Categories
વાચન સમૃદ્ધિ

સિદ્ધપુર

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર સિદ્ધપુર મહેસાણાની ઉત્તરે મુખ્ય રેલમાર્ગ પર સરસ્વતી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. પ્રાચીન કાળમાં તેનું નામ ‘શ્રીસ્થલ’ હતું. સોલંકી-વંશના સ્થાપક મૂલરાજના સમયમાં પણ તે નામ પ્રચલિત હતું. પુરાણો તથા મહાભારતમાં તેનો મહત્ત્વના તીર્થ તરીકે ઉલ્લેખ છે. મૂલરાજ સોલંકીએ અહીં મૂલનારાયણનું મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજે સરસ્વતીના કિનારે આવેલા રુદ્રમહાલયને મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું અને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી ‘સિદ્ધપુર’ તરીકે જાણીતું થયું. બીજા મંતવ્ય પ્રમાણે અહીં સાંખ્યના આચાર્ય ભગવાન કપિલમુનિનો આશ્રમ હતો. ત્યાં તેમણે માતા દેવહૂતિને ઉપદેશ કરેલો. કપિલમુનિ સિદ્ધોના પરમ પુરુષ ગણાતા હોઈ ૧૩મી-૧૪મી સદીમાં ‘સિદ્ધપુર’ નામ પ્રચલિત થયું. ઈ. સ. ૧૫૩૯માં ઇસ્માઇલી વહોરા પંથના વડા મુલ્લાજીસાહેબ યૂસુફ બિન સુલેમાને અહીં સિદ્ધપુરમાં આવી પોતાના ધર્મની ગાદી સ્થાપી.

સિદ્ધપુરમાં રુદ્રમાળ

હાલનું સિદ્ધપુર શહેર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મુખ્ય મથક તથા યાત્રાધામ છે. ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીનું એક ‘બિંદુ’ સરોવર આ નગરમાં છે. આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. આ નગર ભારતભરમાં જીરું, વરિયાળી અને ઇસબગૂલના વેપાર માટે જાણીતું છે. અહીં સુતરાઉ કાપડનાં કારખાનાં, તેલની મિલો તેમ જ ઇજનેરી ઉદ્યોગને લગતા એકમો આવેલા છે. અહીં શિક્ષણસંસ્થાઓ, બૅંકો, આરોગ્ય-કેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં ઘણાં મકાનો આવેલાં છે, જેનો સમાવેશ યુનોએ વિશ્વ-વિરાસત(‘વર્લ્ડ હેરિટેજ’)ની યાદીમાં કર્યો છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ૧૧મી સદીમાં મૂલરાજે બંધાવેલા રુદ્રમાળ કે રુદ્રમહાલય નામના ભવ્ય શિવાલયના અવશેષો ઉલ્લેખનીય છે. આ રુદ્રમાળને ભારતના પુરાતત્ત્વખાતાએ મહત્ત્વ આપ્યું છે. સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. વળી રાજવિહાર નામે જૈનમંદિર, મૂલનારાયણ સ્વામી વૈષ્ણવ મંદિર, ગોવિંદમાધવનું મંદિર, સિદ્ધેશ્વર તથા નીલકંઠ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની બેઠક તથા પ્રાચીન બ્રહ્માણી મંદિર પણ દર્શનીય છે. અહીં અલર્ક ગણેશની યાદ આપતાં ચકલો અને કૂઈ પણ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય મહાપ્રજ્ઞ

જ. ૧૪ જૂન, ૧૯૨૦ અ. ૯ મે, ૨૦૧૦

જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીનું મૂળ નામ નથમલ હતું. અગિયાર વર્ષની વયે દીક્ષા લીધા બાદ હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની જેવી ભાષાઓ તથા જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એ પછી પોતાના અધ્યયનક્ષેત્રને વ્યાપક બનાવીને આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું. એમણે ધર્મક્ષેત્રે પ્રસરેલી ખોટી માન્યતાઓ અને દાંભિક ક્રિયાકાંડો સામે જાહેર સભાઓમાં વેધક પ્રહાર કર્યો. ધ્યાનની એક વિશિષ્ટ પદ્ધતિ પ્રેક્ષાધ્યાન આપી, જેમાં માનવીની દૂષિત વૃત્તિઓનું પરિમાર્જન કરવાના પ્રયોગોને પ્રસ્તુત કર્યા અને પાંચસોથી વધુ પ્રેક્ષાધ્યાનની શિબિરો દ્વારા હજારો લોકોનાં જીવનમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્ટ્રેસ દૂર કરી શાંતિનો અનુભવ કરાવ્યો. ઉચ્ચકોટિના ચિંતક અને મનીષીએ જૈન આગમો વિશે, ભગવાન મહાવીર વિશે અને જૈનદર્શન વિશે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં. પ્રારંભે સંસ્કૃત ભાષામાં શીઘ્ર કવિતા કરતા હતા. એમણે ૨૭૧ પુસ્તકો લખ્યાં. અહિંસાયાત્રા કરીને દેશનાં સેંકડો ગામોમાં અહિંસક જીવનશૈલી અને વ્યસનમુક્તિ, આજીવિકા શુદ્ધિ અને આજીવિકા પ્રશિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન કર્યું. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા પ્રસંગે એમણે સાંપ્રદાયિક સદભાવના દ્વારા એકતાનો પ્રયાસ કર્યો હતો, તો ૨૦૦૩માં સૂરતના ચાતુર્માસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથે રાષ્ટ્રના આધ્યાત્મિક ઉત્થાન અને સૌહાર્દ માટે એક સંસ્થાની સ્થાપના કરી, રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ તેમને વારંવાર મળવા આવતા હતા. લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી દ્વારા બ્રિટિશ પાર્લમેન્ટમાં અહિંસા ઍવૉર્ડ, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, મધર ટેરેસા ઍવૉર્ડ જેવા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. ૯મી મેએ તેઓ રાજસ્થાનના સરદાર શહેરમાં કાળધર્મ પામ્યા. એમની બહુવિધ પ્રતિભામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. રાષ્ટ્રકવિ દિનકરજીએ એમને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા, તો અટલ બિહારી બાજપેયી, પં. દલસુખ માલવણિયા, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિ એમનાથી પ્રભાવિત હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે

માનવીને મળેલા અમૂલ્ય જીવનને સાર્થક કરવા માટે એમ કહેવામાં આવે છે કે એણે પળનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ પળનો પ્રમાદ કઈ રીતે થતો હશે ? એનો વિચાર મનમાં સ્વાભાવિક રીતે ઉદભવે. હકીકતમાં જીવન એ પળનું બનેલું છે. વ્યક્તિના જીવનની માત્ર એક પળ પણ વેડફાઈ જાય તોપણ એના જીવન પર એનો પ્રભાવ પડતો હોય છે. આ પળને ઉજાળવા માટે વ્યક્તિએ પ્રત્યેક પળને જીવતાં શીખવું જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ભૂતકાળની ક્ષણને લઈને વર્તમાનની ક્ષણને ઓળખતી હોય છે, પણ એની એ વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળનાં ભય, શંકા અને દ્વિધા જોડાય, તો એની વર્તમાનની ક્ષણ પણ વિફળ બને છે. જીવનની ક્ષણોને જૂની-પુરાણી વિચારસરણીથી જોવા જનાર પોતાની આજની ઘડીને રળિયામણી કરવાને બદલે વ્યર્થ બનાવી દે છે. આ રીતે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને વર્તમાનમાં જ જીવવાની કોશિશ કરવી જોઈએ. ભૂતકાળની ક્ષણથી વર્તમાનને જોનાર દ્વિધા અનુભવે છે, તો વર્તમાનની ક્ષણે ભવિષ્યનો વિચાર કરનાર ભયને જુએ છે. ભૂતકાળમાં સરી ગયેલી ક્ષણની ચિંતા છોડો અને આવતી કાલની ક્ષણની ચિંતા હટાવી દો. ગઈકાલની ક્ષણ પ્રમાદ લાવશે અને આવતી કાલની અનિશ્ચિતતા. ખરી જરૂર તો પ્રત્યેક ક્ષણને વર્તમાનમાં જીવવાની છે. વર્તમાન આપણા ભવિષ્યને આકાર આપે છે અને વીતી ગયેલા ભૂતકાળને સુધારે છે. આથી ‘આજ’ એ હકીકત છે. ‘ગઈકાલ’ એ વીતી ગયેલું સ્વપ્ન છે અને આવતી કાલ એ આવનારી પરિસ્થિતિની કલ્પના છે. વીતેલાનો શોક નહીં, આવનારની ફિકર નહીં; વર્તમાન પાસે છે આજનું કર્મ, નક્કર હકીકત અને યથાર્થ દર્શન.