Categories
વાચન સમૃદ્ધિ

વસંત કાનેટકર

જ. 20 માર્ચ, 1922 અ. 30 જાન્યુઆરી, 2001

લોકપ્રિય મરાઠી નાટ્યકાર વસંત કાનેટકરનો જન્મ સતારા જિલ્લાના રહીમતપુર ગામમાં થયો હતો. માતા ઉમા અને પિતા શંકર કાનેટકર જે મરાઠી કવિ હતા અને ‘ગિરીશ’ ઉપનામથી લખતા હતા. તેમનું શિક્ષણ સાંગલી અને પુણેમાં થયું હતું. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી બી.એ. અને સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાંથી એમ.એ. થયા. 1946માં નાશિકની હંસરાજ પ્રાગજી ઠાકરે કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેઓ મૅટ્રિકમાં હતા ત્યારથી કવિતા, વાર્તા અને નિબંધ લખતા. તેમની પ્રથમ વાર્તા 1939માં ‘મનોહર’ માસિકમાં પ્રકાશિત થઈ હતી. તેઓ 1973માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણકાલીન વ્યાવસાયિક નાટ્યકાર થયા. તેમણે 54 વર્ષમાં 42 ત્રિઅંકી નાટકો, 4 નવલકથાઓ, એકાંકીઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, ફિલ્મો અને ટીવી સિરિયલો માટે પટકથાઓ લખી હતી. ‘લાવણ્યમયી’ વાર્તાસંગ્રહ; ‘ઘર’, ‘પંખ’, ‘પોરકા’ મૌલિક અને ‘તેથે ચલ રાણી’ અનૂદિત નવલકથા એમણે આપ્યાં છે. તેમનું પ્રથમ નાટક ‘વેડ્યાચે ઘર ઉન્હાંત’ રંગભૂમિ પર સફળ રહ્યું. તેમણે ‘દેવાંચે મનોરાજ્ય’, ‘ગોષ્ટ જન્માંતરીચી’, ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’, ‘પ્રેમા તુઝા રંગ કસા’, ‘સૂર્યાચી પિલ્લે’, ‘વિષવૃક્ષાચી છાયા’ વગેરે નાટકો આપ્યાં છે. ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’ મરાઠી રંગભૂમિ પર સીમાચિહન બની રહ્યું. એ નાટક માટે એમને સંગીત નાટક અકાદમીનો શ્રેષ્ઠ ભારતીય નાટક પુરસ્કાર મળ્યો હતો. આ નાટક ભારતની ચૌદ ભાષાઓમાં ભાષાંતરિત થયું હતું અને તેનો મુંબઈ યુનિવર્સિટીના અંડર ગ્રૅજ્યુએટ આર્ટસ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતી નાટકો ‘અમે બરફનાં પંખી’, ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘પુનર્મિલન’, ‘પઢો રે પોપટ બોલ પ્રેમના’, ‘રાયગડ જ્યારે જાગે છે’, ‘પારિજાત’, ‘નોખી માટી ને નોખા માનવી’, ‘ઉપર ગગન નીચે ધરતી’ તેમનાં મરાઠી નાટકોનાં રૂપાંતરણ છે. 1966માં હિંદી ફિલ્મ ‘આંસુ બન ગયે ફૂલ’ની શ્રેષ્ઠ વાર્તા માટે ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1990માં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર અને 1992માં પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1977માં ‘કસ્તુરીમૃગ’ નાટક માટે શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ નાટ્યકારનો કદાદર્પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અબુ સિમ્બલ (ઇજિપ્ત)

ખડકમાંથી કોતરી કાઢેલાં અબુ સિમ્બલનાં મંદિરો.

આ વિરાટકાય સ્થાપત્યો દુનિયાભરમાં વિરલ ગણાય છે. ૩૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બંધાયેલાં આ પથ્થરની વિરાટ મૂર્તિઓવાળાં મંદિરો આશ્ચર્યચકિત કરી દે છે. અબુ સિમ્બલનાં મંદિરો નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં છે. અત્યારે નદી ઉપર બાંધેલા બંધને લીધે ૫૫૦ કિમી. લાંબા નાસર સરોવરમાં તે અડધાં ડૂબેલાં છે. પોતાની પ્રસિદ્ધિ માટે ખૂબ જ સભાન એવા રાજા રામસેસે પોતાની સ્મૃતિને ચિરંજીવ રાખવા આ વિરાટ મૂર્તિઓ કોતરાવી હતી. અબુ સિમ્બલનાં બંને મંદિરો ઈ. સ. પૂ. ૧૨૯૦–૧૨૨૪ દરમિયાન રાજા રામસેસેના ફરમાનથી બંધાયેલાં હતાં. મંદિરની સન્મુખ બેસાડેલી ફારોહની મુખ્ય મૂર્તિ તથા તેની અનેક નાની પ્રતિકૃતિઓ મંદિરો ઉપર નજર નાખતી ઊભી હોય એવું લાગે છે. એ જ મૂર્તિઓની આઠ પ્રતિકૃતિઓ પહાડમાં ૬૫ મીટર અંદરની તરફ કોતરેલી દીવાલો ઉપર ૭૦ મીટર લાંબા સભાખંડમાં આવેલી છે. ત્યાં દીવાલોમાં કોતરકામ સાથે સુંદર ચિત્રોનું સુશોભન કરાયેલું છે. નાના મંદિરના આગળના ભાગમાં દસ મીટર ઊંચી ફારોહની અને તેની પત્ની નેફરટીટીની મૂર્તિઓ શોભે છે. નાઇલ નદી ઉપર બંધ બાંધવાના લીધે અબુ સિમ્બલનાં મંદિરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેથી નાઇલ નદીનાં પાણી અબુ સિમ્બલ ઉપર થઈને વહે, પણ ફારોહની મૂર્તિઓ જેમ છે તેમ સલામત રહે.

નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં અબુ સિમ્બલનાં મંદિરો

ઇજનેરી કૌશલ : નાઇલ નદી પર બંધ બાંધવાનું નક્કી થયું ત્યારે નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો કે આ બંધને કારણે નાઇલને કાંઠે આવેલાં આ બંને દેવળો ડૂબી જશે. આ પ્રાચીન ભવ્ય સ્થાપત્યોને બચાવી લેવા જગતભરમાંથી સલાહ અને સહકાર માગવામાં આવ્યાં. તેમાંથી એક જર્મન પેઢીની યોજનાનો સ્વીકાર થયો. આ યોજના મુજબ આ વિરાટ મૂર્તિઓ તેમની પાછળની દીવાલો સહિત ચોસલાના આકારમાં કાપીને તેમને મોટી ટ્રકો દ્વારા લઈ જવામાં આવી. આ માટે દરેક ટુકડાને સંખ્યા-સંકેતો આપવામાં આવ્યા હતા. સલામત સ્થળે મૂર્તિઓના ભાગોને ખસેડીને તેમને નંબર પ્રમાણે ફરીથી જોડી દેવામાં આવ્યા. પરિણામે આ બંને સ્થાપત્યો મૂર્તિઓ સાથે સાચવી લેવાયાં છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

જૉલિયો ક્યૂરી ફ્રેડરિક

જ. 19 માર્ચ, 1900 અ. 14 ઑગસ્ટ, 1958

ફ્રેંચ ભૌતિક રસાયણવિદ જેમને 1935માં પત્ની આઇરિન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે નવા રેડિઓઍક્ટિવ તત્ત્વોની શોધ માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અર્પણ થયું હતું.. અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે વિના-શુલ્ક શિક્ષણ માટે લેવોઝિયર મ્યુનિસિપલ સ્કૂલમાં જવાની ફરજ પડી. જ્યાંથી પ્રથમ ક્રમ સાથે ઇજનેરીમાં સ્નાતક બન્યા. ત્યારબાદ તેઓ લશ્કરી સેવામાં જોડાયા. લશ્કરી સેવાઓ પૂરી કરી. તેમણે સંશોધન માટેની શિષ્યવૃત્તિ મેળવી. ભૌતિકશાસ્ત્રી પૉલ લૅન્ડાવિનની ભલામણથી 1925માં મેરી ક્યૂરીએ પોતાની પ્રયોગશાળામાં તેમને મદદનીશ તરીકે રાખ્યા. અહીં ક્યૂરીની પુત્રી આઇરિન સાથે ફ્રેડરિકની મુલાકાત થઈ. આઇરિનને લાગ્યું કે ફ્રેડરિક પોતાની સાથે વિજ્ઞાન, કળા, ખેલકૂદ અને માનવવાદમાં સહયોગ સાધી શકે તેમ છે તેથી તેઓ 26 ઑક્ટોબર, 1926માં લગ્નગ્રંથિથી જોડાયાં. હવે આઇરિનના માર્ગદર્શન હેઠળ ફ્રેડરિકે પ્રાયોગિક રીતરસમો શીખી લીધી. આ સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. 1928થી બધા જ વૈજ્ઞાનિક લેખો તેઓ બંને સંયુક્ત રીતે તૈયાર કરતાં હતાં. તેઓ બંનેએ સાથે કૃત્રિમ રેડિઓઍક્ટિવ તત્ત્વો, ન્યૂટ્રૉન અને ઘન ઇલેક્ટ્રૉન પૉઝિટિવ ઉપર અનેક સંશોધનો કર્યાં. 1937માં ફ્રેડરિકની નિમણૂક ફ્રાન્સ-દ-કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે થઈ. તે દરમિયાન નવા વિકિરણસ્રોત તૈયાર કરવા પાછળ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની દેખરેખ નીચે આર્ક્યુલકાકાન અને આવરી ખાતે તૈયાર થઈ રહેલ પ્રવેગક(accelerator) અને ફ્રાન્સ-દ-કૉલેજમાં 7 Mevના સાઇક્લોટ્રૉન તૈયાર થયાં. (1 Mev = 1 મિલિયન ઇલેક્ટ્રૉન વોલ્ટ = 106eV = 1.6 10-13 જૂલ) 1941માં નૅશનલ ફ્રન્ટ કમિટીની રચનામાં તેમણે ભાગ લીધો હતો. 1956માં સામ્યવાદી પક્ષના મધ્યસ્થ સમિતિના સભ્ય બન્યા. જ્યારે તેમનાં પત્ની અને બાળકોએ સ્વિટ્ઝર્લૅન્ડમાં આશ્રય લીધો ત્યારે ફ્રેડરિક પૅરિસમાં જ રહ્યા. 1945માં અણુ-ઊર્જા ઉત્પાદનની યોજના માટે જનરલ દ-ગોલે તેમને સત્તા આપી. 1946માં તેઓ નિર્દેશક તરીકે જોડાયા. તેમણે પૅરિસમાં ન્યુક્લિયર-ભૌતિકવિજ્ઞાનની નવી પ્રયોગશાળા શરૂ કરી. આઇરિનના મૃત્યુ બાદ પણ તેનાં અધૂરાં કાર્યો ફ્રેડરિકે પૂરાં કર્યાં.