Categories
વાચન સમૃદ્ધિ

ગંભીરસિંહ ગોહિલ

જ. ૮ જૂન, ૧૯૩૪ અ. ૯ મે, ૨૦૨૫

ગુજરાતની આચાર્ય પરંપરામાં જેમનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે તે ગંભીરસિંહનો જન્મ સિહોર તાલુકાના સેંદરડા ગામમાં થયો હતો. ત્યાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં કોઈક બીમારીને કારણે બહેરાશ આવી ગઈ. આથી પિતા ભૂરુભાએ ઢોરઢાંખરના કામમાં જોડી દીધા. કોઈક કારણસર ભાવનગર ગયા. ત્યાંની મનહરકુંવરબા રાજપૂત છાત્રાલયમાં ગયા. ત્યાંના ગૃહપતિના પ્રેમને કારણે ભાવનગરમાં રહી પોતાને ભણવું છે તેવી પિતા પાસે જીદ કરી. અંતે છાત્રાલયમાં રહી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ૧૯૫૪માં પૂના બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં પ્રથમ આવ્યા. તે સમયે તેમના સહાધ્યાયીઓ હતા દિનકર જોષી, માય ડિયર જયુ અને ખોડીદાસ પરમાર. છાત્રાવાસ દરમિયાન તેઓ ‘ઉદય’ નામનું ભીંતપત્ર ચલાવતા હતા. પછી શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.; એમ.એ. થયા. ત્યાં ફેલો તરીકે થોડું અધ્યાપનકાર્ય પણ કર્યું. ૧૯૬૬થી ઉપલેટા કૉલેજના અધ્યાપક, અધ્યક્ષ અને આચાર્ય થયા ને તેમની કારકિર્દી ઘડાતી ગઈ. ત્યારબાદ સાવરકુંડલા, પછી ભાવનગરની વળિયા આર્ટ્સ કૉલેજ અને અંતે ભાવનગરની શામળદાસ કૉલેજના આચાર્યપદેથી ૧૯૯૪માં નિવૃત્ત થયા. ગંભીરસિંહ એક એવા આચાર્ય હતા જેઓ નિવૃત્ત થયા પછી ૨૦૦૬માં પીએચ.ડી. થયા હતા, જે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. તેમની પાસેથી મળેલ ‘પ્રજાવત્સલ રાજવી’ જીવનચરિત્રમાં તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ચરિત્ર ઘણા અભ્યાસથી આલેખ્યું છે. સાડાચારસોથી વધુ પૃષ્ઠો ધરાવતા આ ચરિત્રને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને બીજાં અનેક સન્માનો મળ્યાં છે. તેમની પાસેથી ‘ગ્રંથવિવેક’ (૨૦૧૦), ‘ગ્રંથવિશેષ’ (૨૦૧૧) જેવા વિવેચનગ્રંથો મળ્યા છે. ‘ખિસકોલી તો ખિસકોલી જ’ અને ‘પંખીડું ઊડી ઊડી જાય’ જેવા બાળવાર્તાસંગ્રહો પણ મળ્યા છે. તેમણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચૅરમૅનપદને પણ શોભાવ્યું હતું. ‘ભાવનગર ગદ્યસભા’ના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે કેટલાંય વર્ષો સુધી નવોદિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ એક સાહિત્યકાર તથા ઉમદા, શિસ્તપ્રિય વહીવટકર્તા તરીકે જાણીતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વિરોધીની ચિંતા

ગ્રીસના અત્યંત પ્રભાવશાળી રાજપુરુષ, પ્રખર વક્તા અને ઍથેન્સ નગરના જનરલ પેરિક્લિસે (ઈ. સ. પૂર્વે ૪૯૫થી ઈ. સ. પૂર્વે ૪૨૯) ઍથેન્સ નગરના સમાજજીવન પર ગાઢ પ્રભાવ પાડ્યો. એને ઍથેન્સનો ‘પ્રથમ નાગરિક’ તરીકે ઓળખવામાં આવ્યો. એણે ઍથેન્સમાં કલા અને સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપીને પ્રાચીન ગ્રીસના આ નગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું. પેરિક્લિસ એ લોકશાહીનો પ્રબળ પુરસ્કર્તા હતો અને ઉત્તમ શાસક હોવા છતાં પ્રજામાં એના ટીકાખોરો અને નિંદાખોરો તો હતા. એક દિવસ એના એક પ્રખર વિરોધીએ પેરિક્લિસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. સવારથી એને વિશે બેફામ વિધાનો કર્યાં. દોષારોપણ કર્યાં અને ગુસ્સાભેર એની સમક્ષ અપમાનજનક વચનો કહ્યાં. પેરિક્લિસ વિરોધીઓની ટીકાથી સહેજે અકળાતો નહીં. એ શાંતિથી  સઘળું સાંભળતો રહ્યો. એના વિરોધીએ આખી બપોર આક્ષેપબાજીમાં ગાળી અને સાંજ પડી છતાં એ અટક્યા નહીં. અંધારું થવા લાગ્યું. પેલો વિરોધી બોલી બોલીને અને હાથ ઉછાળી ગુસ્સો કરીને થાક્યો. એ ઘેર જવા લાગ્યો ત્યારે પેરિક્લિસે એના સેવકને બોલાવીને કહ્યું, ‘તું એની સાથે ફાનસ લઈને જા. અંધારામાં એને રસ્તો નહીં જડે અને ક્યાંક ભૂલો પડી જશે.’ પેરિક્લિસનાં આ વચનો સાંભળી એનો પ્રખર વિરોધી વિચારમાં પડ્યો. એના પર આક્ષેપોની ઝડી વરસાવી. કશું કહેવામાં બાકી રાખ્યું નહીં છતાં પેરિક્લિસ મારી આટલી બધી સંભાળ લે છે. આમ વિચારતાં એનો ગુસ્સો ઓગળી ગયો અને પોતાના દુર્વર્તન બદલ ક્ષમા માગી.

Categories
વાચન સમૃદ્ધિ

ખ્વાજા અહમદ અબ્બાસ

જ. ૭ જૂન ૧૯૧૪, પાનીપત, હરિયાણા અ. ૧ જૂન ૧૯૮૭, મુંબઈ, મહારાષ્ટ્ર

પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચશિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમિયાન ‘અલીગઢ ઓપિનિયન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. ૧૯૩૫માં તેઓ ‘બૉમ્બે ક્રોનિકલ’માં જોડાયા. તેમાં ચિત્રપટના સમીક્ષક તરીકે મોટા નિર્માતાઓની કડક ટીકા કરતાં અચકાતા નહિ. સ્વતંત્ર પત્રકાર તરીકેનું તેમનું સાચું સ્વરૂપ ‘બ્લિટ્ઝ’માં પ્રગટ્યું. એ પત્રની ખ્યાતિ પામેલું કૉલમ ‘લાસ્ટ પેજ’ તેમની બાહોશ કલમનું સાહસ હતું, જે તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ચાલુ રાખેલું. ‘બ્લિટ્ઝ’ હિન્દી અને ઉર્દૂમાં પણ પ્રસિદ્ધ થવા માંડ્યું ત્યારે તેમાં પણ ‘આઝાદ કલમ’ના નામથી છેલ્લું પાનું અબ્બાસ લખતા. આ રીતે ભારતમાં પત્રકારત્વની દુનિયામાં નિર્ભય વાતાવરણ ઊભું કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો. ડાબેરી વિચારસરણી તેમને કોઠે ઊતરી ચૂકી હતી, તેથી સામાન્ય જનતાના પ્રશ્નો માટે સંઘર્ષ કર્યા વગર રહી શકતા નહિ, પછી તે પત્રકારત્વ, સાહિત્ય કે ચિત્રપટ કોઈ પણ માધ્યમ હોય ! ‘નીચાનગર’ (૧૯૪૬), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯), અને રાજ કપૂરની ‘આવારા’ (૧૯૫૧), ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫), ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), ‘બોબી’ (૧૯૭૩), ‘હીના’ (૧૯૯૧)ના પટકથા-લેખક તરીકે જાણીતા હતા. ૧૯૬૯માં તેમને પદ્મશ્રી એનાયત થયેલો. ૧૯૪૬માં ‘નીચાનગર’ માટે ગોલ્ડન પામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, ૧૯૫૭માં ‘જાગતે રહો’ માટે ક્રિસ્ટલ ગ્લોબ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમની ફિલ્મોમાં ‘ધરતી કા લાલ’ અને ‘શહેર ઔર સપના’ પ્રસિદ્ધ છે. બીજી ફિલ્મને રાષ્ટ્રીય સહિત અનેક પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. સાહિત્યકાર તરીકે ‘એક લડકી’, ‘ઝાફરાન કે ફૂલ’, ‘ગેહૂં ઔર ગુલાબ’, ‘કહેતે હૈં જિસ કો ઇશ્ક’ અને ‘નઈ ધરતી, નયે ઇન્સાન’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘ઇન્કિલાબ’ નામે એક નવલકથા પણ તેમણે લખી છે.