Categories
વાચન સમૃદ્ધિ

‘કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ !

અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ? આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ ‘શું ન કરવું’ એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો. માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેય-ઉપાદેયને સમજે, તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને અકરણીય કામોનો વિચાર કરવો જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

સાપુતારા

ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું ગિરિમથક. ‘સાપુતારા’ નામનો અર્થ ‘સાપોનો નિવાસપ્રદેશ’ એવો થાય છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાતમાં સૌથી પહેલા ગિરિમથક તરીકે આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. તે રાજ્યના સૌથી ગાઢ જંગલ ધરાવતા ડાંગ જિલ્લામાં સૂરતથી ૧૬૪ કિમી.ના અંતરે આવેલું છે. સહ્યાદ્રિ ગિરિમાળામાં તે દરિયાની સપાટીથી ૮૭૨.૯ મીટરની ઊંચાઈ પર છે. સાપુતારાનું ભૂપૃષ્ઠ પહાડી છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી સર્પગંગા નદી ગામની નજીકથી વહે છે. અહીં લાવાપ્રવાહોથી રચાયેલા બેસાલ્ટ ખડકો પથરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં લાલ માટીનું તો અન્ય ઠેકાણે રેગર અથવા કાળી માટીનું આવરણ પથરાયેલું જોવા મળે છે.

ઉનાળામાં અહીંનું હવામાન ઠંડું, ખુશનુમા અને આહલાદક હોય છે. શિયાળો પ્રમાણમાં ઠંડો હોય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૨,૫૪૦ મિમી.થી  ૩,૨૦૦ મિમી. જેટલો થાય છે. અહીંનાં જંગલોમાં સાગ અને વાંસનાં ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓ પણ ખૂબ પ્રમાણમાં ઊગે છે. સાપુતારામાં ૮૪૫ મીટરની ઊંચાઈએ એક જળાશય તૈયાર કરવામાં આવેલું છે. આ જળાશય સાપુતારામાં પીવાનું પાણી પૂરું પાડે છે. રાજ્યના મત્સ્યવિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્યઉછેર થાય છે. અહીં મધમાખીઉછેર-કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ અને સનસેટ પૉઇન્ટ, ઇકો-પૉઇન્ટ, સાપુતારા સરોવર, રજ્જુમાર્ગ, વેલી-વ્યૂ-પૉઇન્ટ, લેક-ગાર્ડન, રોઝ-ગાર્ડન, સ્ટેપ-ગાર્ડન, મધમાખીઉછેર-કેન્દ્ર તથા આદિવાસી હસ્તકલાની ચીજ-વસ્તુઓના સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની હસ્તકલાના નમૂના, ઘરેણાં, વાજિંત્રો, શસ્ત્રો અને શિકારનાં ઓજારો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો અહીં અવારનવાર આવતા રહે છે. પર્યટકો માટે અહીં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અમૃત સમાન ગ્રંથ

રાજચિકિત્સક બુઝોઈ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા હતા. એક વાર ઈરાનના બાદશાહ ખુસરોના રાજચિકિત્સક બુઝોઈએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઈ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઈને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૂ કરી. કેટલાંય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં. એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને બુઝોઈને જોઈને પૂછ્યું, ‘આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?’ બુઝોઈએ કહ્યું, ‘હું ઈરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.’ આ સાંભળીને પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, ‘અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા. આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૂર મળે. અમારે ત્યાં અમૃત સમાન ‘પંચતંત્ર’ નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃદ્ધ રહે છે.’ બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન ‘પંચતંત્ર’ની એક પ્રત લઈને સ્વદેશ પાછા ફર્યા.