Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો આભાર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હૉકિંગ(જ. 8 જાન્યુઆરી, 1942)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડૉક્ટરો એમને હૉસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષનો આ યુવક મોટરન્યૂરોન ડિસીઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લૅટર સ્ક્લેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યો છે. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયાં. આ એવી બીમારી હતી કે એમાં મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હૉકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ. પહેલાં તો હૉકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હૉકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયૉરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક ‘બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’એ 237 સપ્તાહ સુધી ‘સન્ડે ટાઇમ્સ’ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘ધ યુનિવર્સ ઇન એ નર શેલ’ છે. માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં 39 વર્ષથી એ સતત સંશોધનકાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હૉકિંગ કહે છે કે આજે ક્યારેક મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હૉકિંગે બ્લૅકહોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત ‘બિગબૅંગ’ અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુરેખા સિક્રી

જ. 19 એપ્રિલ, 1945 અ. 16 જુલાઈ, 2021

ભારતીય અભિનેત્રી જેમણે ત્રણેય માધ્યમ – ટેલિવિઝન , ફિલ્મ અને નાટકોમાં કામ કર્યું છે અને ઘણા ઍવૉર્ડ મેળવ્યા છે. તેઓ ઉત્તરપ્રદેશમાં આવેલ અલમોડા તથા નૈનિતાલમાં રહેતાં હતાં. શરૂઆતમાં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યાં હતાં. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય નાટ્યશાળામાંથી 1971માં ગ્રૅજ્યુએટ થયાં. તેમણે દસ વર્ષ સુધી આ નાટ્યશાળામાં જ કામ કર્યું. ત્યારબાદ તેઓ મુંબઈ આવ્યાં. તેમના પિતાજી હવાઈ દળમાં કાર્યરત હતા અને માતા શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હતાં. તેમનાં લગ્ન હેમંત રેગે સાથે થયાં હતાં. સુરેખા સિક્રીએ ‘બાલિકાબધૂ’ ટેલિવિઝન શ્રેણીમાં કામ કર્યું હતું. તેઓએ 1977માં રાજકીય નાટક ‘કિસ્સા કુર્સી કા’માં કામ કરી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ હિન્દી અને મલયાળમ સિનેમામાં અને સોપ ઑપેરામાં પણ તેમણે કામ કર્યું હતું. તેમના દેખાવને પ્રેક્ષકો તથા વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં અદાકારી કરી હતી, જેમાંની મુખ્ય ફિલ્મોમાં ‘કિસ્સા કુર્સી કા’, ‘અનાડી અનંત’, ‘તમસ’, ‘સલીમ લંગડે પે મત રો’, ‘પરિનતી’, ‘નઝર’, ‘કરામતી કોટ’, ‘લિટલ બુદ્ધ’, ‘મામો’, ‘સરદારી બેગમ’, ‘સરફરોશ’ વગેરે છે. તેઓને ‘મામો’ (1975), ‘તમસ’ (1983) અને ‘બધાઈ હો’ (2018) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો. તેમને હિન્દી રંગભૂમિના તેમના યોગદાન માટે 1989માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ, ફિલ્મફેર ઍવૉર્ડ અને સ્ક્રીન ઍવૉર્ડ એમ ત્રણેય જાતના ઍવૉર્ડ તેમના અભિનયની સરાહના કરવા બદલ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અરીસો (સમતલ)

જેના પરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થઈ શકે એવી ચકચકિત કાચની સપાટી ધરાવતું ફલક. અરીસામાં કાચની લીસી સમતલ સપાટી પાછળ સામાન્ય રીતે ધાતુનું પાતળું આવરણ ચડાવવામાં આવે છે. સમતલ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકવાથી તેનું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય છે. વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય તેટલું દૂર તેનું પ્રતિબિંબ અરીસાની અંદર હોવાનો ભાસ થાય છે. પ્રતિબિંબનું કદ તેની મૂળ વસ્તુ જેટલું જ હોય છે. ફક્ત તે ડાબે-જમણેને બદલે જમણે-ડાબે ફેરવાઈ જાય છે. બે સમતલ અરીસા એકબીજા સાથે ખૂણો રચે તેમ મૂક્યા હોય અને તેની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તેનાં ઘણાં પ્રતિબિંબો પડે છે. જેમ જેમ ખૂણો ઘટાડીએ તેમ તેમ પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે. જ્યારે બે સમતલ અરીસા એકબીજાને સમાંતર હોય ત્યારે જે તે મૂળ વસ્તુનાં અસંખ્ય પ્રતિબિંબો પડે છે.

નાની દુકાનમાં કે ઓરડામાં એક ભીંત પર મોટો સમતલ અરીસો લગાડવામાં આવે તો તે દુકાનની કે ઓરડાની જગા વિશાળ હોય તેવો ભાસ થાય છે. ઘરમાં અરીસાનો સૂઝપૂર્વક ઉપયોગ કરવાથી વધારે પ્રકાશ મેળવી શકાય છે. આવા સમતલ અરીસાનો ઉપયોગ કૅમેરા, પૅરિસ્કોપ, દૂરબીન તથા કૅલિડોસ્કોપમાં થાય છે. ઘરમાં બાથરૂમ આદિમાં અરીસાનો ઉપયોગ થાય છે. અરીસાનો ઉપયોગ સૂર્યનાં કિરણોનું પરાવર્તન કરી તેમને એક જગાએ કેન્દ્રિત કરવામાં થાય છે. તે પદ્ધતિનો ઉપયોગ પાણી ગરમ કરવા, સોલર કૂકરમાં રસોઈ કરવા તથા ઠંડા પ્રદેશમાં રસ્તા પરનો બરફ ઓગાળવાના કામમાં થાય છે. વક્ર સપાટીવાળા અરીસા બે પ્રકારના હોય છે : બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળ અરીસો બહારની તરફ પરાવર્તક સપાટી ધરાવતો હોય છે. એવા અરીસા વાહનમાં લગાડવામાં આવે છે, જેથી પાછળના રસ્તાનો બહોળો વ્યાપ તેમાં દેખાય. અંતર્ગોળ અરીસો એટલે અંદરની તરફ પરાવર્તક સપાટી ધરાવતો અરીસો. આવા અરીસામાં વસ્તુ અમુક સ્થિતિમાં હોય ત્યારે મોટી લાગે છે એટલે દાઢી કરવા કે મેક-અપ કરવાના કામમાં આવો અરીસો વપરાય છે. અરીસાનો ઉપયોગ સુશોભનમાં પણ થાય છે. અરીસાના નાના, ગોળ ટુકડાઓને આભલાં કહેવાય છે. તે આભલાં વસ્ત્ર પર ટાંકી સુંદર ચાકળા, પોશાક તથા બટવા બનાવાય છે. ભીંતો પર આભલાંથી ભાત પાડીને ઘરમાં સુશોભન પણ કરવામાં આવે છે. આયનામહેલો તથા મંદિરોમાં પણ તેમનો ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1