Categories
વાચન સમૃદ્ધિ

ટ્રિનિડાડ અને ટોબેગો

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : ૧૧° ૦૦´ ઉ. અ. અને ૬૧° ૦૦´ પ. રે.. વિસ્તારની દૃષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે ૨ મુખ્ય તથા ૨૧ નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર ૫,૧૩૧ ચોકિમી. તથા તેના દરિયાકિનારાની લંબાઈ ૪૭૦ કિમી. છે. તે વિષુવવૃત્તની ઉત્તરે આશરે ૧૦° પર, ઓરિનોકો મુખત્રિકોણની સામે, અમેરિકાની ઉત્તર કિનારાની નજીક છે. માળખાગત તથા ભૌગોલિક બંને રીતે તેને વેસ્ટ ઇન્ડિયન ટાપુ કરતાં દક્ષિણ અમેરિકાનો ટાપુ ગણાય. ટોબેગો ટાપુનું ટ્રિનિડાડ સાથે ૧૮૯૮માં વિલીનીકરણ થયું. ટોબેગોનો કુલ વિસ્તાર ૩૦૦ ચોકિમી. છે અને તે ટ્રિનિડાડના ઈશાન ખૂણે ૩૧ કિમી. અંતરે આવેલો છે. ટ્રિનિડાડ અને ટોબેગો બંનેની કુલ વસ્તી ૧૫,૦૮,૬૩૫ (૨૦૨૪) તથા વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૨૫૪ છે. કુલ વસ્તીના ૬૯% શહેરી વિસ્તારમાં તથા ૩૧% ગ્રામવિસ્તારમાં રહે છે, બંને ટાપુઓના કુલ ભૂભાગનો ૯૫% ભૂભાગ તથા કુલ વસ્તીના આશરે ૯૫% વસ્તી ટ્રિનિડાડની છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેનું પાટનગર, મુખ્ય બંદર, મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર તથા મોટામાં મોટું શહેર છે. આ ટાપુઓની મુખ્ય ભાષા અંગ્રેજી છે.

કોકોની ખેતી

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ વૈવિધ્યપૂર્ણ પ્રદેશના ત્રણ મુખ્ય ભૌગોલિક ભાગ પાડી શકાય : (૧) ઉત્તરમાં પર્વતોની શૃંખલા, જે ટાપુઓની કુલ પહોળાઈને આવરી લઈ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. હકીકતમાં આ પર્વતશૃંખલા વેનેઝુએલાની શૃંખલાનો ભાગ છે. આ ભાગમાં વ્યાપારી પવનો મુખ્યત્વે પૂર્વમાંથી ઈશાન તરફ વહે છે. ટાપુના પૂર્વ તરફના પ્રદેશમાં અને ખાસ કરીને પર્વતશૃંખલાના ઈશાનમાં ભારે વરસાદ પડે છે, જે ઘણી વાર વાર્ષિક સરેરાશ ૩,૭૫૦ મિમી.ને વટાવી જાય છે. (૨) ટાપુના ઉત્તર તરફના ભાગમાં ગીચ જંગલો તથા ઊંડી  ખીણો આવેલાં છે. અન્ય બે પર્વતશૃંખલાઓમાં મધ્ય તથા દક્ષિણની ઊંડી ખીણો  તરફની પર્વત-શૃંખલાઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ તરફ ક્રમશ: ઘટતી જાય છે. ત્રણે પર્વતશૃંખલાઓ : ઉત્તર, મધ્ય તથા દક્ષિણનાં શિખરોની ઊંચાઈ ૧૫૨.૩ મી.થી ૧૫૨૩ મી. વચ્ચે છે. ઉત્તર તરફની પર્વતશૃંખલાનાં ઘણાં શિખરોની ઊંચાઈ ૯૧૪ મી. કરતાં પણ વધારે છે. માઉન્ટ એરિપો શિખર ઊંચામાં ઊંચું (૯૪૦ મીટર) છે. મોટાભાગની કાંપની જમીન પૉર્ટ ઑવ્ સ્પેનની પૂર્વે તથા કોકોસ ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. (૩) ટાપુના મધ્ય વિસ્તારની પર્વતશૃંખલાઓ તથા કિનારા સુધીની પર્વતશૃંખલાઓ વચ્ચેનો પ્રદેશ સપાટ અથવા ક્વચિત્ સમુદ્રતરંગ જેવો દેખાય છે અને તેમાંનો ઘણો ભાગ કળણભૂમિથી વ્યાપેલો છે. પશ્ચિમ તરફના બે દ્વીપકલ્પોનો વિશાળ પ્રદેશ પારિયાની ખાડી તરીકે ઓળખાય છે, જેમાં છીછરો દરિયો ભરાય છે. ટ્રિનિડાડના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રીજા ભાગ જેટલી જમીન ખેતીક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવી છે. ખાંડ અને કોકો ત્યાંની મુખ્ય પેદાશો છે. પશ્ચિમના દરિયાકાંઠાના સૂકા મેદાની પ્રદેશમાં શેરડીની ખેતી થાય છે, જ્યારે ઉત્તરના પર્વતીય ઉષ્ણ પ્રદેશની ખીણોમાં કોકોની પેદાશ થાય છે. ઉપરાંત, કૉફી, નારિયેળ, કેળાં તથા મોટાં સંતરાં જેવાં, સ્વાદે સહેજ કડછાં હોય તેવાં ગ્રેઇપ-ફ્રૂટની પેદાશ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. ટાપુના નિકાસ વ્યાપારમાં નારિયેળ તથા તેની પેદાશો અગ્રસ્થાને રહે છે. સ્થાનિક ખોરાક માટે નારિયેળનું તેલ તથા ઘરગથ્થુ વપરાશ માટે સાબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક વપરાશ માટે ચોખાની પેદાશમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. લીંબુ, નારંગી, મોસંબી, મોટાં લીંબુ તથા અન્ય ખાટાં ફળો અને તેના રસની નિકાસોને સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી તથા કોકોની પેદાશ કંપનીઓની માલિકી હેઠળની જમીનો પર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રિનિડાડ અને ટોબેગો,
પૃ. 402)

Categories
વાચન સમૃદ્ધિ

હજારીપ્રસાદ દ્વિવેદી

જ. ૧૯ ઑગસ્ટ, ૧૯૦૭ અ. ૧૯ મે, ૧૯૭૯

હિન્દી નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, વિદ્વાન અને સાહિત્યિક ઇતિહાસકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુબે છાપરા નામના ગામમાં થયો હતો. તેમના પિતા પંડિત અનમોલ દ્વિવેદી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રમાં ‘આચાર્ય’ અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૯માં લખનૌ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હજારીપ્રસાદ દ્વિવેદી ૧૯૩૦માં વિશ્વભારતીમાં જોડાયા હતા જ્યાં તેઓ સંસ્કૃત અને હિન્દી શીખવતા હતા. ત્યારબાદ તેઓ બે દાયકા સુધી શાંતિનિકેતનમાં રહ્યા હતા. તેમણે હિન્દી ભવનની સ્થાપના કરી અને વર્ષો સુધી તેનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમણે બંગાળી ભાષા અને સાહિત્યની સૂક્ષ્મતા, નંદલાલ બોઝની સૌંદર્યલક્ષી સંવેદનશીલતા, ક્ષિતિમોહન સેનના મૂળની શોધ અને ગુરુદયાલ મલ્લિકની સૌમ્ય પણ રહસ્યમય રમૂજને આત્મસાત્ કરેલ. આ બધા પ્રવાહોની અસર તેમનાં લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે. ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન તેમણે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં રીડર તરીકે સેવા આપી હતી.૧૯૫૫માં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભાષા આયોગના સભ્ય તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ૧૮૬૦માં તેઓ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં હિન્દી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે જોડાયા અને ત્યાંથી જ સેવાનિવૃત્ત થયા હતા. હજારીપ્રસાદ દ્વિવેદીએ ‘સાહિત્ય કી ભૂમિકા’ અને ‘હિન્દી સાહિત્ય કી આદિકલા’ જેવાં પુસ્તકો દ્વારા હિન્દી સાહિત્યમાં વિવેચનને એક નવી દિશા આપી હતી. તેમના ‘કબીર’, ‘મધ્યકાલીન ધર્મસાધના’ અને ‘નાથ સંપ્રદાય’ જેવા ગ્રંથોમાં ભારતના મધ્યયુગીન ધાર્મિક જીવનનું ઐતિહાસિક વિશ્લેષણ જોવા મળે છે. તેમની ‘બાણભટ્ટ કી આત્મકથા’, ‘અનમદાસ કા પોથા’, ‘પુનર્નવા’ અને ‘ચારુ-ચંદ્રલેખા’ જેવી ઐતિહાસિક નવલકથાઓને ક્લાસિક ગણવામાં આવે છે. તેમનો ‘શિરીષ કે ફૂલ’ નામનો નિબંધ NCERT દ્વારા ધોરણ ૧૨ માટે તૈયાર કરવામાં આવેલ હિંદી પુસ્તકમાં સ્થાન પામ્યો છે. આ સિવાય તેમણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાંથી હિંદીમાં ઘણી કૃતિઓનો અનુવાદ પણ કર્યો હતો. હિન્દી સાહિત્યમાં વિશેષ યોગદાન બદલ તેમને ૧૯૫૭માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મારે શી ફિકર ?

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વમાં શરૂઆતના અગ્રણી મોટર ઉત્પાદક હેન્રી ફોર્ડે (ઈ. સ. ૧૮૬૩થી ૧૯૪૭) જગતને મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનનો ‘ઍસેમ્બ્લી પ્લાન્ટ’ આપ્યો, જે આજે મોટર, ટ્રક અને સ્કૂટરના ઉત્પાદનમાં જ નહીં, પણ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિઝરેટરો વગેરેના નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને એનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવા માટે ‘ઍસેમ્બ્લી લાઇન’ના સિદ્ધાંત તરીકે અમલમાં મુકાય છે. મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનથી અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પ્રભાવ પાડનાર આ ઉદ્યોગપતિ સતત ફોર્ડ કારનાં જુદાં જુદાં મૉડલનું ઉત્પાદન કરતા હતા તેમજ ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર ઉત્પાદન અને યુદ્ધના માલસામાનના ઉત્પાદનમાં પણ કાર્યરત હતા. એ સમયે અમેરિકાના સામાજિક અને આર્થિક જીવન પર હેન્રી ફોર્ડનો ઘણો પ્રભાવ પડ્યો. આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગપતિએ જહાજખરીદી અને ગ્રંથલેખન પણ કર્યું. આવા હેન્રી ફોર્ડના અવસાનનાં થોડાં વર્ષ પહેલાં ડેલ કાર્નેગી એની મુલાકાતે ગયા. માનવમનના પારખુ ડેલ કાર્નેગીએ એવી કલ્પના કરી હતી કે આટલાં બધાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અને કેટલાય પ્રકારના કારોબાર સંભાળતા હેન્રી ફોર્ડ અત્યંત વ્યસ્ત હશે. કામના બોજથી દબાયેલા હશે, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ હશે અને મન સ્ટ્રેસ ધરાવતું હશે. એ સમયે હેન્રી ફોર્ડની ઉંમર ૭૮ વર્ષની હતી, આમ છતાં એ તદ્દન શાંત, સૌમ્ય અને સ્વસ્થ દેખાતા હતા. ડેલ કાર્નેગીને આ જોઈને ભારે આશ્ચર્ય થયું. એણે કહ્યું કે તમે દેશની કાયાપલટ કરી છે, આટલો વિશાળ કારોબાર સંભાળો છો અને છતાં તમારા ચહેરા પર કેમ કોઈ ચિંતા દેખાતી નથી ? ‘ચિંતાઓ ? ના, હું તો એમાં દૃઢ વિશ્વાસ ધરાવું છું કે ઈશ્વર જ મારા વ્યવસાયની સઘળી વ્યવસ્થા કરે છે અને એની દેખરેખના અંતે બધાં કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થાય છે, પછી મારે એની ચિંતા-ફિકર કરવાની શી જરૂર ?’ ફોર્ડે ઉત્તર વાળ્યો.