૫૩), ‘કોઈ ગોરી, કોઈ સાંવરી’ (૧૯૫૪), ‘મેઘમલ્હાર’ (૧૯૬૩) અને ‘ગુલબંકી’ (૧૯૬૭) નોંધપાત્ર છે. સામયિકોના દીપોત્સવી અંક માટે પણ તેમણે અનેક વાર્તાઓ લખેલ છે. તેમની ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ ઘણી પ્રશંસા પામી છે. તેમણે લખેલાં નાટકોમાં ‘પ્રેમસગાઈ’ (૧૯૬૭) અને ‘એક ડાળનાં પંખી’ (૧૯૭૯) ધ્યાનાકર્ષક ગણાય.
નલિની દેસાઈ