Categories
સાંપ્રત કાર્યક્રમો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને વિશ્વા માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું !-     કલાપી


રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, અર્ચન ત્રિવેદી,
ડૉ. ભરત ભગત, કબીર ઠાકોર અને અમિતાભ મડિયા
કરશે સ્મરણોની લ્હાણી |
તા. 29 મે, 2025, ગુરુવાર : સાંજે 5.30 |

Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખુલ્લી આંખે જાગરણ

તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એેને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ  છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો. આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ જેમ એ આવરણો દૂર જાય છે, તેમ તેમ આત્મા પુન: પ્રકાશિત થાય છે. જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકને એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે. આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય. જો દુનિયાની સફરે નીકળે અને દુન્વયી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્યજગતની જાણકારી મળશે, પણ એનું  આંતરજગત સાવ વણસ્પર્શ્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્ઘ યાત્રા જ એક માત્ર સહારો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દરજી

જ. ૨૪ મે, ૧૯૧૯ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪

દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. ઝીણાભાઈનું જીવન સાદું અને ખડતલ હતું. તેઓએ દારૂબંધી, ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર, ગરીબીનાબૂદી વગેરે ક્ષેત્રોમાં નક્કર કામ કર્યું છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યારામાં લીધું. વાંચવાનો શોખ હોવાથી તેઓ પુસ્તકાલયમાંથી પ્રેરણાદાયી પુસ્તકો લાવીને વાંચતા. હાઈસ્કૂલનું શિક્ષણ સૂરતમાં લીધું અને પુસ્તકાલય મંત્રી બન્યા તે દરમિયાન ગાંધીસાહિત્ય વાંચ્યું. ગાંધીવિચારોની અસર એમના જીવન પર થઈ. તેઓ કાંતતાં શીખ્યા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. મૅટ્રિક થયા બાદ તેઓએ વ્યારામાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કામ કર્યું. નશાબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીફેરી અને ગ્રામસફાઈના કાર્યક્રમોમાં ભાગ લીધો. ૧૯૩૮થી ૧૯૪૨ સુધી ઝીણાભાઈએ વ્યારાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને બે માસ જેલવાસ ભોગવ્યો. સ્વરાજ પછી સૂરત જિલ્લામાં અનેક સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા અને સફાઈ-કામદારોની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો. ૧૯૬૩માં ગુજરાતમાં પંચાયતરાજની શરૂઆત કરી અને તેના પ્રમુખ થયા. પછાત વિસ્તારોનો વિકાસ કર્યો. ગુજરાત ખેતવિકાસ ડેવલપમેન્ટ બૅન્ક લિ.ના અધ્યક્ષ બન્યા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા તથા ૧૯૮૭થી ૧૯૮૯ નૅશનલ કમિશન ફોર રૂરલ લેબરના પ્રમુખ તરીકે કામ કર્યું. તેઓએ વેડછીની ગાંધી વિદ્યાપીઠ અને ગુજરાત ખેતવિકાસ પરિષદમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૫માં તેઓ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા હતા.