અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ.
તે આશરે ૧૬° ૦૦´થી ૩૨° ૧૦´ ઉ. અ. તથા ૩૪° ૩૦´થી ૫૬° ૦૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની દક્ષિણમાં યેમેન; અગ્નિમાં ઓમાન; પૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત તથા કતાર; ઉત્તરમાં જૉર્ડન, ઇરાક, કુવૈત તથા પશ્ચિમમાં રાતો સમુદ્ર આવેલા છે. તેના મધ્ય ભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તે આશરે ૨૨,૫૦,૦૭૦ ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી આશરે ૩,૪૫,૬૬,૦૦૦ (૨૦૨૨) જેટલી છે. તે મંત્રીમંડળ સહિતની રાજાશાહી શાસનપદ્ધતિ ધરાવે છે, જે શેખ-શાસનપદ્ધતિ તરીકે પ્રચલિત છે. તેની કાનૂની પદ્ધતિ શરિયતના ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે. આ દેશનું પાટનગર રિયાધ છે જ્યારે જિદ્દાહ વહીવટી કેન્દ્ર છે. આ દેશની ઓમાન સીમાએ ગેડ પર્વતો આવેલા છે. પશ્ચિમે રાતા સમુદ્રકાંઠે તિહમાહનું સાંકડું મેદાન આવેલું છે. પૂર્વ વિભાગમાં પર્શિયન અખાતનાં કિનારાનાં મેદાનો પટ્ટી સ્વરૂપનાં છે. તે જાડા પંકથર ધરાવે છે. રાતા સમુદ્રકાંઠાનાં સાંકડાં મેદાનોની સમાંતરે અને ઉચ્ચ પ્રદેશની પશ્ચિમની કિનારી પર હિજાઝ અને આસિરની તૂટક તૂટક પર્વતશ્રેણીઓ આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર જેબેલ રાઝિખ ૩,૬૫૮ મી.ની ઊંચાઈ ધરાવે છે.

રાજધાની રિયાધનું એક દૃશ્ય
અહીં પહાડી ક્ષેત્રો અને ઉચ્ચપ્રદેશના કેટલાક ભાગોમાં તથા રણદ્વીપના વિસ્તારોમાં ટૂંકું ઘાસ, વૃક્ષો અને કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ થાય છે. રેતાળ રણપ્રદેશોમાં વનસ્પતિનું પ્રમાણ નહિવત્ છે. હિજાઝ પ્રાન્તમાં બાવળનાં વૃક્ષો, રણદ્વીપોમાં ઘાસ અને ખજૂરનાં વૃક્ષો, જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ઔષધીય વનસ્પતિ ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં શિયાળ, સસલાં, નોળિયા, ઘો, કાચિંડા અને સર્પની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. પહાડી ક્ષેત્રોમાં દીપડા જોવા મળે છે. અહીંનાં પાળેલાં પ્રાણીઓમાં ઊંટ, ખચ્ચર, ઘોડા, ગધેડાં, ઘેટાંબકરાં વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ગીધ, સમડી, ગરુડ, બાજ તથા બીજાં રણનિવાસી પક્ષીઓ જોવા મળે છે. જિદ્દાહ અને દમ્મામ દેશનાં મુખ્ય બંદરો છે. આ સિવાય એન્બો, એલ્વોઝ, રેબીગ, લીથ વગેરે અન્ય નાનાં બંદરો છે. આ દેશ આશરે ૧,૩૯૦ કિમી. લંબાઈનો દમ્મામ અને રિયાધને જોડતો એક જ રેલમાર્ગ ધરાવે છે. તે સાઉદી અરેબિયાની જીવાદોરી સમાન ગણાય છે. અહીં મુસ્લિમ ધર્મનાં પવિત્ર યાત્રાધામો મક્કા તથા મદીના આવેલાં છે. મક્કા મહમદ પયગમ્બરસાહેબનું જન્મ-સ્થળ ગણાય છે. તેમના સમયમાં મદીના પાટનગર હતું. આ ઉપરાંત મદીનામાં તેમની પવિત્ર કબર આવેલી છે. અહીં દર વર્ષે લાખો મુસ્લિમો હજ કરવા આવે છે. તેથી અહીં પ્રવાસન અને હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ દેશની પ્રજા પ્રાચીન સેમેટિક જાતિની છે. કુલ વસ્તીમાં સાઉદી લોકોની વસ્તી ૬૬ % જેટલી છે. તે સિવાય એશિયા અને ઇજિપ્તના લોકો પણ અહીં વસે છે. અહીંના લોકોની મૂળ ભાષા અરબી છે. તે ઉપરાંત અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. મુખ્ય ધર્મ ઇસ્લામ છે. વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત અસમાન છે. અહીં જિદ્દાહ, રિયાધ, મક્કા, મદીના, દમ્મામ, તૈફ, બુરૈદા, અનેજા, હોકુફ વગેરે અગત્યની શહેરી વસાહતો છે. દેશનું સૌથી મોટું નગર રિયાધ છે. તૈફ મુખ્ય પર્યટન-કેન્દ્ર છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉદી અરેબિયા, પૃ. 95)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી