Categories
વાચન સમૃદ્ધિ

રૉય ગિલક્રિસ્ટ

જ. ૨૮ જૂન, ૧૯૩૪ અ. ૧૮ જુલાઈ, ૨૦૦૧

શેરડીનાં ખેતરોમાં રમીને ક્રિકેટનો પ્રારંભ કરનાર રૉય ગિલક્રિસ્ટ જહાજી કંપનીમાં નોકરી કરતો હતો અને વેસ્ટ ઇન્ડીઝના કિંગસ્ટનમાં ખેલાતી બિકોન કપ સ્પર્ધામાં ખેલતો હતો. એ પછી જમૈકાના યુવકોની ટીમમાં પસંદ થયો અને ‘સ્પૉર્ટ્સમૅન ઑફ ધ ઇયર’ બન્યો. વેસ્ટ ઇન્ડીઝની આંતરટાપુઓની સ્પર્ધામાં જમૈકા તરફથી ચાર વખત રમ્યા બાદ તરત જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલવાની તક મળી. ૧૯૫૭ના ઇંગ્લૅન્ડના પહેલા પ્રવાસમાં એની ઝડપી ગોલંદાજીને વિશેષ સફળતા મળી નહીં, પરંતુ એ સમયે ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ગ્રેવનીને એવા ઝડપી દડાથી આઉટ કર્યો કે સ્ટમ્પના બે ટુકડા થઈ ગયા. રૉય ગિલક્રિસ્ટને બૅટ્સમૅનના શરીર પર વાગે તે રીતે ‘બીમર’ નાખવાનો શોખ હતો. આવા દડા નાખીને એ બૅટ્સમૅનનો આત્મવિશ્વાસ સમૂળગો નષ્ટ કરી નાખતો અને એથીયે વિશેષ એને ઘાયલ કરતો. વેસ્ટ ઇન્ડીઝના સુકાનીઓએ એને આવા દડા નાખવા નહીં, એવી ખાસ ચેતવણી આપી હતી. ૧૯૫૮-૫૯માં ભારતના પ્રવાસે આવેલો વેસ્ટ ઇન્ડીઝનો સુકાની ગેરી એલેક્ઝાન્ડર પણ આનાથી નારાજ હતો. ઘણી વાર તો બૉલિંગ કરવાની રેખાથી ચારેક ડગલાં આગળ વધીને બૅટ્સમૅનના શરીર પર દડો વીંઝતો હતો. નાગપુરની ચોથી ટેસ્ટમાં ભારતીય ખેલાડી એ.જી. ક્રિપાલસિંઘને પીચ પર ખૂબ આગળ વધીને ‘બીમર’ નાખ્યો અને ક્રિપાલસિંઘની પાઘડી પડી ગઈ અને એને માથામાં પુષ્કળ વાગ્યું. એ પછીની નૉર્થ ઝોનની મૅચમાં પણ ગિલક્રિસ્ટે આવો બીમર નાખવાની આદત છોડી નહીં અને સ્વર્ણજિતસિંઘ નામના ખેલાડી સામે એણે સતત બીમર નાખવા માંડ્યા. આ સ્વર્ણજિત અને વેસ્ટ ઇન્ડીઝના સુકાની ગેરી એલેક્ઝાન્ડર કેમ્બ્રિજમાં સહાધ્યાયી હતા. લંચ સમયે એલેક્ઝાન્ડરે ગિલક્રિસ્ટને બેસાડી રાખ્યો અને રિઝર્વ ખેલાડીને મેદાન પર આવવા કહ્યું. એ પછી બીજા ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસે ગયા, ત્યારે સુકાની એલેક્ઝાન્ડરે એને કહ્યું કે, ‘તમે ફ્લાઇટ પકડીને પાછા જાવ’ અને આ ઘટના પછી રૉય ગિલક્રિસ્ટની કારકિર્દીનો અંત આવ્યો. ક્રિકેટની કામયાબી કરતાં ગિલક્રિસ્ટ એના હિંસક વર્તન અને ક્રોધી સ્વભાવને કારણે વધારે જાણીતો બન્યો હતો. એણે ૧૩ ટેસ્ટમાં ૩,૨૨૭ દડામાં ૨૬ રનની સરેરાશથી ૫૭ વિકેટ લીધી અને ૫૫ રનમાં ૬ વિકેટ એ એનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો. જ્યારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એણે ૪૨ મૅચમાં ૮,૩૯૧ દડા નાખીને ૨૬ રનની સરેરાશની ૧૬૭ વિકેટ ઝડપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

કાર્યકુશળતાનો પ્રભાવ

ગ્રીસમાં એક નિર્ધન બાળક આખો દિવસ જંગલમાં લાકડાં કાપતો હતો અને સાંજે લાકડાનો ભારો બનાવીને બજારમાં વેચવા બેસતો હતો. એની કમાણી એ જ આખા પરિવારના ભરણપોષણનું સાધન હતી. આથી એ છોકરો ખૂબ મહેનત કરતો અને ખૂબ સુંદર રીતે લાકડાંનો ભારો બાંધતો. એક વાર આ છોકરો બજારમાં ભારો વેચવા માટે બેઠો હતો, ત્યારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. એમણે જોયું તો આ છોકરાએ ખૂબ કલાત્મક રીતે લાકડાંનો ભારો બાંધ્યો હતો. બીજા લોકો જેમતેમ લાકડાંનો ભારો બાંધતા હતા. થોડાં લાકડાં બહાર નીકળી ગયાં હોય અને થોડાં સહેજ આમતેમ લબડતાં પણ હોય, જ્યારે આ છોકરાએ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે ભારો બાંધ્યો હતો. પેલા સજ્જને એ છોકરાને પૂછ્યું, ‘શું આ લાકડાંનો ભારો તમે પોતે બાંધ્યો છે ?’ છોકરાએ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, ‘હા જી, હું આખો દિવસ લાકડાં કાપું છું અને જાતે જ ભારો બાંધું છું અને આ બજારમાં વેચવા આવું છું.’ સજ્જને વળી પ્રશ્ન કર્યો, ‘તો શું તું આ ભારો ફરી ખોલીને બાંધી શકે ખરો ?’ છોકરાએ ‘હા’ કહીને માથું ધુણાવ્યું અને ભારો ખોલી ફરી એને  અત્યંત સ્ફૂર્તિ અને ચપળતાથી સુંદર રીતે બાંધ્યો. આ સજ્જન આ બાળકનો આત્મવિશ્વાસ અને એની કાર્યકુશળતાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને એમ લાગ્યું કે આ બાળક પાસે નાનામાં નાના કામને સુંદર અને વ્યવસ્થિત રીતે કરવાની ક્ષમતા છે. જો એને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળે, તો એ જરૂર જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે. એ સજ્જને એ છોકરાને કહ્યું, ‘તું મારી સાથે ચાલ. હું તને ભણાવીશ.’અને છોકરો એ સજ્જન સાથે ગયો. એ સજ્જન હતા ગ્રીસના તત્ત્વચિંતક ડેમોક્રિટ્સ અને એણે જે બાળકને મદદ કરી તે હતો ગ્રીસનો મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરસ. જેના ‘પાયથાગોરસ પ્રમેય’ આજે પણ પ્રચલિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

આર. ડી. બર્મન

જ. ૨૭ જૂન, ૧૯૩૯ અ. ૪ જાન્યુઆરી, ૧૯૯૪

ભારતીય સિનેમાજગતના સંગીતનિર્દેશક, ગાયક, વાદક, એરેન્જર, મૂર્ધન્ય સંગીતકાર. એસ. ડી. બર્મન તથા કવયિત્રી મીરા દેવ બર્મનને ત્યાં જન્મેલા રાહુલ દેવ બર્મન ‘પંચમ’ના નામથી પણ જાણીતા છે. ભારતીય સંગીતને પાશ્ચાત્ય તેમ જ વિદેશી સંગીત સાથે કલાત્મક રીતે વણીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરનાર આર. ડી. બર્મન દરેક જમાનામાં પ્રસ્તુત રહ્યા. વિશ્વસંગીતના અભ્યાસી પંચમે ‘રેસો-રેસો’, માદલ તથા અન્ય પરકશ્ન્સનાં વાદ્યોનો સાંગીતિક સૌંદર્ય વધારવામાં ઉપયોગ કર્યો. બાળપણમાં પિતાએ ઉસ્તાદ અલી અકબર ખાન પાસે સરોદ તેમજ પંડિત સામતા પ્રસાદ પાસે તબલાંની  શિસ્તબદ્ધ તાલીમ અપાવી. શરૂઆતનાં વર્ષોમાં સંગીતનિર્દેશનમાં પિતાના સહાયક તરીકે સેવા આપી અને અનુભવ મેળવ્યો. ૧૯૬૧માં ‘છોટે નવાબ’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને તેમણે ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. પિતા સાથે અનેક વખત ઑરકેસ્ટ્રામાં હાર્મોનિયમ, તબલાં અને વિવિધ વાદ્યો વગાડ્યાં. પ્રયોગશીલ એવા આર. ડી. બર્મન પરંપરાને એવી રીતે બદલતા કે ક્યાંય રસભંગ ના થાય.  જે જમાનામાં રેકૉર્ડિંગમાં તકનીકી સધ્ધરતા ન હતી એ જમાનામાં આર. ડી. બર્મને રેકૉર્ડિંગમાં પ્રયોગો કર્યા. પોતાના સંગીતવાદકોને પોતાને ભોગે આર્થિક મદદ કરીને એક નિસ્વાર્થ સાચા કલાકારનો ગુણ સાકાર કરતા હતા. દરેક પ્રકારનાં રસ અને ફ્લેવર એમના સંગીતમાંથી મળતાં. ‘કિનારા’, ‘શાન’, ‘સાગર, ‘અમરપ્રેમ’, ‘કટીપતંગ’, ‘આરાધના’, ‘શોલે’ એવી અનેક ફિલ્મોમાં પંચમે સંગીતનિર્દેશન કર્યું. અનેક ફિલ્મફેર તથા લતા મંગેશકર ઍવૉર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૪માં એમના અવસાન પછી એમની અંતિમ ફિલ્મ ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ તરત રજૂ થઈ હતી. વિવિધ ભાષા, ગાયકો તેમજ કવિઓ સાથે એમણે કામ કર્યું હતું. ગુલઝાર એમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય તેમ જ વિદેશી ટી. વી. સિરિયલ તેમજ આલબમમાં એમણે સંગીત આપ્યું. ૨૦૧૩માં ભારત સરકારે એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરી. એમણે વિશિષ્ટ અવાજમાં અનેક ગીતો ગાયાં અને અભિનય પણ કર્યો. અલગ અનોખા સંગીત માટે આર. ડી. બર્મન સદાય યાદ રહેશે.