માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.
ભારતીય પત્રકારત્વને નવી દિશા આપનાર વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીસનું પૂરું નામ બૂબલી જ્યૉર્જ વર્ગીસ હતું. પિતા જ્યૉર્જ અને માતા અન્ના. વતન કેરળ રાજ્યનું તિરુવલ્લા ગામ અને જન્મ બર્માના મેમ્યોમાં. ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. દૂનમાં હતા ત્યારે ‘ધ દૂન સ્કૂલ વીકલી’નું સંપાદન કર્યું. ૧૯૪૮માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા. પછી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૮થી ૧૯૬૬ સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કામ કર્યું. ૧૯૬૬થી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માહિતીસલાહકાર અને ભાષણલેખક હતા. એ સમયે રોટરી ક્લબ ઑવ્ બૉમ્બે નૉર્થે તેમને વર્ષના શ્રેષ્ઠ પત્રકાર તરીકે સન્માનિત કર્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૫ સુધી ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે કાર્ય કર્યું. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીની ટીકા કરવા બદલ તેમને તંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ફેલો હતા. તેમણે ‘વૉલન્ટરી ઍક્શન’ના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી રહ્યા. તેઓ સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. તેમણે ૧૯૭૭માં કેરળના માવેલિક્કારાથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ કારગીલ સમીક્ષા સમિતિના તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ હતા. ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણો થયાં પછી તેઓ એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા ફેક્ટ ફાઇન્ડિંગ મિશનમાં હતા. દેશની નદીઓના આંતર-જોડાણ માટેના ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે અને નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પર્યાવરણીય પેટા જૂથના સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૯૭૮થી ૧૯૮૧ સુધી તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદના અધ્યક્ષ હતા. તેમણે રાષ્ટ્રકુળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. ‘વૉટર્સ ઑવ્ હોપ’ (૧૯૯૦), ‘વિનિંગ ધ ફ્યુચર’ (૧૯૯૪), ‘ડિઝાઇન ફોર ટુમોરો’ (૧૯૬૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાનું જીવનચરિત્ર ‘વોરિયર ઑવ્ ધ ફોર્થ એસ્ટેટ’ લખ્યું છે. ‘ફર્સ્ટ ડ્રાફ્ટ : વિટનેસ ટુ મેકિંગ ઑવ્ મૉડર્ન ઇન્ડિયા’ તેમની આત્મકથા છે. ૧૯૭૫માં પત્રકારત્વક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને રેમન મૅગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાંની જરદીનો ઉપયોગ થઈ શકે. ટેમ્પરા ચિત્રશૈલીમાં મોટે ભાગે ઈંડાંની જરદી જ વિશેષ વપરાતી હતી. ટેમ્પરાનું આવું મિશ્રણ કાગળ, કૅન્વાસ, તેલનો હાથ મારેલું લાકડું અથવા સલ્લો (plaster) કરેલી સપાટી પર લગાડી શકાય. ચિત્રકામની આ અત્યંત પ્રાચીન પદ્ધતિ ઇજિપ્ત, ગ્રીસ તથા રોમની પ્રજામાં વ્યાપક પ્રચારમાં હતી. ચીટકવાનો ગુણધર્મ લાવવા માટે ઈંડાંનો સૌપ્રથમ ઉપયોગ બાઇઝન્ટાઇન પ્રજાએ કર્યો. ત્યારથી લગભગ આખી પંદરમી સદી સુધી આ ચિત્રશૈલીનો બહોળો પ્રસાર રહ્યો.
ટેમ્પરા ચિત્રશૈલીમાં દોરાયેલું એક ચિત્ર
ટેમ્પરાની વિશેષતા એ છે કે તે જલદી સુકાઈ શકે છે અને જળદ્રાવ્ય બનતું અટકી જાય છે; આથી રંગનાં ઘણાં અસ્તર લગાડી શકાય છે અને અર્ધપારદર્શક ઉપરાઉપરી પડના પરિણામે આ શૈલીનાં ચિત્રોમાં અનેરી તેજસ્વિતા ઊભરી આવે છે. જોકે આ પ્રકારના ક્રમિક ચિત્રાંકનમાં ચિત્રકારે ખૂબ ધીરજ તથા પૂર્વતૈયારી દાખવવી પડે છે અને તેમાં સ્ફૂર્તિલી સર્જનાત્મકતા તથા આકારોની તરલતાને અવકાશ રહેતો નથી. અલબત્ત, ટેમ્પરામાં રંગછટાનું વૈવિધ્ય તથા વિગતોની ઝીણવટ સહેલાઈથી આલેખી શકાય છે. પ્રારંભિક સમયથી તે છેક આખી પંદરમી સદી દરમિયાન સહિયારી કાર્યશાળા રૂપે ચિત્રો તૈયાર કરવાની જે પ્રથા હતી તેને માટે આ સુયોગ્ય શૈલી હતી. ટેમ્પરાની વ્યાપક લોકપ્રિયતા દક્ષિણ યુરોપમાં છેક ૧૫૦૦ સુધી રહી, પરંતુ ઉત્તર યુરોપના કલાકારોએ પંદરમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા સાથે તૈલી પદાર્થોના મિશ્રણના પ્રયોગો કરવા માંડ્યા. જૅન વૅન આઇક તૈલી રંગોના શોધક ગણાય છે. તેમણે રંગો સાથે તેલ તથા ઈંડાંનું મિશ્રણ કરવાની પહેલ કરી. તેને પગલે સોળમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા ચિત્રશૈલીના સ્થાને તૈલચિત્રોની શૈલીનો વ્યાપક પ્રસાર થયો. છેક વીસમી સદીમાં કેટલાક અનુ-સંસ્કારવાદી (post-impressionist) કલાકારોએ આ શૈલીમાં અનેકવિધ પ્રયોગો કરીને તેમાંની મનોરમ ખૂબીઓનું નવેસર સર્જન કર્યું. એમાં શાન તથા ઍન્ડ્રૂ વાઇથ અગ્રેસર છે. ભારતમાં પ્રાચીન કાળથી ચિત્રાંકનની ચાર પદ્ધતિઓ વિશેષ રૂપે જોઈ શકાય છે : તેમાં ઈંડાંની જરદીનો ઉપયોગ મુઘલકાલીન ચિત્રો સિવાય બહુ ઓછો થયો છે; પણ તેમાં ગુંદર, ખીરું, સરેશનો ઉપયોગ થયેલો છે. એ રીતે આ ચિત્રોને સાદા ‘ટેમ્પરા’ કહી શકાય. તે પરંપરામાં (૧) ભીંત પરનાં રંગચિત્રો, (૨) કપડાનાં ઓળિયાં પરનું રંગચિત્રાંકન, (૩) લાકડાની પાટી પર રંગચિત્રો, પત્ર પર ચિત્રો તથા (૪) કાગળ પરનાં ચિત્રો – તેમનો ઉલ્લેખ કરી શકાય. ભીંત પર રંગચિત્રો આલેખવાની પદ્ધતિ બુદ્ધકાળમાં વ્યાપક હતી; જેમ કે, જોગીમારા, અજંતા. વસ્ત્રપટ પર ચિત્રાંકનનું ચલણ મૌર્યકાલ શુંગકાળમાં હતું, જેમાં ખાદીના વેજાને દૂર્વાના રસનો પાસ આપી તે પછી રાંધેલા ભાતના ઓસામણની ખેળ ચડાવી ઉપર ગાળેલી ખડીનું અસ્તર લગાવી તેના પર ચિત્રાંકન થતું. લાકડાની પાટીને છોલી, ઘસીને તેના પર ભાતના ઓસામણનો લેપ કરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી ધવનો ગુંદર ઉમેરેલા મિશ્રણથી ચિત્રાંકન થયું છે.
ખોડીદાસ પરમાર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેમ્પરા ચિત્રકળા, પૃ. ૩૧૭)