આખાય જગતમાં પ્રેમીને પોતાની પ્રિયતમાનો ચહેરો સૌથી વધુ સુંદર લાગતો હોય છે. અનેક ચહેરાઓ વચ્ચે જીવતા એને પોતાની પ્રેમિકાનો ચહેરો અદ્વિતીય લાગે છે. એના મુખ ભણી એકીટસે નિહાળવાનું એને ખૂબ પસંદ પડે છે. એને જોઈને એના હૃદયમાં આનંદ ઊમટે છે અને પ્રેમની ધારા વહેવા લાગે છે. જેવો પ્રેમિકાનો ચહેરો છે, એવો જ તમારા મૃત્યુનો ચહેરો છે. એ મૃત્યુને ચાહતાં શીખો. એને સ્નેહથી જોતાં રહો. એને પ્રેમભરી મીઠી નજરે નિહાળો, કારણ કે આ અનિશ્ચિત એવા જીવનમાં સૌથી વધુ નિશ્ચિત મૃત્યુ છે. આપણે અનિશ્ચિત એવા જીવનની ચિંતા કરવાનું છોડીને નિશ્ચિત એવા મૃત્યુથી ચિંતિત રહીએ છીએ. એ નિશ્ચિત મૃત્યુથી આંખમીંચામણાં કરીએ છીએ. એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. પરાજય નિશ્ચિત હોવા છતાં મરણિયા થઈને મોતની સામે બાથ ભીડીએ છીએ. એનો સ્વીકાર કરવાને બદલે સતત એનો અસ્વીકાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. મોત એ વિકરાળ, ભયાવહ યમદૂત નથી, એ તો પ્રિયતમાનો ચહેરો છે. મૃત્યુના ચહેરાને ભાગ્યે જ કોઈ ભાવથી જુએ છે. એ ચહેરા પરની શાંતિ એની બંધ આંખોમાં જોવા મળે છે. જીવન પ્રત્યેની અનાસક્તિ જ એના સ્થિર કપાળ પર નજરે પડે છે. જગતની પીડા, સંસારનાં દુ:ખો અને આધિ, વ્યાધિ અને ઉપાધિની પળોજણની મુક્તિની રેખાઓ એના સ્થિર મુખારવિંદમાં જોઈ શકાય છે. એ અવસરને આનંદભેર ભેટનારાના ચહેરા પર પ્રસન્નતાનું તેજ વિખરાયેલું હોય છે. આ અવસરને વિરહની વેદના માનનારના ચહેરા પર ઘેરી કાલિમા લપાઈને બેઠી હોય છે.
ભારતીય અર્થતંત્ર તથા વિજ્ઞાનને આગવો આકાર આપનાર પ્રશાંતચંદ્ર ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી તેમજ ખ્યાતનામ આંકડાશાસ્ત્રી હતા. તેમણે શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. ૧૯૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્યનો આરંભ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૨ સુધી પ્રાધ્યાપક તરીકે, ૧૯૨૨થી ૧૯૪૮ સુધી તે વિભાગના અધ્યક્ષ અને તે જ કૉલેજના આચાર્ય તરીકે કામગીરી બજાવી. આ સાથે તેઓએ અધ્યક્ષ તરીકેની સેવાઓ પણ આ જ યુનિવર્સિટીમાં આપી. ૧૯૪૫થી ૧૯૪૮ સુધી તેઓએ બંગાળની સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે કામ કર્યું. ૧૯૪૯માં ભારત સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે નિમણૂક થઈ. તેમણે કૉલકાતા ખાતે ૧૯૩૧માં ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ની સ્થાપના કરી. આ સંસ્થાએ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. તે પછી ભારતમાં આવાં ઘણાં કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. પ્રશાંતચંદ્રે ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સચિવ અને નિદર્શક તરીકે રહીને તેનો વિકાસ કર્યો. ભારતને આર્થિક આયોજનના ક્ષેત્રે સાચી સફળતાઓ માટેનો માર્ગ ચીંધ્યો. ૧૯૪૮ પછી તેઓ કલકત્તા યુનિવર્સિટીના સન્માનનીય પ્રાધ્યાપક અને ૧૯૫૫થી ૧૯૬૫ સુધી તેમણે આયોજન પંચના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. યુનાઇટેડ નૅશન્સના આંકડાશાસ્ત્રીય પંચના સભ્ય અને ૧૯૫૪થી ૧૯૫૮ દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કામ કર્યું. ૧૯૫૦માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના પણ પ્રમુખ થયા. ૧૯૫૨માં બૅંગકૉક ખાતે મળેલી આંકડાશાસ્ત્રીઓની પરિષદના પ્રમુખ થયા. ભારતમાં પ્રસિદ્ધ એવા આંકડાશાસ્ત્રના સામયિક ‘સાંખ્ય’ના સ્થાપક અને સંપાદક તરીકે આજીવન સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ પછી હોમીભાભા તથા ભટનાગરની જેમ તેઓએ પણ ભારતીય અર્થતંત્રને આગવી રીતે આકાર આપ્યો. ૨૦૦૭થી ૨૯ જૂનને નૅશનલ સ્ટૅટિસ્ટિક્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. તેમની શતાબ્દી નિમિત્તે ભારત સરકારે ટપાલટિકિટ બહાર પાડી હતી. ૧૯૬૮માં તેમને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.
પકવેલી માટી કે માટીના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાં–ઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને જ્યાં રસળતી માટી મળી શકે ત્યાં વિશેષ પ્રકારે થયા છે. ભારતમાં ટેરાકોટાના રમકડાં-ઘાટ ઘડવાની પરંપરા વાયવ્યના બલૂચિસ્તાન, ઝોબ તેમજ કુલ્લીની અસરથી શરૂ થયેલ છે. તેમાં ઊઘડતી સંસ્કૃતિમાં ‘માતૃત્વ’ આપનાર એવી ‘દિગંબરાદેવી’ અને ગોમાતાને ફળાવનાર એવા ‘વૃષભ’ના અનેક ઘાટ ઘડાયા છે. હડપ્પા સંસ્કૃતિમાં ટેરાકોટા : પૂર્વ હડપ્પા પરંપરાના ટેરાકોટા વાયવ્યમાં માલધારી, ખેડૂત તેમજ કુંભકારના હાથે ઘડાયા હોય તેવા નાના નાના ઘાટ રૂપે મળ્યા છે. ઉત્તરકાલીન પરંપરામાં માતૃકા, આખલો વગેરે ઘડાયા છે. નારીના ઘાટ પર આંખ, નાક, હોઠ અને સ્તન તેમજ ઘરેણાં વાટા વણીને ચોંટાડાયેલ છે. હડપ્પામાંથી નારીના પુષ્કળ ટેરાકોટા મળ્યા છે તો પુરુષની માત્ર એક જ આકૃતિ મળી છે. તે ઉપરાંત પંખી, પશુ જેવાં કે વાનર, બકરો, ગેંડો, હાથી, સૂવર, સિંહ અને ખૂંધ વગરનો તેમજ ખૂંધવાળો એવા બે પ્રકારના વૃષભ મળ્યાં છે. સર્જનાત્મક રમકડાંમાં માથું હલાવે તેવું પંખી, કૂકડો, મોર, પોપટ, ગાડું તેમજ સિસોટી છે.
ગુજરાતમાં લોથલના ઉત્ખનનમાંથી પણ સીધા સરળ હાથે ઘડેલાં તેમજ સર્જનાત્મક ઘાટનાં આખલો, ગાય, ઘેટું, ભુંડ, ગેંડો વગેરે મળ્યાં છે. અહીંથી વિશેષ રૂપે પશુના ઘાટ મળ્યા છે, તે સિંધુ ઘાટી કરતાં કુલ્લી સંસ્કૃતિ સાથે વધારે સામ્ય ધરાવે છે. ઈ. સ. પૂ. ૧૯૦૦થી ૧૩૦૦ અનુહડપ્પા કાળ માટે એવું મનાતું હતું કે આ સમયગાળો અંધકારયુગ છે, પણ નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે મધ્ય પશ્ચિમ ભારતમાંથી આહર અને માળવામાંથી પશુ તેમજ વૃષભના કુદરતી ઘાટ પ્રકારના ટેરાકોટા મળી આવ્યા છે. ઈ. સ. પૂ. હજારેક વર્ષે ભારતીય સભ્યતામાં લોખંડની શોધથી નવા ફેરફારો થયા, લોખંડનાં હથિયારો અને ઘોડાથી ખેંચાતાં વાહન શરૂ થયાં, તેથી માનવ, પશુ અને રથનાં રમકડાં શરૂ થયાં. બિહાર બક્સર વગેરે સ્થળેથી આવા ટેરાકોટા મળ્યા છે. તે ઉપરાંત દળદાર ટેરાકોટા પટના, ભીટા, કૌસાંબીમાંથી ઉપલબ્ધ થયા છે. પાટલિપુત્રના ટેરાકોટામાં ગોળ પંખા જેવા અધોવસ્ત્રમાં ગતિનો આભાસ અને હાથોની ગોઠવણી પણ આગળપાછળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. મૌર્યકાલીન ટેરાકોટામાં કલાત્મકતા પ્રવેશી પરંપરિત પ્રાકૃત ઘડતરમાં ફેરફાર થયા, જે ભારતીય ટેરાકોટામાં મહત્ત્વપૂર્ણ છે. આવા ટેરાકોટા પાટલિપુત્રમાંથી મળ્યા છે. બુલંદીબાગમાંથી મળેલા ટેરાકોટા પૉલિશ કરેલા છે. મૌર્યકાળના ટેરાકોટાના ઘાટઘડતરમાં મોઢું બીબાથી ઢાળેલું છે. શરીરનાં અન્ય અંગો હાથ વડે જ નજાકતભરી રીતે તૈયાર કરેલાં છે. તેમાં ગતિમય ઘાઘરપટ્ટ, અલંકૃત શિરોવેષ્ટન વગેરે વિગતપૂર્ણ છે. મથુરામાંથી ઉપલબ્ધ મૌર્યકાલીન ટેરાકોટા જોતાં લાગે કે ભારતીય પ્રજાપતિ ઈરાની પરંપરાથી પરિચિત છે. શુંગકાળના ટેરાકોટા પૂર્વ તેમજ ઉત્તર ક્ષેત્રમાંથી પુષ્કળ મળ્યા છે. તેના ઘાટઘડતરની પ્રક્રિયામાં નાવીન્ય દેખાય છે. પરંપરિત ગોળાશવાળી આકૃતિની સાથોસાથ ભીંતે સમથળ ટાંગી શકાય તેવી છીછરા ઘાટની પ્લેટો પણ થઈ છે. શુંગકાળે લોકજીવનનું સામૂહિક ઉત્થાન જોઈ શકાય છે, તેથી આ કાળના ટેરાકોટામાં નરનારીનાં સાંસારિક જીવનનાં દૃશ્યો સપાટ પ્લેટમાં નિરૂપિત છે. શુંગકાલીન નારીરૂપ ઘાટમાં ભરચક શિરોવેષ્ટન, હાથે પુષ્કળ કંગન, હાર, પગે અલંકારો તેમજ કટિમેખલાથી નારીરૂપ ભરચક કરાયું છે, તેમાં ગજલક્ષ્મી તેમજ માતૃત્વ આપનાર દેવીનું પ્રતીક પ્રદર્શિત છે.
ખોડીદાસ પરમાર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેરાકોટા, પૃ. ૩૧૮)