Categories
વાચન સમૃદ્ધિ

અંગત સ્નેહનો સ્પર્શ

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી  પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું,  ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા,  ‘દોસ્ત ! આ  માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.  પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ

જ. ૨૬ મે, ૧૮૬૪ અ. ૩ માર્ચ, ૧૯૧૬

બ્રિટિશ ભારતના પ્રથમ હિંદુ બૅરોનેટ, અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ ચીનુભાઈનો જન્મ અમદાવાદમાં માધવલાલ રણછોડલાલ તથા રેવાબાઈને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના તેઓ પૌત્ર થાય. ૧૮૮૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. તેઓ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પારંગત હતા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. ૧૮૯૮માં દાદાનું અને ત્યારબાદ પિતાનું અવસાન થવાથી બધી જવાબદારી પોતે સંભાળી લીધી. તેમણે પોતાના વહીવટ હેઠળની ત્રણ મિલોને પ્રથમ પંક્તિની બનાવી. તેમણે ઇજિપ્શિયન રૂમાંથી ૧૦૦ કાઉન્ટ જેટલું ઊંચી જાતનું સૂતર કાંતવાની રીત શરૂ કરી. તેમને અમદાવાદ મિલમાલિક ઍસોસિયેશનના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. ચીનુભાઈ દાનવીર પણ હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે દાન કરેલાં છે. તેમણે કરેલી સખાવતો વીસમી સદીના આરંભનાં વરસોમાં કરવામાં આવી હતી, જે તે સમયે ઘણી મોટી રકમો ગણાતી હતી. તેમણે આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, આર. સી. હાઈસ્કૂલ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, આરોગ્યક્ષેત્રે તેમજ પુસ્તકાલય માટે દાન આપ્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતમાં રસ ધરાવનાર ચીનુભાઈએ વારાણસી, હરદ્વાર અને દક્ષિણ ભારતનાં ધાર્મિક સ્થળોમાં પણ સખાવતો કરી હતી. તેમનાં સેવાકાર્યોની કદર કરીને બ્રિટિશ સરકારે ૧૯૦૭માં સી.આઈ.ઈ.(CIE)નો  ખિતાબ આપ્યો હતો. ૧૯૧૧માં તેમને ‘નાઇટ(સર)નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૩માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો.     

Categories
વાચન સમૃદ્ધિ

સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ)

સાલારજંગ દીવાને કરેલા કલાસંગ્રહને અનુલક્ષીને આંધ્રમાં હૈદરાબાદ ખાતે સ્થપાયેલું અદ્વિતીય સંગ્રહાલય. ૧૯મી સદીના મધ્યભાગમાં હૈદરાબાદના નિઝામે એક દીવાનની નિયુક્તિ કરી જેને ‘સાલારજંગ’ની ઉપાધિ આપવામાં આવી. આ દીવાનનો પુત્ર સાલારજંગ બીજો અને પૌત્ર સાલારજંગ ત્રીજો પણ દીવાનપદે રહ્યા. આ સાલારજંગ ત્રીજાએ ત્રીસ વર્ષોમાં કરેલો સંગ્રહ તે સાલારજંગ સંગ્રહાલય તરીકે ઓળખાયો.  મીર યૂસુફ ખાન (સાલારજંગ ત્રીજો) કલાપ્રેમી હોવાથી તેને જુદી જુદી કલાકારીગીરીવાળી વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ હતો. તે ૧૯૪૯માં મૃત્યુ પામ્યો. તેને કોઈ વારસ ન હોવાથી એક કમિટી રચાઈ અને તેણે એમની સંઘરેલી વસ્તુઓનું મહેલમાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. ૧૯૫૮માં આ સંગ્રહ ભારત સરકારને આપવામાં આવ્યો અને ૧૯૬૮માં તે  સંગ્રહને સંગ્રહાલય-સ્વરૂપે જાહેર જનતાને જોવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યો.

સાલારજંગ મ્યુઝિયમ

હજારો મૂલ્યવાન નમૂનાઓ જે પ્રથમ મહેલમાં ‘દીવાન દેવડી’માં રાખવામાં આવેલા તે એક કરોડના ખર્ચે બંધાયેલા નવા મકાનમાં ૧૯૬૮માં વિભાગવાર અને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. તેમાં પૌરસ્ત્ય (પૂર્વના) અને પાશ્ચાત્ય (પશ્ચિમના) – એમ  બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા. પૌરસ્ત્ય વિભાગમાં નાના-મોટા ૪૦ ખંડો અને વરંડાઓ છે. તેમાં જેડ (Jade), શસ્ત્રો, વસ્ત્રાભૂષણો અને સોના, ચાંદી તેમ જ અન્ય ધાતુઓના અલંકારોનો ઉત્તમ સંગ્રહ છે, જે મુઘલ શાસકોના તત્કાલીન જીવનના વૈભવ અને જાહોજલાલીનો નિર્દેશક છે. ભોંયતળિયાના પ્રથમ ખંડમાં સાલારજંગની અંગત ચીજવસ્તુઓનો સંગ્રહ છે. તેમનાં વસ્ત્રો, ઘરવખરી, ફર્નિચર, પુસ્તકો, ભેટસોગાતો, તેમના જીવન અને સમયના ફોટોગ્રાફો વગેરેની દસ્તાવેજી સામગ્રી ત્યાં પ્રદર્શિત કરાઈ છે. બાકીના ભાગમાં ભારતીય કલાકારીગીરીના નમૂનાઓનો સમાવેશ થાય છે. અહીં આભૂષણો, ચિત્રો, શસ્ત્રો, ચિનાઈ માટીનાં અને કાંસાનાં વાસણો, ઝવેરાત, ગાલીચા, હાથીદાંતની કેટલીક ચીજો, કાચ ઉપરની ચિત્રકારીવાળી વસ્તુઓ, વિવિધ પ્રકારનાં ઘડિયાળો, કીમતી ધાતુ પરની કારીગરીના નમૂનાઓ, ધાતુ-પથ્થર તથા કાષ્ઠની મૂર્તિઓ વગેરે હજારોની સંખ્યામાં પ્રદર્શિત કરેલાં છે. શિલ્પવિભાગમાં  નેલાકોન્ડા-પલ્લીમાંથી મળી આવેલી ૩જી સદીની બુદ્ધની પ્રતિમા, કોસામ્બીમાંથી મળેલું ૪થી સદીનું એકમુખી લિંગ, વારાંગલથી મળેલ ૧૨મી સદીની કાર્તિકેયની પ્રતિમા તથા પલ્લવ, ચોળ અને પાંડ્ય રાજ્યકાલ દરમિયાનની ભારતીય કાંસ્ય અને પથ્થરની પ્રતિમાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ), પૃ. ૧૨૦)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી