Categories
વાચન સમૃદ્ધિ

નિરંજન મનુભાઈ ત્રિવેદી

જ. ૮ જુલાઈ, ૧૯૩૮ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨

ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક નિરંજન ત્રિવેદીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મૂળ વઢવાણના વતની નિરંજનભાઈનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું હતું. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી પણ અમદાવાદમાં જ મેળવી હતી. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ તેમને વાચન અને સંગીતનો શોખ હતો. ખાડિયામાં પંડિત દામોદર શાસ્ત્રી જુદા જુદા રાગમાં ચોપાઈ સંભળાવતા. આથી એમનામાં શાસ્ત્રીય રાગોની સમજ વિકસી. તેમના પિતાને પણ સંગીતનો શોખ હતો. તેઓ પોતે હાર્મોનિયમ વગાડતા. નિરંજનભાઈ ભાઈશંકર નાનાલાલ લાઇબ્રેરીમાં વાંચવા જતા. સાંજ પડે ત્યાં સુધી વાંચતા. ક્યારેક તો લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે ચોકીદાર તેમને પકડીને ઊભા કરે ત્યારે ત્યાંથી નીકળતા. તેમણે થોડો સમય મિલમાં કામ કર્યું. શરૂઆતમાં મિલમાં મિલમજૂર તરીકે બદલી ભરતા. પછી ઇલેક્ટ્રિક ખાતામાં કૂલી તરીકે કામ કર્યું. એ પછી પશુપાલન ખાતામાં ક્લાર્કની નોકરી મળી. એ પછી સેન્ટ્રલ બૅન્કમાં જોડાયા. બૅન્કના ઇન્ટરવ્યૂ વખતે એમની સેન્સ ઑવ્ હ્યુમર કામ આવી અને નિમણૂક થઈ. બૅન્કમાં ફિલ્ડ ઑફિસરમાંથી મૅનેજર બન્યા. તેમના વિનોદભર્યા અને આત્મીયતાસભર સ્વભાવને કારણે તેઓ બધાંના પ્રિય બની રહ્યા. તેઓ પોતાને એન.આર.કે. એટલે કે નૉન રેસિડન્ટ કાઠિયાવાડી કહેવામાં ગર્વ અનુભવતા. તેઓ કહેતા કે જો હું મારી આત્મકથા લખીશ તો તેનું શીર્ષક ‘મજૂરથી મૅનેજર’ રાખીશ, પરંતુ કમનસીબે તેમની પાસેથી આત્મકથાનું પુસ્તક પ્રાપ્ત થયું નહીં. બાળક જેવા નિર્દોષ, સદાય પ્રસન્ન અને ઓછા શબ્દોમાં કટાક્ષ દ્વારા સર્જન કરનાર નિરંજન ત્રિવેદીએ વર્તમાનપત્રમાં ‘અવળીગંગા’ કટારલેખન કર્યું હતું. ‘વ્યંગાવલોકન યાને…’, ‘પહેલું સુખ તે જાતે હસ્યા’, ‘નીરખ નિરંજન’, ‘સરવાળે ભાગાકાર’, ‘કોના બાપની હોળી’, ‘માર ખાયે સૈયા હમારો’ સહિત દસેક પુસ્તકો તેમણે આપ્યાં છે. ‘સરવાળે ભાગાકાર’ પુસ્તકનો દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના એસ.વાય.બી.એ.માં પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં ચાર પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સામે ચાલીને થતી આત્મહત્યા

માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગુરુદયાલ મલ્લિક

જ. ૭ જુલાઈ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૭૦

‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.