Categories
વાચન સમૃદ્ધિ

હિમાલય પર્વતમાળા

ભારતની ઉત્તરે આવેલી, વિશ્વમાં સૌથી ઊંચાં હિમાચ્છાદિત શિખરો ધરાવતી પર્વતમાળા. હિમાલય પર્વતોની અનેક હારમાળાઓથી બનેલો છે. આ હારમાળાઓ પશ્ચિમમાં પાકિસ્તાનથી માંડીને પૂર્વમાં તિબેટ સુધી આશરે – ૨૪૦૦ કિમી. લાંબી ભારત તરફ બહિર્ગોળ – એવી ચાપ આકારે આવેલી છે. દુનિયાની આ સૌથી વિશાળ પર્વતશ્રેણી ગણાય છે. આ પર્વતમાળાઓના દક્ષિણ ઢોળાવો સીધા જ્યારે ઉત્તર ઢોળાવો આછા છે. આ પર્વતશ્રેણીનાં ૩૦ શિખરો તો ૭૩૦૦ મીટરથી (૨૪,૦૦૦ ફૂટ) પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ શિખરો બરફથી છવાયેલાં અને ઉગ્ર ઢોળાવવાળાં છે. આ પર્વતશ્રેણીમાંની ખીણો મોટી હિમનદીઓ પણ ધરાવે છે. દક્ષિણ એશિયાની મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન અહીં રહેલું છે. ભારતની સિંધુથી માંડી બ્રહ્મપુત્રા સુધીની મોટી નદીઓ હિમાલયમાંથી ઉદય પામે છે. આજથી લગભગ ૩ કરોડ ૮૦ લાખ વર્ષ પૂર્વે હિમાલયની પર્વતમાળાનો તબક્કાવાર ઉદ્ભવ થયેલો. હિમાલય એ ગેડવાળા પર્વતની હારમાળા છે, જે બે ભૂતક્તીઓ (ભારતીય અને એશિયાઈ) એકબીજા સાથે અથડાતાં સર્જાઈ છે.

હિમાલય પર્વતમાળા

હિમાલય પર્વતમાળામાં કીમતી પથ્થરો અને ખનિજોના ભંડારો આવેલા છે. વળી ઘણી નદીઓ પર બંધ બાંધી વિદ્યુત પેદા કરવામાં આવે છે. નદીઓના ખીણપ્રદેશમાં તથા પહાડોના ઢોળાવો પર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, શેરડી જેવા પાકો થાય છે. સિમલા, દાર્જિલિંગ અને આસામમાં ચાના બગીચાઓ પણ આવેલા છે. તે સિવાય ફળાઉ વૃક્ષો, ચીડ, દેવદાર, સાગ, સિડાર, શંકુવૃક્ષો, ચેસ્ટનટ વગેરે થાય છે. આ વિસ્તારોમાં જંગલી કેવડો, કેતકી અને સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે. હિમાલયમાં વૈવિધ્યવાળી પ્રાણીસૃષ્ટિ છે. ર્હાઇનૉસિરોસ, યાક, રીંછ, ગૌર (જંગલી ગાય), કસ્તૂરીમૃગ, હંગુલ (કાશ્મીરી સાબર), કાળાં હરણ, દીપડા, લંગૂર વાનરો, બકરાં વગેરે પ્રાણીઓ તથા ૮૦૦થી વધુ જાતિનાં કીટકો તેમ જ પક્ષીઓ પણ અહીં વસે છે. હિન્દુ તથા બૌદ્ધ લોકો જેને ખૂબ પવિત્ર માને છે એ કૈલાસ પર્વત (ઊંચાઈ ૬,૭૪૧ મીટર) તિબેટમાં આવેલો છે. આ સ્થળે ભારત તથા મધ્ય એશિયાના ઘણા યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. કૈલાસ પર્વત પાસે મોટું માનસરોવર આવેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિમાલય પર્વતમાળા, પૃ. 175)

Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલ કૃપારામ પંડ્યા

જ. 21 જાન્યુઆરી 1923 અ. 3 જુલાઈ 2008

ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, દિગ્દર્શક અને અભિનેતા. જન્મ સાબરકાંઠા જિલ્લાનું કાબોદરા ગામ. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પાસ થયા. તેઓ નાનપણમાં ખૂબ તોફાની હતા. તેમના મોટા ભાઈ જીવતરામ પાસે મુંબઈ રહેતા હતા. વિઠ્ઠલભાઈ નવ વર્ષના હતા ત્યારે તેમને મોટા ભાઈ પાસે મુંબઈ મોકલી દીધા. વિઠ્ઠલભાઈ અનુગાંધીયુગના સર્જક છે. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે સમયના મિત્ર વિઠ્ઠલભાઈને દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર પાસે લઈ ગયા. એમની ફિલ્મયાત્રાનો આરંભ થયો. 24 વર્ષ ગુજરાતી અને હિન્દી ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં પસાર કર્યાં. 1960થી 1980 દરમિયાન એમણે જે નવલકથાઓ આપી. એમની નવલકથાઓમાં સામાજિક પ્રશ્નો વિશેષ ધ્યાન ખેંચે એવા છે. તેમણે નવલકથામાં રાજકારણી, પત્રકાર, સંતથી માંડીને મજબૂરીથી દેહવિક્રય કરતી સ્ત્રી, આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળપ્રવૃત્તિ વગેરે વિષયોને તેમણે નવલકથામાં આવરી લીધા છે. તેમની નવલકથાઓ જનસત્તા, લોકસત્તા, પ્રતાપ, ફૂલછાબ, જન્મભૂમિ, જનશક્તિ, અભિયાન, યુવદર્શન વગેરે અખબાર અને સામયિકોમાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહી છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓ સામાન્ય વાચકવર્ગને આકર્ષતી રહી છે. વિઠ્ઠલભાઈની ફિલ્મજગતની સંસ્મરણકથા ‘અસલી નકલી ચહેરા’ વાંચી કવિ સુરેશ દલાલે કહ્યું હતું કે ‘વિઠ્ઠલભાઈની મેં દરેક નવલકથા નથી વાંચી, પણ આ સંસ્મરણકથા માટે લોકો એમને યાદ રાખશે.’ ફિલ્મજગત વિશે સંસ્મરણો લખાયાં હોય એ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઘટના હતી. આવા સર્જક વિઠ્ઠલ પંડ્યાએ નવલકથા, વાર્તાસંગ્રહ, આત્મકથા (ભીંત ફાડીને ઊગ્યો પીપળો), સંસ્મરણકથા (અસલી નકલી ચહેરા) તથા અન્ય પુસ્તકો મળી કુલ 68 પુસ્તકો આપ્યાં. તેમનાં ત્રણેક પુસ્તકો હિન્દી ભાષામાં અનૂદિત થયાં છે. તેમની નવલકથા ‘સાત જનમના દરવાજા’ને 1973માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. ૧૯૫૫માં સવિતા વાર્તાસ્પર્ધામાં એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

તિરુપતિ

દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે.. તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળાં વૃક્ષોથી આચ્છાદિત તિરુમાલા પર્વતમાળાને ‘સપ્તગિરિ’ પણ કહેવામાં આવે છે; કારણ કે સાત ટેકરીઓ વચ્ચે આ પ્રદેશ વહેંચાયેલો છે. તિરુપતિ બાલાજી ‘વેંક્ટેશ્વર’ કે ‘શ્રીનિવાસ’ તરીકે પણ જાણીતા છે. પર્વત પર બિરાજમાન તિરુપતિ બાલાજીના દર્શને જવા માટે પાંચ માર્ગો છે, જેમાં બે માર્ગ વાહનો માટે જ્યારે ત્રણ માર્ગ પદયાત્રીઓ માટે છે. દરરોજ અહીં સરેરાશ ત્રીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ આવે છે.

તિરુપતિનું મંદિર, તિરુપતિ

મંદિરમાં દર્શનવિધિ સાથે મુંડનવિધિનું વિશેષ મહત્ત્વ છે. દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી આ અંગે ખાસ વ્યવસ્થા છે. આ વિધિની વ્યવસ્થાના વિભાગને અહીં ‘કલ્યાણકટ્ટ’ કહે છે. કલ્યાણકટ્ટ દ્વારા એકત્ર થયેલ વાળની વીગ બનાવવા માટે નિકાસ થાય છે. વરસ દરમિયાન ઊજવાતા અનેક ઉત્સવોમાં નવરાત્રી અહીંનો સૌથી મોટો ઉત્સવ છે. બાલાજીની ભવ્ય મૂર્તિ પર 28,313 હીરાથી જડેલો મુગટ છે, જેની કિંમત રૂપિયા છ કરોડથી અધિક આંકવામાં આવે છે. તિરુપતિનગર ચેન્નાઈથી 131 કિમી., બૅંગાલુરુથી 170 કિમી. અને મુંબઈથી 1,281 કિમી.ને અંતરે આવેલ છે. આ નગરમાં વેંકટેશ્વર યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત ટ્રસ્ટ-સંચાલિત સંસ્કૃત વિદ્યાલય અને હૉસ્પિટલ તેમજ અનેક અતિથિગૃહો આવેલાં છે. તિરુપતિનગરમાં પદ્માવતી ગોવિંદરાજનું મંદિર ઉપરાંત નજીકમાં 35 કિમી.ના અંતરે શંકરનું પ્રાચીન મંદિર કાલહસ્તિ જોવાલાયક છે. શહેરની વસ્તી 4,18,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 6,74,000 (2025, આશરે).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8