જ. 22 માર્ચ, 1918 અ. 8 જુલાઈ, 2001

બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના સમયના કૂચબિહાર જિલ્લા(હાલમાં પશ્ચિમ બંગાળ)માં બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 1937માં તેઓએ સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો આરંભ કર્યો, પણ ગંભીર માંદગીને લીધે તેમને કૂચબિહાર પાછા આવવું પડ્યું. થોડા મહિના બાદ તેઓ વિક્ટોરિયા કૉલેજ(હાલમાં આચાર્ય બ્રિજેન્દ્રનાથ સીલ કૉલેજ)માં દાખલ થયા અને 1939માં અંગ્રેજી વિષયમાં ઑનર્સ સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. અંગ્રેજી ઉપરાંત ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, ફિલૉસૉફી અને કાયદાશાસ્ત્રમાં પણ તેમની સારી હથોટી હતી. કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે કૂચબિહાર હેડ પોસ્ટઑફિસમાં નોકરી લેવી પડી અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને તિલાંજલી આપવી પડી. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા અને સાથે સાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ રાખી. તેઓ એક શક્તિશાળી લેખક હોઈ યુવાન લેખકોના પ્રેરણાસ્રોત બની રહ્યા. 1961માં તેમણે ચાર ટૂંકી વાર્તાઓથી લેખનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ‘રાણી ઇન્દુમતી’, ‘મોહિત સેનેર ઉપાખ્યાન’, ‘અંધકાર’, ‘સ્વર્ણસીતા’, ‘સત્ આચાર’ અને ‘મૃણ્મયી ઑપેરા’ જેવી અનેક વાર્તાઓ દ્વારા આદર્શવાદના અનુસંધાનમાં વાચકોને જોડવા પ્રયત્ન કર્યો. તેમની નોંધપાત્ર નવલકથાઓમાં ‘નીલ ભૂંઈયા’, ‘ગાર શ્રીખંડ’, ‘રાજનગર’, ‘દુખિયાર કુઠિ’, ‘નિર્વાસ’, ઉદ્વાસ્તુ’, ‘માહિષ્કુરાર ઉપકથા’, ‘વિલાસ વિનય વેદના’ તથા ‘ચાંદ બેને’નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ ઐતિહાસિક નથી છતાં ઇતિહાસની અસર જોવા મળે છે. તેમના સાહિત્યમાં સમાજજીવનનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે. તેમની શૈલી બૌદ્ધિક પ્રભાવથી છટાદાર અને આકર્ષક લાગે છે. તેમના આવા વિશિષ્ટ પ્રદાન બદલ તેમને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. 1972માં ત્રિવૃત પુરસ્કાર, 1984માં ઉત્તર બંગ સંવાદસાહિત્ય પુરસ્કાર, 1986માં પશ્ચિમ બંગાળ સરકારનો બંકિમ પુરસ્કાર તથા તે જ વર્ષમાં નવલકથા ‘રાજનગર’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલા. આ ઉપરાંત કલકત્તા યુનિવર્સિટી, કલ્યાણી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ નૉર્થ બૅંગાલ દ્વારા માનદ ડી.લિટ.ની ઉપાધિ પણ આપવામાં આવી હતી.
રાજશ્રી મહાદેવિયા


