જ. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૧ અ. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૫

ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અને ‘ધ મિસ્ટરી ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી સાધનાનો જન્મ કરાંચી શહેરમાં થયો હતો. પિતા શિવરામ શિવદાસાની અને લાલીદેવીનું એકમાત્ર સંતાન સાધનાનું નામ નગમા હતું, પરંતુ તેના પિતા બંગાળી અભિનેત્રી સાધના બોસના પ્રશંસક હતા તેથી પાંચ વર્ષની નગમાનું નામ સાધના રાખ્યું. ૧૯૪૭ના ભાગલા પછીનાં રમખાણો દરમિયાન સ્થળાંતર કરીને સમગ્ર કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું. આઠ વર્ષ સુધી તેની માતાએ તેને ઘરમાં જ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ તેણે ઑક્ઝિલિયમ કૉન્વેન્ટ સ્કૂલ, વડાલામાં અભ્યાસ કર્યો અને પછી જયહિંદ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સાધના, ૧૯૬૦ના દાયકાની સૌથી વધુ સુંદર, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. બાળપણથી જ અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોતી સાધનાને તેના પિતાએ ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરી હતી. તેની પંદર વર્ષની વયે કૉલેજમાં નાટકોમાં તેનો અભિનય જોઈને કેટલાક ફિલ્મનિર્માતાઓનું ધ્યાન તેના તરફ ખેંચાયું. તેને ભારતની સર્વપ્રથમ સિંધી ફિલ્મ ‘અબાના’(૧૯૫૮)માં અભિનય કરવાની તક મળી. જાણીતા ફિલ્મનિર્માતા શશધર મુખર્જીએ સાધના અને પોતાના પુત્ર જૉય મુખર્જીને લઈને ૧૯૬૦માં ‘લવ ઇન સિમલા’ બનાવી જે ખૂબ સફળ નીવડી. આ ફિલ્મમાં સાધનાએ કરેલી હેરસ્ટાઇલ પાછળથી દેશભરમાં ‘સાધના કટ તરીકે લોકપ્રિય બની. ત્યારબાદ તેણે એક પછી એક અનેક ફિલ્મોમાં અવનવી ભૂમિકાઓ નિભાવી અને ઝડપથી સફળતાની ટોચ પર પહોંચી. તેની કેટલીક સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં ‘હમ દોનો’, ‘અસલી નકલી‘, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘આરઝૂ’, ‘વક્ત’, ‘મેરા સાયા’, ‘અનિતા’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’ અને ‘ગીતા મેરા નામ’નો સમાવેશ થાય છે. ૨૦૦૨માં તેમને આઇફા દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેણે ફિલ્મઉદ્યોગમાંથી નિવૃત્તિ લઈ લીધી. તેનાં લગ્ન દિગ્દર્શક આર. કે. નય્યર સાથે થયાં હતાં.
અમલા પરીખ